ખંભાળીયામાં કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

ખંભાળીયા તા. ર૬ઃ ખંભાળીયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું, જેમાં કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ રાષ્ટ્રધ્વજ લેહરાવ્યો હતો.

ખંભાળીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આજે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કક્ષાના ૭રમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ દેશની આન-બાન અને શાન સમા રાષ્ટ્રધ્વજને સલામી આપી માર્ચ પાસ્ટ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું. કલેક્ટર મીનાએ પ્રાસંગિક ઉદ્બોધન આપી રસીકરણની સંપૂર્ણ કામગીરી પૂરી ના થાય ત્યાં સુધી કોરોના સામે તમામ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સારી કામગીરી બજાવવા બદલ જનરલ હોસ્પિટલ ખંભાળીયા અને સાંકેત હોસ્પિટલ ખંભાળીયાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ કોવિડ-૧૯ અંતર્ગત સારી કામગીરી બજાવેલ આરોગ્ય કર્મચારીઓને, ૧૦૮ કર્મચારીઓ તથા પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ અધિકારીઓ - કર્મચારીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતાં. આ ઉપરાંત કોવિડ-૧૯ મહામારીમાં યોગદાન આપેલ સંસ્થા/વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતાં.

વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, નિવાસી અધિક કલેક્ટર કે.એમ. જાની, ખંભાળીયા નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

close
Ank Bandh 26 January
close
PPE Kit