પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલોઃ ૧૧ લોકોના મોત

પાંચ કર્મચારી અને બે પોલીસકર્મીના મૃત્યુઃ ચાર આતંકી ઠારઃ

કરાચી તા. ર૯ઃ પાકિસ્તાનના કરાચીમાં થયેલા આતંકી હુમલામાં ૧૧ લોકોના મૃત્યુ થયા છે. જે પૈકી પાંચ કર્મચારી, બે પોલીસ જવાન અને ચાર આતંકીઓને ઠાર કરાયા છે.

પાકિસ્તાનના કરાચી સ્ટોક એક્સચેન્જ પર સોમવારે સવારે આતંકીઓએ હુમલો કર્યો હતો. જિયો ન્યૂઝ ચેનલના જણાવ્યા મુજબ ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૭ લોકોના મોત થયા છે. પોલીસ અને રેન્જર્સની ટીમ હાલ ઘટના સ્થળે છે. અહીંથી લોકોને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ કરાચી સ્ટોક એક્સચેન્જ સવારે ૧૦-૩૦ વાગ્યે ખુલે છે. રોજની જેમ તે આજે સોમવારે પણ આ જ સમયે ખુલ્યું. આ દરમિયાન સામાન્ય માણસો અને કર્મચારીઓની સાથે હથિયારધારી આતંકીઓ અહીં ઘૂસી ગયા હતાં. તેમનો ઈરાદો સમજતા જ લોકો ભાગવા લાગ્યા હતાં. આ દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. થોડી જ વારમાં બિલ્ડીંગને ઘેરી લેવામાં આવ્યું. જિયો ન્યૂઝના જણાવ્યા મુજબ સ્ટોક એક્સચેન્જના બે કર્મચારીઓ અને અન્ય ત્રણ કર્મચારીઓના મોત થયા છે તેમજ બે પોલીસકર્મીના પણ મોત થયા છે. આતંકીઓએ પહેલા પાર્કિંગ ઝોનમાં જવાની કોશિશ કરી રહ્યા હતાં.

પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા કરાચીના ઈન્સ્પેક્ટર જનરલે કહ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાયા છે. રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

કરાચીના આઈજીનું કહેવું છે કે હુમલાખોરોએ કથિત રીતે પોલીસ અધિકારીઓના કપડા પહેર્યા હતાં જે તેઓ ઓફ ડ્યુટી પર પહેરે છે. આતંકવાદીઓએ અત્યાધુનિક હથિયારોની સાથે હુમલો કર્યો અને એક બેગ લઈ જઈ રહ્યા હતાં જેમાં સંભવતઃ વિસ્ફોટક હોઈ શકે છે.

આતંકીઓએ સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગના મેન ગેટ પર ગ્રેનેડથી હુમલો કર્યો અને અંધાધૂંધ ફાયરીંગ કરતા બિલ્ડિંગમાં ઘૂસી ગયા. આ ફાયરીંગ દરમિયાન એક પોલીસ ઓફિસર અને એક સિક્યોરીટી ગાર્ડના ઘાયલ થયાના સમાચાર છે. ઘટના સ્થળ પર પોલીસ અને રેન્જર્સના જવાન પહોંચી ગયા છે.

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેની સાથે જ સ્ટોક એક્સચેન્જમાં ફસાયેલા કર્મચારીઓને પાછળના દરવાજેથી નીકાળી દેવામાં આવ્યા છે.

પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર અબીદ અલી હબીબે કહ્યું કે સ્ટોક એક્સચેન્જની અદર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. આતંકી પાર્કિંગ એરિયાથી ઘૂસ્યા હતાં અને તમામ લોકો પર ફાયરીંગ કરી રહ્યા હતાં. આતંકવાદીઓએ રેલવે ગ્રાઉન્ડ પાર્કિંગ ક્ષેત્રમાં ઘૂસીને સ્ટોક એક્સચેન્જના મેદાનની બહાર ગોળીબાર કર્યો હતો.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit