ધાર્મિક તહેવારો-લગ્નગાળાના સમયમાં જ કોરોના વિફર્યો...!

જામનગર તા. ૭ઃ કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં કાળો કેર વર્તાવી દીધો છે. જામનગર સહિત ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વિસ્ફોટ થયો હોય તેમ ખૂબ જ ચિંતાજનક રીતે કેસોની સંખ્યા અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. કોરોનાના આવા વિકરાળ સ્વરૃપને કાબૂમાં રાખવા, તેના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્ય સરકારે અંતે ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશને ધ્યાને લઈને ગુજરાતના ર૦ શહેરોમાં રાત્રિ કર્ફયુની જાહેરાત કરી છે.

આગામી દિવસોમાં તા. ૧૪ મી એપ્રિલે ડો. આંબેડકર જન્મ જયંતી છે. તા. ૧૪ મી એપ્રિલથી મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ શરૃ થઈ રહ્યો છે. ર૧ મી એપ્રિલે રામનવમી, તા. ર૮ મી એપ્રિલે હનુમાન જયંતી, રપ મી એપ્રિલે મહાવીર જયંતી જેવા વર્ષના વિશેષ મહત્ત્વ ધરાવતા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે.

આ ઉપરાંત આ મહિનામાં લગ્નગાળાની સીઝન પણ ખુલી ગઈ છે. અનેક લગ્નપ્રસંગો ઉજવવાના આયોજનો અર્થે વાડીઓ, કેટરીંગવાળા, રસોયા વિગેરે બુક થઈ ગયા છે.

આ તમામ બાબતોને રાજ્ય સરકારે જાહેર કરેલ રાત્રિ કર્ફયુની અમલવારીથી જબરદસ્ત અસર પહોંચશે તે નક્કી છે.

રમઝાન મહિનામાં તો સાંજે રોઝા છોડ્યા પછી આખી રાત મુસ્લિમ સમાજ દ્વારા કાર્યક્રમો થતા હોય છે. રામનવમીના પર્વ નિમિત્તે 'રામસવારી' શોભાયાત્રા યોજાય છે. આંબેડકર જયંતીના દિને પણ ફૂલહાર કરવા ટોળા એકત્ર થાય છે, શોભાયાત્રા નીકળે છે, આમ ધાર્મિક તહેવારોની ઉજવણીમાં હવે સરકારી તંત્ર કેટલી કડક અમલવારી કરાવી શકે છે તે જોવાનું રહ્યું.

આ ઉપરાંત લગનપ્રસંગોમાં હાલના નિયમો પ્રમાણે ૧૦૦ (પ૦ + પ૦) વ્યક્તિના ગેધરીંગની છૂટ છે, ત્યારે રાત્રિના સમયે યોજાનાર રીસેપ્શન, દાંડિયારાસ, ડીનર પાર્ટી વગેરે આયોજનો રદ્ કરવા પડશે તે નક્કી છે, અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ પ્રસંગો મર્યાદિત સંખ્યામાં બપોરે જ ઉજવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ભારતમાં ધાર્મિક તહેવારો તથા સામાજિક પ્રસંગોમાં લગ્ન પ્રસંગોની ઉજવણીનું સૌથી વિશેષ મહત્ત્વ છે, પણ હાલની કોરોનાની અતિ વિષમ બની રહેલી પરિસ્થિતિમાં લોકો પોતાની ધાર્મિક લાગણી ઉપર સંયમ રાખીને નિયમોના ચૂસ્ત પાલન સાથે જ તહેવારો શ્રદ્ધાપૂર્વક ઉજવે તે જરૃરી છે. તે જ રીતે લગ્ન પ્રસંગોમાં ભલે પરિવારજનોને ગમે તેટલો ઉત્સાહ હોય પણ સાદાઈથી પ્રસંગ ઉજવે તે આજના સમયની માંગ છે.

આ તો થઈ સામાન્ય આમ જનતાને અમલ કરવાની વાત... પણ આપણા દેશમાં આમજનતા સિવાય એક એવો સમુદાય છે જેને કોઈ નીતિ-નિયમ લાગુ પડતા નથી... અને તે છે આપણા રાજકીય પક્ષોની જમાત! રાજકીય પક્ષો, તેના નેતાઓ બોલે છે કંઈક અને આચરણ કંઈક જુદું જ કરે છે! વીડિયો કોન્ફરન્સીંગમાં કે મન કી બાતમાં માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સલાહ આપનારા થોડા જ કલાકોમાં હજારો-લાખોની જનતાની ઉપસ્થિતિવાળી જાહેર સભાઓમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળે છે.

ગુજરાતમાં આઠ મહાનગર સહિત ર૦ શહેરોમાં રાત્રી કર્ફયુ જાહેર થયો છે, પણ આ સમયગાળામાં જ ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. આપણા લોકશાહી રાષ્ટ્રમાં ચૂંટણી એક મહાન પર્વ ગણાતું હોવાથી તેમાં કોઈ બાધા ન પહોંચવી જોઈએ... પછી પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત કે ગંભીર કેમ ના હોય?

જોઈએ... રાત્રિ કર્ફયુની અમલવારી કોરોનાના સંક્રમણને અટકાવવામાં કેટલી કારગત નિવડે છે... બાકી તો દરેક નિયમની અમલવારી તો અંતે સરકારી તંત્રોએ જ કરવાની હોય છે, અને ગત્ વર્ષના એપ્રિલથી લઈને અત્યાર સુધીમાં આપણા સરકારી તંત્રોએ રાજકીય નેતાઓની નિયમોના ભંગ કરવાની પ્રવૃત્તિ, તેમની ભલામણો સામે કે અતિશય ગંભીર ગણાય તેવી ચૂપકીદી સેવી છે, તેથી આ તંત્રની કડક અમલવારીનો દંડો અંતે તો આમ જનતાને જ સહન કરવો પડશે.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit