નાનીખાવડી પાસે રિક્ષા-બાઈક ટકરાયાઃ બાઈકચાલકનું મૃત્યુ

જામનગર તા. ૧૩ઃ જામનગર તાલુકાના નાનીખાવડી ગામ પાસે આજે સવારે બાઈક તથા રિક્ષા વચ્ચે અકસ્માત થતા અજાણ્યા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે જ્યારે રિક્ષામાં મુસાફરી કરતા જામનગરના બે વ્યક્તિ ઘવાયા છે. ૧૦૮માં તેઓને જામનગર ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા સિક્કા પાટીયાથી ત્રણેક કિમી દૂર આવેલા નાની ખાવડી ગામ પાસે આજે સવારે અગિયારેક વાગ્યે જીજે-૧૦-ટીડબલ્યુ-૭૧૭૪ નંબરની ઓટો રિક્ષા અને સામેથી આવતા સિલ્વર રંગના હીરો મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક પરથી ફંગોળાઈ ગયેલા તેના ચાલકનું માથામાં ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રિક્ષામાં મુસાફરી કરી રહેલા જામનગરની પટેલ કોલોનીની શેરી નં. ૯માં રહેતા ભરતભાઈ રાયચંદભાઈ લોડાયા તથા રસીલાબેન તીલકચંદ નાગડા નામના બે વ્યક્તિને ઈજા થઈ હતી.

અકસ્માતની જાણ થતા ૧૦૮ બનાવના સ્થળે ધસી ગઈ હતી. તેના સ્ટાફે બાઈક ચાલકને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં. દોડી આવેલી સિક્કા પોલીસે અજાણ્યા બાઈકચાલકના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે જ્યારે બાકીના બે ઈજાગ્રસ્તને સારવાર માટે ૧૦૮માં જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit