| | |

ભાજપ સામે બળવો કરવાની તૈયારી? પંકજા મુંડેનો ધડાકોઃ ૧ર ડિસેમ્બરે એલાન

મુંબઈ તા. રઃ પૂર્વ મંત્રી પંકજા મુંડેએ બદલાયેલા સમયનો ઉલ્લેખ કરીને મરાઠી ભાષામાં એક પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે, તે ૧ર મી ડિસેમ્બરે કોઈ મોટી જાહેરાત કરશે. એ પછી સંજય રાઉતે પંકજ મુંડે શિવસેનાના સંપર્કમાં હોવાનો દાવો કરતા રાજકારણ ગરમાયું છે.

મહારાષ્ટ્રની ભાજપ નેતા અને પૂર્વ મંત્રી પંકજા મુંડેએ ટ્વિટર પર પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. પંકજાએ ટ્વિટર પર તેમની ઓળખમાંથી બીજેપી શબ્દ હટાવી દીધો છે. આ પહેલા તેમણે રવિવારે ફેસબુક પર પોસ્ટ લખી હતી કે, હવે વિચારવા અને નિર્ણય કરવાની જરૃર છે કે, આગળ શું કરવામાં આવે? પંકજાએ ૧ર ડિસેમ્બરે સમર્થકોને ગોપીનાથના ગઢ માનવામાં આવતા બીડ પહોંચવાની અપીલ કરી છે. ૧ર ડિસેમ્બરે પંકજાના પિતા સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેનો જન્મદિવસ છે. પંકજા પરલી વિધાનસભા સીટથી તેમના પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે ચૂંટણી હાર્યા છે. આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ખુલાસો કર્યો છે કે, પંકજા મુંડે શિવસેનાના સંપર્કમાં છે, તેથી રાજકારણ ગરમાયું છે.

ફેસબુક પર મરાઠીમાં લખેલી પોસ્ટમાં પંકજાએ કહ્યું છે કે, હાલમાં થઈ રહેલા રાજકીય ફેરફારોમાં ભવિષ્ય વિશે વિચારવાનો અને નિર્ણય કરવાનો સમય આવી ગયો છે. પોતાની જાત સાથે વાત કરવા માટે મને ૮-૧૦ દિવસ જોઈશે. હવે શું કરવું? ક્યો માર્ગ પસંદ કરવો? અમે લોકોને શું આપી શકીએ છીએ? અમારી તાકાત શું છે? લોકોની અપેક્ષાઓ શું છે? આ દરેક મુદ્દે હું વિચાર કરીશ અને તમારી સામે ૧ર ડિસેમ્બરે રજૂ કરીશ. સૂત્રોના જણાવ્યા મુજબ પંકજા મુંડે ફડણવીસથી નારાજ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit