જામનગરની મેડિકલ હોસ્ટેલમાંથી થયેલી લેપટોપની ચોરીનો ભેદ ખુલ્યો

મિત્ર સાથે થયેલા કૃત્યનો બદલો લેવા તબીબી વિદ્યાર્થીના જ પાંચસો લેપટોપ ચોર્યાની કબુલાતઃ આંતરરાજ્ય આરોપી ઝબ્બેઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરની મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાંથી બે સપ્તાહ પૂર્વે છ વિદ્યાર્થીના લેપટોપ ચોરાઈ ગયા હતાં. જેની પોલીસે શરૃ કરેલી તપાસમાં સીસીટીવીના ફૂટેજે રિક્ષાનો, રિક્ષાચાલકે હોટલનો, હોટલમાંથી આરોપીનો, તે પછી એસટી બસના કન્ડક્ટર પાસેથી,  રાજકોટ એરપોર્ટ પરથી આરોપીનો પત્તો સાંપડ્યો હતો. અતિઆધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસે આરોપીના સાચા મોબાઈલ નંબર મેળવી છેક હરિયાણા સુધી તપાસનો દૌર લંબાવતા એક શખ્સ ચોરાઉ છએય લેપટોપ સાથે ઝબ્બે થયો છે. આ શખ્સે પોતાના મિત્ર સાથે થયેલા એક કૃત્યનો બદલો લેવા ચોરીનો માર્ગ અપનાવ્યા પછી છેલ્લા પાંચ વર્ષમાં ચાલીસથી વધુ પી.જી. હોસ્ટેલમાં હાથ મારી પાંચસોથી વધુ લેપટોપ ઉઠાવ્યાની કબુલાત આપી છે. આરોપીને નવ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં આવેલી પી.જી. હોસ્ટેલમાં કેટલાક તબીબી વિદ્યાર્થીઓના છ લેપટોપ ચોરાઈ ગયાની ગઈ તા. ૨૬ ડિસેમ્બરના દિને ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી. પોલીસે ગુન્હો નોંધ્યા પછી હોસ્ટેલની આજુબાજુમાં રહેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા તેમાં લાલ અને સફેદ રંગની ચોકડીવાળો શર્ટ પહેરેલો શખ્સ શંકાસ્પદ હીલચાલ કરતો અને તે પછી રિક્ષામાં બેસી નીકળી ગયો હોવાનું દેખાઈ આવ્યું હતું.

તે રિક્ષાના નંબર મેળવવા તપાસનીસ પીઆઈ કે.એલ. ગાધેએ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનો સંપર્ક કરી શહેરભરમાં મૂકવામાં આવેલા સીસીટીવીના ફૂટેજ ચકાસતા અને સર્વેલન્સ સ્ટાફને બાતમીદારોને એક્ટીવેટ કરવા સૂચના આપતા સ્ટાફના હરદીપ બારડ, યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રિક્ષાચાલક મળી આવ્યો હતો. તેની પુછપરછ કરાતા તેણે એક શખ્સને જુની અનુપમ ટોકીઝ પાસેથી બેસાડી મેડિકલ કોલેજમાં ઉતાર્યો હોવાનું અને તે પછી એસટી ડેપો પાસે મૂકી આવ્યાનું જણાવતા પોલીસે અનુપમ ટોકીઝ પાસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં જેમાં હોટલ ઈકો ઈનમાં સીસીટીવીમાં ઉપરોક્ત શંકાસ્પદ શખ્સ દેખાઈ આવતા તેના સગડ દબાવાયા હતાં જેમાં તામિલનાડુના રહેવાસી એવા તમીલસેલવમ કન્નાન નામના થીરૃવરમ ગામના શખ્સનું નામ, સરનામું સાંપડ્યું હતું.

તે પછી એસટી ડેપોમાં તપાસ કરાતા તે વર્ણનવાળો શખ્સ રાજકોટ જતી એક બસમાં બેઠો હોવાનું જાણવા મળતા પોલીસે તે બસના કંડક્ટરનો સંપર્ક કરતા તેણે આ શખ્સ રાજકોટ ઉતર્યાનું અને તેણે હિન્દીમાં પોતાની ફ્લાઈટનો સમય થયાનું જણાવ્યાનું ઉમેરતા પોલીસે રાજકોટ એરપોર્ટ સુધી તપાસ લંબાવતા આ વર્ણનવાળો શખ્સ રાજકોટથી ફ્લાઈટમાં દિલ્હી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

આ શખ્સે હોટલ ઈકો ઈનમાં ઉતારો મેળવતી વખતે પોતાના મોબાઈલ નંબર ખોટા લખાવ્યા હતાં પરંતુ તેણે હોટલમાંથી ઝોમાટો મારફત ફૂડનો ઓનલાઈન ઓર્ડર કર્યો હતો અને તેમાંથી તેના સાચા નંબર અને રાજકોટ એરપોર્ટ પર પણ સાચા નંબર લખાવ્યાનું પોલીસને જાણવા મળતા તે નંબર સર્વેલન્સમાં લેવામાં આવ્યો હતો જેમાં આ મોબાઈલ દિલ્હી તથા ફરીદાબાદમાં હોવાનું ખુલતા પોલીસની એક ટુકડી હરિયાણાના ફરીદાબાદમાં ધસી ગઈ હતી. જેના ભાકરી ગામમાંથી તમીલસેલવન મળી આવ્યો હતો.

ઉપરોક્ત આરોપીને અટકાયતમાં લઈ જામનગર ખસેડવામાં આવતા તેને એક ચોરાઉ લેપટોપ કાઢી આપી ઉપરોક્ત ચોરીની કબુલાત આપી છે. પોલીસે તેની ઘનિષ્ઠ પુછપરછ શરૃ કરી રીમાન્ડની માંગણી કરતા અદાલતે તેને નવ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. પોલીસ સમક્ષ પોપટ બની ગયેલા આ શખ્સે એમ.પી. શાહ મેડિકલ કોલેજની પી.જી. હોસ્ટેલના અલગ અલગ માળેથી લેપટોપ ઉઠાવ્યા પછી વિમાનમાર્ગે દિલ્હી પહોંચી પીલવાલે નામના સ્થળ પર જઈ એમઆર ટ્રાવેલ્સની બસમાં તામિલનાડુના થીરૃવરમમાં ટીઆર નગરમાં વસતા પોતાના મિત્ર પ્રશાંતને તે લેપટોપ રવાના કરી દીધાની કબુલાત આપી છે. પોલીસે તે લેપટોપ પરત મેળવવાનું આરોપીએ ચેન્નાઈના પોતાના મિત્ર પ્રભારકરનો ફોન પર સંપર્ક કરી પ્રશાંત પાસેથી લેપટોપ લેવાનું કહેતા પ્રભાકરે દિલ્હીના મિત્ર અનિલ જૈનને તે લેપટોપ આપી દેશે તેમ કહ્યું હતું. તે પછી પાર્સલમાં અનિલ જૈન પાસે આવી પહોંચેલા લેપટોપ જામનગર મોકલવાનું કહેવાતા ગુડગાંવના પોલીસના સ્થાનિક બાતમીદારે તે તમામ લેપટોપ અનિલ જૈન પાસેથી મેળવી જામનગર મોકલ્યા છે. પોલીસે તે પાંચ લેપટોપ સહિત કુલ રૃા. ૧,૬૨,૦૦૦ના છએય લેપટોપ કબજે લીધા છે.

આરોપીએ જણાવ્યા મુજબ પોતે જ્યારે ચેન્નાઈમાં અભ્યાસ કરતો હતો ત્યારે મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીએ તેના એક મિત્રનો લેપટોપનો ઉપયોગ કરી ખરાબ વીડિયો બનાવી વાયરલ કરતા તમીલસેલવમ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પર રોષે ભરાયો હતો અને તેણે ચોરીનો માર્ગ અપનાવી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યભરમાં ચાલીસથી વધુ મેડિકલ હોસ્ટેલમાં હાથફેરો કરતા ૫૦૦થી વધુ લેપટોપ ચોરી કર્યા છે. તેણે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં પણ ચોરી કરી છે. આ શખ્સ અલગ-અલગ જિલ્લામાં આવેલી પીજી મેડિકલ હોસ્ટેલને નિશાન બનાવતો હતો. ઈન્ટરનેટ પરથી જે-તે હોસ્ટેલનું એડ્રેસ મેળવ્યા પછી ફ્લાઈટ તથા લક્ઝરીયસ ટ્રેનમાં મુસાફરી કરી જે-તે સ્થળે પહોંચતો હતો અને ચોરી ફરીદાબાદ નીકળી જતો હતો. આ શખ્સને ઝડપી લેવાની કામગીરીમાં પીઆઈ કે.એલ. ગાધે સાથે પીએસઆઈ એલ.જે. મિયાત્રા, પીઆઈ કે.વી. ચૌધરી, એએસઆઈ બશીરભાઈ મલેક, હે.કો. રવિરાજસિંહ જાડેજા, રાજેશ વેગડ, ક્રિપાલસિંહ જાડેજા, શોભરાજસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, યુવરાજસિંહ જાડેજા, હરદીપ બારડ, શિવભદ્રસિંહ, કિશોર પરમાર, ફૈઝલ ચાવડા તથા મનહરસિંહ સાથે રહ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit