Advertisement
Author: નોબત સમાચાર

પહેલાં ગુજરાતમાં મીઠું જ પાકતુ હવે સેમિકન્ડકટર અને પ્લેનપાર્ટસ બને છે : મોદી

જામનગરમાં વડાપ્રધાનનું અભિવાદન કરવા વિશાળ જનમેદની ઉમટીઃ ભાતીગળઃ સાંસ્કૃતિક કાર્યક્રમોઃ સંબોધનના પ્રારંભે વડાપ્રધાને પૂછયુ, ચૂંટણીનો થાક નથી લાગ્યોને ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. હજારોની જનમેદનીએ વડાપ્રધાનને ઉત્સાહભેર આવકાર્યા હતા. તે પછી વડાપ્રધાને જામનગરના લાલ બંગલો સર્કલથી વિશાળ જનસભાને સંબોધી હતી, અને ગુજરાતે છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્રગતિની હરણફાળ ભરી છે, તેમ જણાવીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ ગુજરાતની જનતાનો આભાર માની કાર્યકરોને બીરદાવ્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા હતા, જ્યાં લાલ બંગલા સર્કલ પાસે તેમના સન્માનમાં ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધનસુખભાઈ ભંડેરી, બીનાબેન કોઠારી અન્ય પદાધિકારીઓ તથા અન્ય આગેવાનો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરની જનતાને સંબોધતા સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મળેલી જીતનો આનંદ માત્ર ત્યાં પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનો હરખ ગુજરાતીઓએ પણ અનુભવ્યો છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે અને બંગાળની પ્રજાએ કમાલ કરી દીધી છે.

વડાપ્રધાને ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પણ ઉલ્લેખ કરતાં હળવી ટિપ્પણી સાથે પૂછ્યું હતું કે, ચૂંટણીનો થાક તો લાગ્યો નથી ને? ત્યારબાદ તેમણે ગુજરાતની જનતાને અભિનંદન પાઠવતા કહૃાું હતું કે ગુજરાતીઓએ ફરી એક વખત લોકશાહીમાં પોતાનો વિશ્વાસ મજબૂત રીતે વ્યક્ત કર્યો છે.

સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે ગુજરાત માત્ર મીઠું પકાવતું રાજ્ય કહેવાતું હતું, પરંતુ આજે ગુજરાત સેમિકન્ડક્ટર, વિમાનના પાર્ટ્સ અને આધુનિક ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહૃાું છે. તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોની ક્ષમતાને દેશ માટે ગૌરવની બાબત ગણાવી હતી.

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની ઐતિહાસિક વાતને પણ યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પંચોત્તર વર્ષ પહેલાં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું હતું અને હવે આ ઐતિહાસિક પ્રસંગને પંચોત્તર વર્ષ પૂર્ણ થવા જઈ રહૃાા છે. આ અવસરે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી.

જનસભા સ્થળે પ.બંગાળ અને પંજાબ સહિત અન્ય રાજ્યોના, જામનગરના વિવિધ સમાજના આગેવાનો, શહેરી શ્રેષ્ઠીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલો સહિતના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી વડાપ્રધાન પ્રત્યેનો ઉત્સાહ વ્યકત કર્યો હતો. અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉત્તમ દૃષ્ટાંત રજૂ કર્યું હતું. અનેક લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે દેશભકિતનો જુસ્સો પ્રગટાવ્યો હતો. પરંપરાગત વેશભુષા, નારાઓ, અને દેશભકિતના ગીતોથી માહોલ દેશભકિતથી તરબતર થઈ ગયો હતો.

જામનગર ખાતેના કાર્યક્રમમાં રાજ્યના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ દ્વારા ભવ્ય લોકડાયરો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રજૂ થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સૌરાષ્ટ્રની રાસ મંડળીઓ દ્વારા મણિયારો રાસ, સિદી ધમાલ, હુડો રાસ નિહાળી જામનગરવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ બંગાળી પહેરવેશ ધારણ કર્યો હતો. રાજ્યમંત્રી રીવાબાએ વડાપ્રધાનને ચાંદીની પ્રતીકાત્મક કટાર અને સંસદસભ્ય પૂનમબેન માડમે શ્રીજીની તસ્વીરની ભેટ આપી હતી.

કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરના પ્રભારી ધનસુભાઈ ભંડેરી, અગ્રણી બીનાબેન કોઠારી, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, ભાવેશ ઠુમ્મર, પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

ગઈકાલે જામનગરના લાલ બંગલા સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે વડાપ્રધાનને કાફલો ચુસ્ત પોલીસ અને એસપીજી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જામનગર એરફોર્સ સ્ટેશન તરફ પ્રસ્થાન થયો હતો, અને તેઓ સોમનાથ જવા રવાના થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh