સચ્ચાઈ છૂપ નહીં શકતી બનાવટ કે ઉસુલોસે: નિયમો નેતાઓને ન નડેઃ માત્ર પ્રજા જ દંડાયઃ આંકડાની અજબ જાદુગરી

અત્યારે કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, અને ઠેર-ઠેર સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સુરતમાં એક પ્લાઝમા સેન્ટરમાં એક ડોક્ટરે પ્લાઝમા ડોનેટ કરીને શુભારંભ કરાવ્યો હોવાના અહેવાલો આવ્યા. એક તરફ લોકોની જિંદગી બચાવવા કોરોના વોરિયર્સ જહેમત ઉઠાવી રહ્યાં છે, તો બીજી તરફ કેટલાક કોરેન્ટાઈન સેન્ટરોમાં તથા કેટલીક હોસ્પિટલોમાં ઘોર બેદરકારી અને અવ્યવસ્થાની રાવ પણ ઉઠી રહી છે.

સુરતમાં આરોગ્ય રાજયમંત્રી પોતે જ કોઈ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ રાખ્યા વગર અને માસ્ક પહેર્યા વગર ફોટોગ્રાફ ખેંચાવી રહ્યાં હતાં અને કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા હતાં, તેવા અહેવાલો અકળાવનારા છે, તો આરોગ્ય મંત્રી અને રાજયના નાયબ મુખ્યમંત્રી આ પ્રકારની ઘટનાઓ સાથે આંખ આડા કાન કરે, તે પણ ચોંકાવનારી ઘટના જ ગણાય.

આરોગ્ય મંત્રીના ડેપ્યુટી મિનિસ્ટર સુરતમાં નિયમોના ધજાગરા ઉડાવે, તો સૌરાષ્ટ્રના રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણીના વતનમાં તેના એક કેબિનેટ મંત્રી કેમ પાછળ રહી જાય...?

એવા અહેવાલો આવ્યા કે, જસદણમાં કોઈ જીમનું ઉદ્ઘાટન રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યુ હતું. અનલોક-૩ માં રાજય સરકારે જ ચોથી ઓગસ્ટ પછી જીમ ખોલવાની મંજૂરી આપી છે, અને અનલોક-૩ ની શરૃઆત પણ પહેલી ઓગસ્ટથી થવાની છે, ત્યારે કુંવરજીભાઈએ તેની પહેલા જ જીમનું ઉદ્ઘાટન કરીને લોકડાઉનના નિયમોને જ હાંસીપાત્ર બનાવી દીધા હતાં. આ અહેવાલોનું તથ્ય ત૫ાસીને મુખ્યમંત્રીએ કેબિનેટ મંત્રીનો કાન પકડવો જોઈએ, પરંતુ આંખ આડા કાન કરવા પડી રહ્યા છે, તેને રાજકીય મજબૂરી જ કહેવી પડે. કોઈ પણ મંત્રી નિયમભંગ કરે, તો તે પણ સરકારે નિયમભંગ કર્યો છે, તેમ જ ગણાય કારણકે આ પ્રકારના નિયમ ભંગ જે 'વ્યક્તિગત' જાહેર કરીને જે-તે હોદ્દેદાર કે મંત્રીનો સામાન્ય નાગરિકની જેમ દંડ થવો જોઈએ પરંતુ કોઈ દંડ થયો જણાતો નથી.

સરકાર જ જ્યારે ખુલ્લેઆમ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરે, અને બીજી તરફ લોકોને શિખામણો આપે ત્યારે વિચિત્ર સ્થિતિ ઊભી થાય છે. લોકોના મનમાં એવી છાપ ઉઠે છે કે જો નેતાઓને જ કાંઈ પડી નથી, તો આપણે શું?

કેટલાક સ્થળે કોઈ વિપક્ષના નાના-મોટા કાર્યક્રમમાં કોરોનાના નિયમોનો ભંગ થયો હોય, ત્યારે કાગારોળ કરનારાઓ આ પ્રકારની ઘટનાઓ પછી મંત્રીઓ કે શાસકપક્ષના નેતાઓની બાબતમાં ચૂપ થઈ જાય છે. કદાચ તેને જ નવા ભારતનું લોકતંત્ર કહેવાય છે. ખરેખર તો રાજા હોય કે રંક લોકતંત્રમાં બધાને સમાન ધોરણે ફરજો બજાવવી પડે છે, અને તો જ તેને સમાન અધિકારો મળે છે. જો કે, વર્તમાન શાસનમાં 'સમરથ કો દોષ નાહીં ગુંસાઈ' જેવો ઘાટ સર્જાયો છે અને નેતાઓને નિયમો નડતા જ નથી, તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

બીજી તરફ તંત્રો દ્વારા હવે આંકડાની જાદુગરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે તો હજુ નવી શિક્ષણનીતિ હમણાં જ જાહેર કરી છે, પરંતુ ગુજરાતમાં તો નવું અંકગણિત અત્યારે અમલમાં આવી ગયું છે, જેમાં વાસ્તવિક રીતે કોરોનાના મૃત્યુ વધતા જાય, પણ સરકારી ચોપડે તે ઘટતા જાય!

હાલાર સહિતના રાજ્યના જિલ્લા તંત્રો હવે કોરોનાના કેસો, મૃત્યુ અન્ય સંલગ્ન વિગતો જાહેર કરવામાં અખાડા કરી રહ્યું છે. તે જોતા 'ઉપરથી' કોઈ દબાણ હોય તેમ જણાય છે, પણ ત્યારે ફિલ્મી ગીતની એ પંક્તિ યાદ આવી જાય છે કે 'સચ્ચાઈ છૂપ નહીં શકતી.... બનાવટ કે ઉસુલોસે!'

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit