જામનગરમાં રાજ્ય કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન

જામનગર તા. ૧૦ઃ શિક્ષકદિન નિમિત્તે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જામનગરના સંયુક્ત ઉપક્રમે જામનગરના જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારંભ જામનગર એમ.પી.શાહ ટાઉનહોલમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી.ફળદુના હસ્તે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ ઓઢાડી, પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જે બાળકોએ પોતાના અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવેલા છે તેવા તેજસ્વી બાળકોને પ્રમાણપત્ર અને ચંદ્રક અર્પીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ ભારતીય ગુરૃ-શિષ્ય પરંપરાને યાદ કરી હતી શિક્ષકને એક સજીવ મૂર્તિનો ઘડવૈયો-મૂર્તિકાર કહી બિરદાવ્યા હતા. શિક્ષક બાળકોને માત્ર પુસ્તક નહીં પરંતુ જીવનના પણ જ્ઞાનપાઠ શિખવે, જીવનના પડકારો ઝીલવાની ક્ષમતા તેનામાં ઉદ્દભવે તે પ્રકારે જીવનનું જ્ઞાન પણ શિક્ષકો બાળકોને આપી તેમને મજબૂત કરે તેવી અપેક્ષા પણ તેમણે દર્શાવી હતી.

જામનગરના સાંસદ પૂનમબેન માડમે શિક્ષણને રાષ્ટ્રનિર્માણના આધાર સ્તંભ સમાન જણાવી શિક્ષકોને બાળક માત્ર પુસ્તકના જ્ઞાન નહીં પણ વ્યવહારૃ અને તેના જીવનનું ઘડતર કરવાની સાથે જ તેનામાં આત્મવિશ્વાસનું સિંચન કરનાર જણાવ્યા હતા. વિદ્યાદાતાઓનું રાષ્ટ્રનિર્માણમાં જે પ્રદાન છે તેને યાદ કરીને તેમણે ઉપસ્થિત ગુરૃજનોને વંદન કરી શિક્ષકોને બાળકોના વ્યક્તિત્વ ઘડતરની જવાબદારીનો નિર્દેશ કર્યો હતો.

શિક્ષક દિનને સંસ્કાર સિંચન કરનાર, જ્ઞાન પીરસનાર અને જીવન ઘડતર કરનાર શિક્ષક શ્રેષ્ઠીઓના સન્માનના પર્વ તરીકે નવાજતા કૃષિમંત્રી આર.સી.ફળદુએ પ્રાસંગિક પ્રવચનમાં નવી પેઢીના નિર્માણ અને વિશ્વ જે ભાષામાં સમજી શકે છે તે પ્રકારે તેની સાથે વાત કરતી વિચક્ષણ, ચતુર અને સામર્થ્યવાન પેઢીનું નિર્માણ શિક્ષકો જ કરી શકે છે. કેળવણી યુક્ત, ભેદભાવ વિનાના અને મલિનતા વિનાના સમાજનું નિર્માણ માત્ર શિક્ષક કરી શકે છે તેમ જણાવ્યું હતું. શિક્ષકો અડગ મન, દૃઢ નિશ્ચય અને સતત ધ્યેય પ્રાપ્તિને લક્ષમાં રાખી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપતા રહે તેવી અભ્યર્થના તેમણે દર્શાવી હતી.

કાર્યક્રમમાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ,ગ્રીમકો નિગમના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મોહનભાઈ પરમાર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઈ ગોરી, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, નગર પ્રા.શિ.સમિતિના સભ્ય હર્ષાબા જાડેજા, વિવિધ શિક્ષણ સંઘના અધિકારીઓ તેમજ સમિતિઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા, કેળવણી નિરીક્ષક બીનાબેન દવે અને બહોળી સંખ્યામાં અન્ય શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

close
Ank Bandh
close
PPE Kit