હોસ્પિટલના કોલ્ડરૃમ અને સ્મશાને પણ મૃતદેહોની કતારો... બિહામણા દૃશ્યો
જામનગર તા. ૭ઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ દર વધી જતાં ભયાનક સ્થિતિ ઊભી થઈ છે અને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૃમમાં તેમજ નગરના બન્ને સ્મશાન ગૃહોમાં મૃતદેહોની કતારો લાગી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાનું બિહામણું સ્વરૃપ જોવા મળી રહ્યું છે. અને મૃત્યુના મામલે ખૂબ જ ભયાનક સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા પાંચ દિવસના સમય દરમિયાન પ૦ થી વધુ દર્દીઓના મૃત્યુ લઈને હાહાકર મચી ગયો છે, અને જી.જી. હોસ્પિટલના કોલ્ડરૃમ ઉપરાંત નગરના બન્ને સ્મશાનગૃહોમં મૃતદેોની કતારો લાગી ગઈ છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના કારણે દર્દીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં છે, અને પ્રતિદિન મૃત્યુનો આંકડો પણ ડબલ ફિગર ઉપર આવતો જાય છે.
છેલ્લા પાંચ દિવસન સમયગાળા દરમિયાન પપ જેટલા દર્દીઓએ દમ તોડી દીધો છે અને દર બે કલાકે કોવિડ બિલ્ડિંગમાં એક-એક મૃતદેહો બહાર નીકળી રહ્યો છે.દર્દીઓના સગા પોસ્ટમોર્ટમના દ્વારે ઊભા રહીને હૈયાફાટ રૃદન કરી રહ્યાં છે. જેથી ભારે કરૃણ દૃશ્યો નજરે પડી રહ્યાં છે. લોકોએ કોરોનાના મામલે કેટલું સાવચેત રહેવું જરૃરી છે તે આવા દૃશ્યો પરથી જોવા મળે છે.
કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિ માટે સ્મશાનમાં પણ કતારો લાગી ગઈ છે. જામનગરના આદર્શ સ્મશાનગૃમાં મોટાભાગન કોવિડ મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવાી રહી છે. ત્યાં પણ ઈલેક્ટ્રીકની એક ભઠ્ઠી હાલમાં બંધ થઈ છે, અને તેની મરામતની કામગીરી ચાલી રહી છે. જ્યારે એક માત્ર જૂની ભઠ્ઠી ચાલુ છે. જેમં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહોની અંતિમવિધિ કરવમાં આવી રહી છે.
જ્યારે બાકી શહેર અને આસપાસના વિસ્તારમાંથી આવેલા અન્ય મૃતદેહોને લાકડા ગોઠવીને અગ્નિદાહ આપવામાં આવી રહ્યો છે. જેમાં પણ મોટી કતારો લાગી રહી છે. આજે મંગળવારના દિવસે સાંજે ૬ વાગ્યા સુધીમાં જ રર મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી, અને સમગ્ર સ્મશાન પરિસર મૃતકના પરિવારજનોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું.
આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલા મોક્ષ મંદિરમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃતદેહની અંતિમવિધિ શરૃ કરી દેવામાં આવી છે. ગઈકાલે સોમવારે બે અંતિમ વિધિ કરવામાં આવી હતી, ત્યારપછી આજે મંગળવારે પણ બપોર પછીના મસયમાં બે કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહ લઈ જવામાં આવ્યા હતાં, અને તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
કોરોનાના કારણે મુસ્લિમ સમાજના દર્દીઓના પણ પાંચથી વધુ મૃત્યુ થયા છે. જેઓની પણ દફનવિધિ મોક્ષફાઉન્ડેશન દ્વાર જુદા-જુદા કબ્રસ્તાનમાં કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુના મામલે ભયાનક સ્થિતિ સર્જાઈ છે, અને હોસ્પિટલના દ્વારે તેમજ સ્મશાનગૃહમાં બિહામણા દૃશ્યો જોવા મળી રહ્યાં છે. જેથી લોકોએ કોરોનાના મામલે ખૂબ જ સાવચેત રહેવું જરૃરી છે.