Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં 'નેત્રમ' નેટવર્ક હેઠળ મહાનગરમાં ઠેર-ઠેર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેનો કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કેટલાક જનહિત માટે બહુહેતુક ઉપયોગ થઈ શકે છે. આ સીસીટીવી કેમેરાનું નેટવર્ક ટ્રાફિક વ્યવસ્થા તથા દુર્ઘટના-નિયમભંગ અંગે ઝડપથી માહિતી અને સચોટ હકીકત મેળવવામાં ઉપયોગી બને છે. આ નેટવર્ક મહાનગરની વધતી જતી વસતિ તથા ચોતરફ વિસ્તરી રહેલા રહેણાંક વિસ્તારોને ધ્યાને લઈને ઘણું જ વિસ્તૃત કરવાની જરૂર જણાય છે.
ઘણાં સ્થળે ખાનગી પેઢીઓ, કારખાના, વ્યવસાયિક સ્થળો, શોપીંગ મોલ, અખબારોના કાર્યાલયો, ખાનગી ઓફિસો તથા ઘણાં બધા જાગૃત લોકો દ્વારા પોતાના રહેણાંકની આજુબાજુ પણ સીસીટીવી કેમેરા લગાવ્યા છે, જેથી ઘણી વખત પોલીસતંત્રને આ ખાનગી સીસીટીવી કેમેરા દ્વારા થયેલા રેકોર્ડીંગમાંથી પણ મહત્ત્વપૂર્ણ કલૂ કે હિન્ટ મળી જતી હોય છે. ઘણી વખત તો ગુનાખોરોની ઓળખ પણ સીસીટીવી કેમેરાઓના કારણે ઝડપથી થઈ જતા તેઓને દબોચી લેવામાં સરળતા થતી હોય છે, અને ઝડપ પણ થતી હોય છે.
જો કે, પ્રાઈવેટ સીસીટીવી કેમેરા લગાવતી વખતે કોઈની પ્રાઈવસીનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંગ થતો હોય, તેવી રીતે લગાવાય ન જાય, તે માટે તકેદારી રાખવી પડતી હોય છે, અને મોટાભાગે ખાનગી રેસિડેન્સિયલ એરિયામાં વ્યક્તિગત કે સંસ્થાગત સીસીટીવી કેમેરા લગાવતી વખતે તે અંગેની તકેદારી રખાતી જ હોય છે. જો કે, ખાનગી સીસીટીવી કેમેરા પોતાની માલિકીના સંકુલો કે રહેણાંકોમાં લગાવવા અંગેના નિયમ-કાયદાનું વિસ્તૃતિકરણ થયું છે કે નહીં, અથવા તે અંગેના સ્પષ્ટ નિયમ-કાયદા અમલમાં છે કે નહીં, તે અલગ વિષય છે, પરંતુ મોટાભાગે આ પ્રકારનું નેટવર્ક કોઈની પ્રાઈવસીનો ભંગ ન થાય, તેવી જ રીતે ગોઠવાતું હોવાથી કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ સિવાય હજુ સુધી બહુ સમસ્યાઓ ઊભી થઈ રહી નથી. જો કે, હવે અદ્યતન ટેકનોલોજીનો વ્યાપ વધ્યા પછી આ દિશામાં પણ આગેકૂચ થશે જ, તે નક્કી છે.
જામનગરની ચારેય તરફ સોસાયટી વિસ્તારો વિકસી રહ્યા છે. તાજેતરમાં જ રીંગરોડ પરના કેદારપાર્કમાંથી એક મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ દિવસના સમયે થઈ હતી, તે પછી એક તરફ તો પોલીસ તંત્ર દ્વારા શતર્કતા વધારાઈ, તો બીજી તરફ આ રીંગ રોડ પર છેલ્લા દસેક વર્ષથી વિસ્તરેલી અનેક સોસાયટીઓ તથા ટાઉનશીપોના રહીશો પણ વધુ સતર્ક થઈ ગયા છે. કેદારપાર્કની પહેલાથી બનેલા તથા તાજેતરમાં નિર્માણ થયેલા રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ તથા ટાઉનશીપો જ નહીં. પરંતુ મહાનગરની ચોતરફના સોસાયટી વિસ્તારોના લોકો આ પ્રકારની ગુનાખોરી વધુ વકરે નહીં તે માટે ચિંતિત થયા છે.
હકીકતે કેદારપાર્ક, રવિપાર્ક ટાઉનશીપ, નિલકંઠ, તિરૂપતિથી લઈને રાજપાર્ક, ન્યુ જામનગર સહિતના નગરની ચારેય તરફ છેલ્લા એકાદ દાયકાથી વિસ્તરેલા સોસાયટી વિસ્તારોમાં હવે પૂરેપૂરા ટેનામેન્ટ બન્યા છે, ઘણાં નવા એપાર્ટમેન્ટો બન્યા છે, અને યાદવનગર જેવા વિસ્તારોમાં પણ નવા રહેણાંક મકાનો બન્યા છે, જેથી વસતિ પણ વધી છે અને તંત્રો માટે પડકારો પણ વધ્યા છે. આ સ્થિતિમાં દિવસ અને રાતના પેટ્રોલીંગમાં વધારો, ખબરીઓના નેટવર્કનું વિસ્તૃતિકરણ, અદ્યતન ટેકનોલોજીનો સમયબદ્ધ અને ભરપૂર ઉપયોગ અને ખાસ કરીને લોકોની સ્વજાગૃતિમાં વધારો થવો પણ અત્યંત જરૂરી છે.
સોસાયટી વિસ્તારો તથા ટાઉનશીપોમાં સોસાયટીની આંતરિક વ્યવસ્થાઓ માટે સમિતિઓ, ટ્રસ્ટો કે કારોબારી સહિત હોદ્દેદારોની નિમણૂકો થતી હોય છે. સોસાયટી બન્યા પછી તેના દ્વારા પણ આંતરિક સુરક્ષા માટે ઘણાં સ્થળે સીસીટીવી કેમેરા લગાવાઈ રહ્યા છે અને તેનું રેકોર્ડીંગ પણ નિયત સમયગાળા માટે સાચવી રાખવાના ઉપાયો થઈ રહ્યા છે, જેમાં વધુ જાગૃતિ, વધુ ઝડપ અને ખાસ કરીને સંપૂર્ણ સોસાયટીના મુખ્ય માર્ગો તથા ગલીઓ ઉપરાંત મંદિરો, સાર્વજનિક પ્લોટ, પાર્કિંગ પ્લોટ, સેલર, મેઈન ગેઈટથી પાછળનો ગેઈટ હોય તો ત્યાં સુધી તથા ચોતરફના વિસ્તારોને આવરી લેવા જરૂરી છે, અને મેઈન ગેઈટની બહારના જાહેર માર્ગોને પણ શક્ય તેટલા આવરી લેવા જરૂરી છે, અને મેઈન ગેઈટની બહારના જાહેર માર્ગોને પણ શકય તેટલા દૂર સુધીનું રેકોર્ડિંગ થઈ જાય, તેવી રીતે આવરી લેવા જોઈએ, આ માટે 'નેત્રમ'ના માર્ગદર્શન હેઠળ જનસહયોગ તથા સંકલનથી પરિણામલક્ષી નેટવર્ક ગોઠવાઈ શકે છે. આ માટે થતા ખર્ચનું ફંડીંગ પણ સોસાયટીઓ તરફથી થતું રહે તે જરૂરી છે, કારણ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે, અને તેને લગાવ્યા પછી સતત મોનિટરીંગ મરામત તથા સુધારા-વધારા કરવાની જરૂર રહેતી હોય છે. જેથી તંત્રની 'તિસરી આંખ'ની જેમ જ સોસાયટીઓની પણ 'તિસરી આંખ' ખૂબ જ શક્તિશાળી બને તે જરૂરી છે.
સીસીટીવી ગોઠવતી વખતે પણ થોડું ધ્યાન આપવું પડે અને નજીકના ભવિષ્યનો વિચાર કરીને વ્યૂહાત્મક સ્થળો નક્કી કરવા જોઈએ. જ્યાં વૃક્ષો ઉછરી રહ્યા હોય, પ્લાન્ટેશન થઈ રહ્યું હોય, ટૂંક સમયમાં બાંધકામ થવાનું હોય કે વિકાસના નવા આયોજનો હોય, તેને લક્ષ્યમાં લઈને સીસીટીવી કેમેરા ફીટ કરવા જોઈએ, જેથી તે ઢંકાઈ ન જાય અને લાંબા સમય સુધી ઉપયોગી બનતા રહે.
સીસીટીવીની સાથે જ તેજસ્વી સ્ટ્રીટ લાઈટો પણ લગાવવી જ પડે અને ખાનગી સ્થળો કે રહેણાંકો પર સીસીટીવી લગાવ્યા હોય, ત્યાં પણ રાત્રિના સમયે પૂરતો પ્રકાશ રહેવો જરૂરી છે. ઘણાં લોકો પોતાના ઘર-દુકાન કે વ્યવસાયના સ્થળે રાતભર જોરદાર પ્રકાશ આપતી સોલાર લાઈટ ફીટ કરતા હોય છે. જામનગર મહાનગરપાલિકાએ પણ વિસ્તરેલા વિસ્તારોમાં ટમટમિયાની જગ્યાએ પૂરતો પ્રકાશ ફેંકતી સ્ટ્રીટ લાઈટો ફીટ કરવી પડે તેમ છેે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial