શહેરની જી.જી. હોસ્પિટલમાં જ હજુ બેડની વ્યવસ્થા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવી રહ્યાં છે દર્દીઓ

દ્વારકા, ખંભાળીયા, મોરબી, રાજકોટથી પણ એમ્બ્યુલન્સો કરે છે ફેરા

જામનગર તા. ૭ઃ સૌરાષ્ટ્રભરમાં એક માત્ર જામનગરની જી.જી હોસ્પિટલમાં જ દર્દીઓ માટે જગ્યા હોવાથી ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને રાજકોટ-મોરબી-વાંકાનેર-દ્વારકા, ખંભાળીયા વિસ્તારની એમ્બ્યુલન્સોના જામનગરમાં આંટાફેરા કરતી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલ કોરોનાના દર્દીથી ઉભરાઈ ગઈ છે, જ્યારે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં હજુ પણ વધારાની ૪૦૦ જેટલી બેડની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી સૌરાષ્ટ્રભરના દર્દીઓનો જામનગર તરફ ઘસારો જોવા મળી રહ્યો છે, અને સૌરાષ્ટ્રના અનેક સ્થળોએથી કોરોનાના દર્દીને લઈને એમ્બ્યુલન્સ જામનગરમાં આંટાફેરા કરી રહી છે.

આ કારણે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયેલો જોવા મળે છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૭ર૦ બેડની બિલ્ડિંગમાં હાલમાં પ૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, ત્યારે રર૦ દર્દીઓની જગ્યા હજુ ખાલી છે. તે ઉપરાંત અન્ય ૪૦૦ જેટલા બેડ કાર્યરત કરી શકાય તે માટેની જુના બિલ્ડિંગમાં પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

આવા સંજોગોમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે સૌરાષ્ટ્રભરના દર્દીઓનો જામનગર તરફ ધસારો થઈ રહ્યો છે. રાજકોટની કોવિડ હોસ્પિટલ હાલમાં ફૂલ થઈ ગઈ હોવાથી સરકારી સારવાર મેળવવા માટે છેક મોરબી, ગોંડલ, જેતપુર, વાંકાનેર સહિતના દર્દીઓ ઉપરાંત પોરબંદર જિલ્લામાંથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દર્દીઓ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ તરફ આવી રહ્યાં છે.

હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં દર દસ મિનિટે એક એમ્બ્યુલન્સ બિલ્ડીંગ તરફ આંટાફેરા કરી રહી છે. જેથી ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. અન્ય જિલ્લાઓમાંથી દર્દીઓનો સારવાર માટેનો પ્રવાહ આવતો હોવાથી જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ હોસ્પિટલનું તંત્ર પણ એલર્ટ બન્યું છે, અને વધુને વધુ દર્દીઓની સારવાર ઉપલબ્ધ કરાવી શકાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યાં છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit