ખંભાળીયાના વડત્રામાં બે માસુમ ભાઈઓ તળાવમાં ડૂબતા શ્રમિક પરિવાર હતપ્રભ

જામનગર તા. ૨૯ઃ ખંભાળીયાના વડત્રા ગામમાં ખેતમજુરી માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના આદિવાસી પરિવાર પર વજ્રઘાત થયો છે. આ દંપતીના સાત તથા અગિયાર વર્ષના બે પુત્રો શનિવારે સવારે તળાવમાં ન્હાવા પડ્યા પછી ડૂબી જતા મોતની ગોદમાં સરી ગયા છે. આ બનાવે વડત્રામાં અરેરાટી પ્રસરાવી છે.

ખંભાળીયા તાલુકાના વડત્રા ગામમાં આવેલા એક ખેતરમાં મજુરી કામ માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના દેવગઢ-બારીયા ગામના સુરેશભાઈ મંગાભાઈ નાયકા નામના આદિવાસી યુવાનની સાથે તેમના પત્ની નંદાબેન તેમજ પુત્ર વિજય (ઉ.વ. ૧૧) અને સંજય (ઉ.વ. ૭) તે જ ખેતરમાં વસવાટ કરતા હતાં.

તે દરમ્યાન શનિવારે સવારે સુરેશભાઈ તથા નંદાબેન નજીકમાં આવેલા ખેતરમાં મજુરીકામ કરવા ગયા ત્યારે સંજય તથા વિજય બન્ને એકલા હતાં. તે પછી સવારે અગિયારેક વાગ્યે નંદાબેન ઘરે આવતા તેઓએ બન્ને સંતાનોને ઘરમાં ન જોતા ઉચક શ્વાસે શોધખોળ શરૃ કરી પતિને જાણ કરતા સુરેશભાઈ તથા ખેતરમાલિક ગોવિંદભાઈ સહિતના વ્યક્તિઓ દોડી આવ્યા હતાં.

બન્ને બાળકોની ચાલતી શોધખોળ દરમ્યાન ખેતરથી થોડે દૂર આવેલા તળાવ તરફ બન્ને બાળકોના પગલાના નિશાન જોવા મળતા માતા-પિતા તે તરફ દોડ્યા હતાં જ્યાં સંજય તથા વિજય તળાવમાં જોવા મળતા બન્નેને બહાર કાઢવામાં આવ્યા હતાં. મુર્છીત રહેલા બન્ને બાળકોને દવાખાને લઈ જવાતા ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા અરેરાટી પ્રસરી ગઈ હતી. અત્યંત ગરીબ એવા શ્રમિક પરિવારના બન્ને બાળકો એકસાથે કાળનો કોળીયો બનતા આ દંપતીએ કરૃણ આક્રંદ કર્યું હતું.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit