નવી દિલ્હી તા. ૧૩ઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું રણશીંગુ ફુંકાઈ ગયું છે, ત્યારે રવિવારે રાત્રે કલાકો સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના નિવાસ સ્થાને ચાલેલી મેરેથોન બેઠકમાં ભાજપના ૪૫ ઉમેદવારોના નામો નક્કી કરવા ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે.
દિલ્હી ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિતશાહના નિવાસસ્થાન ખાતે રવિવારે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આશરે સાત કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં ચૂંટણી પ્રચારની રણનીતિ અને ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, દિલ્હી પ્રભારી પ્રકાશ જાવડેકર ઉપરાંત શ્યામ જાજુ, મનોજ તિવારી, વિજય ગોયલ, વિજેન્દ્ર ગુપ્તા અને અનિલ જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ કોર કમિટીની બેઠકમાં ૭૦ પૈકી ૪પ ઉમેદવારોના નામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પૈકી કેટલાક નામ પર મંજૂરીની મહોર પણ લગાવવામાં આવી હતી. જ્યારે બાકી રહેલી બેઠક પર ઉમેદવારો અંગે આજે સોમવારે ચર્ચા કરવામાં આવશે.
આ ઉમેદવારોની પસંદગી કેન્દ્રીય સરવે અને લોકો પાસેથી મળેલા અભિપ્રાયોને આધારે કરવા આવેલ છે. આ વખતે ભાજપ સંખ્યાબંધ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં ઉમેદવારોના નામોને આખરીઓપ આપી દેવામાં આવ્યા પછી કેન્દ્રીય ચૂંટણી સમિતિ પાસે મોકલશે. ત્યારબાદ ત્યાં ઉમેદવારો અંગે સમિક્ષા કરવામાં આવશે. બાદમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખની છે કે, દિલ્હી ચૂંટણીની તા. ૬-જાન્યુઆરીના જાહેર કરવામાં આવી હતી. મતદાન ૮મી ફેબ્રુઆરીના યોજાશે અને મત ગણતરી તા. ૧૧મી ફેબ્રુઆરીના રોજ થશે.