જામનગર તા. ૧ઃ જામનગરના વાઘેરવાડામાં ગઈકાલે રાત્રે જુના મનદુઃખના કારણે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. ઘવાયેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તાર પાછળ આવેલા વાઘેર વાડામાં રહેતા મહેબુબ અબ્દુલભાઈ મકવાણા ગઈકાલે રાત્રે ૧૧-૩૦ વાગ્યે પોતાના ઘર પાસે હતાં ત્યારે ત્યાં પાઈપ સાથે ધસી આવેલા હૈદર ઈબ્રાહીમ ગજીયા અને મોઈન શબ્બીર ગજીયાએ અગાઉના મનદુઃખના કારણે તેના પર હુમલો કર્યો હતો. વચ્ચે પડનાર મહેબુબભાઈના દીકરાનું આરોપીઓએ દીવાલમાં માથુ અથડાવ્યું હતું. જેની મોડીરાત્રે સિટી એ ડિવિઝનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તજવીજ કરી છે.
આ ફરિયાદની સામે હૈદર ગજીયાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે તેઓ વાઘેરવાડા સ્થિત બાલ મંદિર પાસે જતા હતાં ત્યારે જુના મનદુઃખના કારણે મહેબુબભાઈ મોહીબલી મહેબુબ, શાહનવાઝ મહેબુબ અને મહમદજાવીદ સલીમ ગજીયાએ તેઓને ગાળો ભાંડી હતી. તેને ગાળોબોલવાની હૈદરે ના પાડતા ઉપરોક્ત ચારેય શખ્સોએ ઢીકા પાટુ, સાયકલના પંપ, પાઈપ વડે હુમલો કરી માર માર્યો હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.