Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતના કેટલાક શહેરોમાં ભૂતકાળમાં સ્વચ્છતા અભિયાનની સફળતા માટે ઘણાં પ્રયોગો થયા છે અને કેટલાક ઉત્સાહી ઉચ્ચ અધિકારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સ્વચ્છતા અભિયાનને સાર્વજનિક સંસ્કાર બનાવવાના પ્રયાસો પણ કર્યા હતાં. જામનગર સહિત રાજ્યના કેટલાક શહેરોમાં વર્તમાન ઈન્ટરનેટ યુગમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરોને સ્વચ્છ, સુઘડ, સાફસુથરા અને સુશોભિત બનાવવાના કરેલા કેટલાક પ્રયોગોને અંશતઃ સફળતા મળી તો કેટલાક પ્રયાસો પ્રારંભમાં સફળ થયા પછી થોડા મહિનાઓમાં જ 'જૈસે થે'ની સ્થિતિ થઈ ગઈ હતી.
કેટલીક મહાનગરપાલિકાઓએ વોટ્સએપ નંબર જાહેર કરીને તેમાં ક્યાંય પણ ગંદકી થઈ હોય તો તેની તસ્વીરો અથવા વીડિયો પૂરેપૂરી વિગત સાથે મોકલવા પબ્લિકને અનુરોધ કર્યો હતો અને તેના આધારે જરૂરી પગલાં લઈને આ ફરિયાદોનો નિકાલ કરવા એટલે કે ગંદકી અને કચરા-ઉકરડા હટાવીને સફાઈ કરાવવાની સૂચનાઓ પણ સંબંધિત તંત્રોને અપાઈ હતી, જેમાં ઘણાં સ્થળે સારા પરિણામો પણ આવ્યા હતાં, પરંતુ જે સ્થળે કચરા-ઉકરડા થતા હોય, પ્રદૂષિત પાણી ફેલાવાતું હોય કે નિયમિત સફાઈ થતી ન હોય, ત્યાં જ અથવા તેનાથી નજીકના કોઈ સ્થળે ફરીથી કચરા-ઉકરડા-ગંદકી થવા લાગ્યા હતાં. મ્યુનિ. કમિશનર, ડે. કમિશનર, કલેક્ટર કે ચીફ ઓફિસરની બદલી થયા પછી તંત્ર દ્વારા ફોલો-અપ નહીં કરતા આ પ્રકારની ઝુંબેશોનું ઘણાં સ્થળે બાળમરણ પણ થયું હતું.
તે પછી સ્વચ્છતા અભિયાન આગળ વધ્યું અને ભીના તથા સૂકા કચરા માટે ડસ્ટબિનોનું વિતરણ ઘણાં સ્થળે કરાયું, અને મહાનગરો-નગરોમાં જાહેર સ્થળે મોટી જુદા જુદા કલરની ડસ્ટબિનો મૂકાઈ હતી અને મોટા સર્કલો નજીક કન્ટેનરો મૂકવામાં આવ્યા હતાં, જો કે તે પછી ઘણાં સ્થળે લોકોને વિતરણ કરવાની કચરા ટોપલીઓ ધૂળ ખાઈ રહી હોવાના અહેવાલો પણ આવ્યા હતાં અને ઘણાં સ્થળે મૂકેલા કન્ટેનરો જ ભંગારમાં તબદિલ થઈ જતા કન્ટેનરો જ્યાં હતાં, ત્યાં જ ઉકરડા ઊભા થઈ ગયા હતાં અને સમસ્યા વકરી હતી.
તે પછી ગુમડુ મટાડવાના બદલે હાથ જ કાપી નાખવા જેવો નિર્ણય લઈને કન્ટેનરો હટાવી લેવાયા અને કચરાની ગાડીમાં જ કચરો નાંખવાની જવાબદારી નગરજનોની હોવાનું જાહેર કરાયું હતું.
આ નિર્ણય લેવાયા પછી ઘણાં પ્રશ્નો ઊઠ્યા હતાં, ઘણાં સ્થળેથી કન્ટેનરો તો હટી ગયા, પરંતુ તે જ સ્થળે લોકો કચરો ફેંકી જતા હોવાથી ત્યાં મોટા ઉકરડા સર્જાયા છે, તો બીજી તરફ ઘણાં સ્થળે લોકો પાર્ક કરેલા વાહનોની નીચે, માર્ગોની સાઈડોમાં આવેલી જગ્યાઓમાં કે પછી અંધારિયા, રાત્રે બંધ રહેતા સરકારી, અર્ધ-સરકારી સંકુલોની નીચે કચરો ફેંકી જતા હોવાની આશંકાઓ ઊઠવા લાગી છે, અને આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે માત્ર કચરાની ગાડીમાં કચરો નાખવા તથા જેના ઘર-દુકાનો કે વ્ય્વસાયના સ્થળો, સંસ્થાઓ નજીકથી કચરો પકડાશે, તો દંડ કરાશે, તેવી જાહેરાત કર્યા પછી પણ ધાર્યા મુજબના પરિણામો આવ્યા નથી. તેથી કન્ટેનરો તદ્ન હટાવી જ લેવાના નિર્ણયની પુનર્વિચારણા કરવી પડે અથવા તેનો કોઈ મજબૂત વિકલ્પ શોધવો પડે, કારણ કે જાહેરમાં કચરો ફેંકી જતા લોકો જો સ્વયંશિસ્ત ન શીખે અથવા તેઓની 'મજબૂરી'ને સમજીને તંત્રો દ્વારા તેનો તોડ (ઉપાય) ન કરવામાં આવે ત્યાં સુધી આ 'કડક' નિર્ણયનું ધાર્યું પરિણામ આવી શકે તેમ જણાતું નથી.
આ વખતે ગાંધી જયંતીના દિવસે કેન્દ્ર-રાજ્ય સરકારે એક કેન્દ્રકૃત (સેન્ટ્રલ) વ્હોટ્સ એપ નંબર પર જ્યાં પણ કચરો-ગંદકી-ઉકરડા થતા હોય, તેનો ફોટો-વીડિયો તથા પૂરેપૂરી વિગત અને એડ્રેસ વગેરે મોકલનારના નામ-સરનામા વગેરે સાથે મોકલે, તો તે સમસ્યાના નિવારણ માટે સંબંધિત નગરપાલિકા-મહાનગરપાલિકા તંત્રને મોકલાવાનું લોકોને સૂચવ્યું છે. આ અભિગમ આવકારદાયક છે, પરંતુ ભૂતકાળના કેટલાક પ્રયોગોને મળેલી નિષ્ફળતા પછી લોકોને આશંકા રહે છે કે આ નવો કેન્દ્રિય પ્રયોગ જે નાના પાઠે પહેલા કેટલાક સ્થળે પૂરેપૂરો સફળ થયો નથી, તે વિકાળ પાયે સફળ થશે ખરો? 'મારો કચરો, મારી જવાબદારી'નો સિદ્ધાંત જ્યાં સુધી સર્વસ્વીકૃત બને નહીં, અને દિવસમાં માત્ર એકાદ-બે વખત આવતી કચરાગાડીના સમયે કામ-ધંધો કે બહાર જતા લોકોના કચરાનું શું થાય? તે પ્રશ્નનો જવાબ ન મળે, ત્યાં સુધી આ પ્રકારની ઝુંબેશો સફળ થવાના ચાન્સીસ કેટલા? તે પ્રશ્ન અત્યારે ક્વેશ્ચન ઓફ ધી સ્ટેટ બન્યો છે, જો કે આ પ્રકારના ફોટો-વીડિયો સરકાર મારફત નગરપાલિકા-મહાનગરપાલિકાના તંત્રોને પહોંચાડાયા પછી પણ સફાઈ ન થાય, ત્યારે સરકાર કોઈ કડક કદમ ઊઠાવવા લાગે, તો કાંઈક લક્ષિત પરિણામો આવી શકે ખરા...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial