'પતંગ કી ડોર પે નિયમો કી ઝંજીર, ઊડાન તો હોગી લેકિન ધીરે ધીરે ધીરે'
આવતીકાલે ઉત્તરાયણ છે. છેલ્લા એક દાયકાથી ઉત્તરાયણ પર પતંગબાજીની પરંપરા અમદાવાદની માફક જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પ્રચલિત બની છે. જામનગરમાં પણ દર વર્ષે ઉત્તરાયણ પર લોકો સ્વજનો અને મિત્રો સાથે ધાબા પર જઈ સવારથી સાંજ સુધી પતંગબાજીનો લ્હાવો લૂંટતા હોય છે. ડીજેના તાલે પતંગબાજી સાથે ઉમંગો પણ આભને આંબી જતા હોય છે. આ વર્ષે કોરોનાને કારણે પતંગના દોર પર નિયમોની સાંકળ નાંખવામાં આવી છે, જેને કારણે 'ઊડાન'ને માફક આવે તેવું વાતાવરણ સર્જાયું નથી નગરમાં.
પતંગના હોલસેલર વેપારી મુન્નાભાઈ નાગોરીના જણાવ્યાનુસાર પતંગ, દોર, બ્યુગલ, કેપ વગેરે આઈટમોની સપ્લાય માત્ર ૪૦ ટકા જેટલી જ છે. જેની સામે પતંગના રીટેઈલરોની સંખ્યા વધી ગઈ છે. પરિણામે પતંગની હોલસેલ બજારમાં તેજી છે, પરંતુ રીટેઈલરો પાસે માત્ર ૧૦ ટકા જેવો વેપાર થયો છે. ઉત્તરાયણના આગલા દિવસે એટલે કે આજે પતંગબજાર ચગવાની એટલે કે લોકો દ્વારા પતંગની પુષ્કળ ખરીદી થવાની પતંગના વેપારીઓને આશા છે.
પતંગની વેરાયટીઓની વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીને ચમકાવતા પતંગ ઉપરાંત છોટા ભીમ, બાર્બી તથા નવરંગ તથા ફેસબુક, વોટ્સએપ-ટ્વિટર જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મને દર્શાવતા પતંગ લોકપ્રિય થયા છે. દોરમાં પણ પસંદ અનુસાર વિવિધ કિંમતના દોર ઉપલબ્ધ છે. વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં તમામ સાવધાની તથા નિયમોના પાલન અને પક્ષીઓ ઘાયો ન થાય એ તકેદારી સાથે પતંગબાજી કરવા 'નોબત' હાલારવાસીઓને અનુરોધ કરે છે. 'જાન હૈ તો જ્હાન હૈ' આ કહેવત યાદ છે ને? આ વર્ષે ઉત્સવોની સંયમિત ઉજવણી કરી સુરક્ષિત રહેશું તો આવતા વર્ષે બધા જ ઉત્સવ બમણી ધૂમધામથી ઉજવી શકશું. (તસ્વીરઃ નિર્મલ કારિયા)