જોડીયામાં ૮૦૦ કરોડના ડીસેલીનેશન પ્લાન્ટનો પ્રોજેક્ટ રદ

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાના જોડીયામાં દરિયાઈ ખારા પાણીને મીઠું કરવા રૃા. ૮૦૦ કરોડના ડીસેલીનેશન પ્લાન્ટ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત લોકસભાની ચૂંટણી પૂર્વે ખુદ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.

હવે આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આથી જામનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે એક નિવેદનમાં સરકારની ચૂંટણીલક્ષી બોગસ જાહેરાતો અને બેધારી નીતિ-રીતિ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી સાથે જોડીયામાં રૃા.૮૦૦ કરોડના ખર્ચે ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત થઈ હતી. ત્યાર પછી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનને આ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કર્યું હતું.

પરંતુ ત્યાર પછી આજ દિન સુધી આ પ્રોજેક્ટ અંગે કોઈ કરતા કોઈ કાર્યવાહી થઈ ન હતી. તેમાં હવે જુદા જુદા કારણો રજુ કરી સરકારે આ પ્રોજેક્ટ રદ કર્યો છે. આ અતિ ગંભીર બાબત છે.

સરકાર દ્વારા કોઈપણ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત વડાપ્રધાન જેવી હસ્તીના હસ્તે કરવામાં આવતું હોય ત્યારે આવા પ્રોજેક્ટ અમલમાં મૂકતા પહેલા તમામ પાસાઓનો વિચાર કરી સર્વે પાછળ ઘણો મોટો ખર્ચ કરી યોજના અમલી બનાવવામાં મૂકવામાં આવતી હોય છે. અને આવા કરોડોના પ્રોજેક્ટ અંગે બજેટમાં નાણાકીય જોગવાઈઓ પણ કરવામાં આવતી હોય છે પણ ભાજપ સરકાર દ્વારા ચૂંટણી સમયે આમ જનતાના મતો અંકે કરવા માટે મોટી-મોટી લોભામણી જાહેરાતો માત્ર કરવામાં આવે છે. આમ જનતાની લાગણી માંગણી કે જનતાના પ્રાણ પ્રશ્નોના નિકાલમાં આ સરકારને બિલકુલ રસ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉક્ત પ્રોજેક્ટ અંગેના સર્વે અને ખાત મુહૂર્ત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવેલ છે, તેવો પ્રશ્ન આ વિસ્તારના ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા દ્વારા વિધાનસભામાં ઉપસ્થિત કરવામાં આવેલ અને ૧૫૦ કરોડ જેવો ખર્ચ થયો છે. તેવો પ્રશ્ન પણ કર્યો હતો. પણ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નથી. એક અંદાજ મુજબ કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જામનગર જિલ્લો અનિયમિત વરસાદના કારણે પાણીની કાયમી ઘટવાળો જિલ્લો છે. અને ખાસ કરીને જોડીયા તાલુકામાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૃપ ધારણ કરતી હોય છે. સતત પાણીનો તંગીવાળા આ તાલુકામાં ખાસ કરીને મીઠા પાણી બનાવવાના આ વરદાન રૃપ પ્રોજેક્ટને રદ કરવાના બદલે કાર્યાવન્તિ કરવા વશરામભાઈ રાઠોડે માંગણી કરી છે.

close
Nobat Subscription