દિગ્વિજય પ્લોટમાંથી ઝડપાયો ક્રિકેટનો ડબ્બો

આઈડી મેળવી સટ્ટો રમતા એક સહિત અન્ય ત્રણ પણ પોલીસની ગીરફતમાંઃ

જામનગર તા. ૧૭ઃ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારના એક ફ્લેટમાંથી ક્રિકેટનો ડબ્બો ઝડપાયો છે જ્યારે દડીયામાં એક શખ્સ સ્પેશ્યલ આઈડી મેળવી સટ્ટો રમતો પકડાઈ ગયો છે અને કાલાવડમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર જુગાર રમતા ત્રણની પોલીસે ધરપકડ કરી છે.

જામનગર શહેર તથા જિલ્લામાં કેટલાક સટ્ટાખોરો આઈપીએલના દરેકે-દરેક મેચમાં સટ્ટો રમાડી કેટલાક પરિવારને બરબાદી તરફ ઘસડી રહ્યા છે ત્યારે આવા તત્ત્વોને જેર કરવા પોલીસ પણ જહેમત ઉઠાવી રહી છે. રોજેરોજ આ પ્રકારના સટ્ટા રમાડતા સ્થળો પર પોલીસ દરોડા પાડી રહી છે.

ગઈકાલે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૫૯માં આવેલા શોર્ય એપાર્ટમેન્ટમાં પેરોલ ફર્લો સ્કવોડે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તેના બીજા માળે ફ્લેટ નં. ૨૦૨માં વસવાટ કરતા નરેન્દ્ર પરસોત્તમ કાનાણી ગઈકાલની આઈપીએલની મુંબઈ તથા કોલકાતાની ક્રિકેટ ટીમ વચ્ચેના રમાઈ રહેલા ટી-૨૦ મેચનું મોબાઈલ ફોનમાં લાઈવ પ્રસારણ નિહાળી તેના પરથી અન્ય ફોનમાં ડાઉનલોડ કરાયેલી એક એપ્લીકેશના માધ્યમથી સટ્ટો રમાડતો મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી રૃા. ૧૦,૫૩૦ રોકડા, મોબાઈલ સહિત કુલ રૃા. ૨૦,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સ પાસેથી કપાત લેતા પંચાવન નંબર ઉપનામ ધરાવતા શખ્સના મોબાઈલ નંબર મળ્યા છે.

જામનગર તાલુકાના દડીયા ગામમાં આવેલી બાપા સિતારામ મઢુલી નજીક ગઈકાલે રાત્રે પોતાના મોબાઈલમાં એક શખ્સ સટ્ટો રમતો હોવાની બાતમી પંચકોશી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી રાજેશ વલ્લભભાઈ લખીયર ઉર્ફે અલી ભાનુશાળી નામનો શખ્સ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ પોતાના મોબાઈલમાં એક આઈડી ડાઉનલોડ કરી તેનાથી સટ્ટો રમતો હતો. પોલીસે મોબાઈલ તથા રોકડ, મોબાઈલ મળી રૃા. ૬૦૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે. આ આઈડી તેણે ભજ્જીભાઈ નામના શખ્સ પાસેથી લીધી હોવાનું કબુલ્યુ છે. પોલીસે ભજ્જીની શોધ આરંભી છે.

કાલાવડ શહેરના મુખ્ય બજાર પાસેની ચક્કીવાળી શેરીમાં ગઈકાલે રાત્રે સ્થાનિક પોલીસે બાતમી આધારે દરોડો પાડતા ત્યાંથી એઝાઝ ઓસમાણ સમા ઉર્ફે બ્રેટ લી, ઈમરાન સુલેમાન બાનાણી ઉર્ફે મોટો તથા હારૃન જુસબ કચ્છી નામના ત્રણ શખ્સ પોતાના મોબાઈલમાં એક એપ્લીકેશનમાં ગઈકાલની આઈપીએલની મેચનો સ્કોર નિહાળી તેના પર રનફેર, વિકેટ સહિતનો સટ્ટો રમતા મળી આવ્યા હતાં. પોલીસે એક મોબાઈલ તથા ૧૩૫૦ રોકડા કબજે લીધા અને જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit