ગુજસીટોક હેઠળ ઝડપાયેલા તમામ આઠ આરોપીના રિમાન્ડની માંગણી

પૂર્વ પોલીસમેન, બે બિલ્ડર, સહિતના આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ શરૃઃ રહેણાંકની લેવાઈ તલાશીઃ

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં ગઈકાલે ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલા ગુન્હાની વધુ વિગત આપતા રેન્જ આઈ.જી. એસ.પી.એ જણાવ્યું છે કે, કુલ ૧૪ સામે આ કાયદા હેઠળ ગુન્હો નોંધી આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. નવમો જેલમાં છે, દસમો મુખ્ય આરોપી જયેશ પટેલ ફરાર છે. જ્યારે બાકીના ચારના નામ તપાસને કસર ન થાય તે માટે હાલમાં ગુપ્ત રાખવામાં આવ્યાં છે. જયેશ પટેલને સીધી કે આડકતરી રીતે મદદ કરતા હાલના આઠેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવાની તજવીજ કરાઈ છે.

જામનગર શહેરમાં વધેલા ભૂમાફીયા જયેશ ૫ટેલની ગેન્ગના આતંકને નાથવા જિલ્લા પોલીસવડાના પદે અમદાવાદથી આઈપીએસ દીપન ભદ્રનની નિમણૂક થયા પછી તેઓએ શરૃ કરેલી ઓપરેશન કામગીરીમાં ગઈકાલે જામનગરના કુલ ચૌદ શખ્સો સામે નવા કાયદા-ગુજસીટોક હેઠળ ગુન્હા નોંધતા પોલીસવડાની કામગીરી પ્રશંસાપાત્ર બની છે.

 આ નવા કાયદા હેઠળ જામનગરમાં સૌપ્રથમ વખત ગુન્હો નોંધાયો છે.સીન્ડીકેટ બનાવી ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કરતા આ તત્ત્વોને નાથવા માટે ગુજરાત કન્ટ્રોલ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (ગુજસીટોક) અમલમાં લાવ્યા પછી ગઈકાલે જયેશ પટેલની ગેન્ગના મનાતા ચૌદ શખ્સો સામે તે કાયદાનું શસ્ત્ર ઉગામાયું છે. ઉપરોક્ત બાબતની ગઈકાલે સાંજે રાજકોટ રેન્જ આઈજી સંદીપસીંઘની ઉપસ્થિતિમાં પત્રકારો સમક્ષ જામનગર જિલ્લા પોલીસવડા દીપન ભદ્રને વિગત આપતા જણાવ્યું છે કે જામનગરના નગરસેવક અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી, નિવૃત્ત પોલીસકર્મી વશરામભાઈ ગોવિંદભાઈ આહિર, બિલ્ડર નિલેશ મનસુખભાઈ ટોલીયા, બિલ્ડર મુકેશ વલ્લભભાઈ અભંગી, એક અખબાર સાથે સંકળાયેલા પ્રવિણ પરસોત્તમ ચોવટીયા, પંડિત નહેરૃ માર્ગ પર આવેલી સાધના ફોરેક્સ નામની પેઢીમાં કામ કરતા જીમ્મી ઉર્ફે જીગર પ્રવિણચંદ્ર આડતીયા, રણજીતસાગર રોડ પર જડેશ્વર પાર્ક-૨માં રહેતા અનિલ મનજીભાઈ પરમાર અને કાંચનજંઘા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રફુલ જયંતિભાઈ પોપટ નામના આઠ શખ્સની આ કાયદા હેઠળ ગુન્હો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

ઉપરોક્ત કાયદા હેઠળ કુલ ચૌદ સામે ગુન્હો નોંધાયાનું આઈજી સંદીપસીંઘે ઉમેર્યું છે. તેઓના જણાવ્યા મુજબ ચૌદમાંથી આઠની ધરપકડ થઈ છે, નવમો આરોપી જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા હાલમાં જેલમાં છે તેનો કબજો લેવામાં આવશે અને દસમો આરોપી જયેશ પટેલ ફરાર છે. તેની શોધખોળ ચાલી રહી છે જ્યારે બાકીના ચાર આરોપીઓના નામ તપાસને અસર ન થાય તે મોટે હાલ પુરતા ગુપ્ત રાખવામાં આવ્યા છે. રેન્જ આઈજીના જણાવ્યા પ્રમાણે જામનગરમાં ભૂમાફીયા જયેશ પટેલના વધતા આતંકના અજગરી ભરડામાંથી નગરજનોને મુક્તિ અપાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાસ સૂચના આપી આ ગેન્ગ પર તૂટી પડવાનો હુકમ કર્યો છે ત્યારે પોલીસ કોઈપણ ચમરબંધીને છોડશે નહીં. જયેશ પટેલના અન્ય કેટલાક સાગરીતો પર પોલીસની નજર મંડાયેલી છે. જયેશ તથા તેની ટોળકીની કાર્યપધ્ધતિ પર રેન્જ આઈજીએ પ્રકાશ ફેંકતા જણાવ્યું છે કે આ ટોળકી પહેલાં તો કોઈપણ જમીનના મૂળ માલિક સાથે બેઠક કરી ભાવની રકઝક કર્યા પછી અવેજની રકમ આપી કરાર કરાવે છે તે પછી તે જમીન પડાવી લેવા માટે જુદા જુદા કારસા કરે છે અને ફાયરીંગ સુધીના બનાવને અંજામ આપે છે. તે તમામ વિગતો પોલીસ વારાફરથી હસ્તગત કરી રહી છે અને જયેશ પટેલ સુધી પહોંચવા મક્કમ પગલાં ભરી રહી છે.

રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાના માર્ગદર્શન અને રેન્જ આઈ.જી. સંદીપ સિંઘની સૂચના તેમજ એસ.પી. દીપન ભદ્રનના વડપણ હેઠળ હાલમાં આ કેસની તપાસ એ.એસ.પી. નીતેશ પાંડે ચલાવી રહ્યા છે.

જયેશ પટેલની ગેંગના શખ્સો એક બીજાના સંકલનમાં રહી ગુન્હાને અંજામ આપતા હોવાનું એસપી. ભદ્રને જણાવી ઉમેર્યું છે કે, આ શખ્સો મોકાની જમીનોના માલિકોની તમામ વિગતો એકઠી કરી રિલીઝ કરતા હતાં. વિવાદવાળી જગ્યાના સોદાની પતાવટ માટે એક બીજાને મદદગારી કરી આશ્રય આપતા હતાં, તે પછી જમીન માલિકોને ધમકી આપી દબડાવવાની કામગીરી શરૃ થતી હતી અને જરૃર પડ્યે ફાયરિંગ પણ કરાવતા હતાં. આ તમામ આરોપીઓ સામેના પૂરતાં પૂરાવાઓ એકઠાં કરી પોલીસ તેમની સામે ચાર્જશીટ કરશે. આરોપીઓને આજે વીસ દિવસના રિમાન્ડની માંગણી સાથે ગુજસીટોક કાયદાની નિયુક્ત કરાયેલી ડેઝિગ્નેટેડ કોર્ટ કે જે, રાજકોટમાં છે ત્યાં રજૂ કરવાની કાર્યવાહી એ.એસ.પી. પાંડેના વડપણ હેઠળ શરૃ થઈ છે. તમામ આરોપીઓને રાજકોટ લઈ જવામાં આવ્યાં છે.

એએસપીના વડપણ હેઠળ ગોઠવાયો ચુસ્ત બંદોબસ્તઃ

આરોપીઓને વીસ દિવસની રિમાન્ડની માંગણી સાથે કરાયા અદાલતમાં રજુ

જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ ૫ટેલની ગેન્ગના ચૌદ સામે ગઈકાલે એસપી દીપન ભદ્રનની સૂચનાથી ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયો છે. પૂર્વ પોલીસ કર્મચારી, બે બિ૯ડર, અખબારનવીસ સહિતના આઠની ગઈકાલે પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. તે પછી આઠેય આરોપીના રહેણાક તથા ઓફિસના સ્થાને આજે વહેલી સવારે પોલીસે સર્ચ કર્યું હતું. ત્યાંથી કેટલાક કાગળો વિગેરે કબજે કરાયાનું કહેવાય રહ્યું છે.

ત્યારપછી તમામ આરોપીઓને ૨૦ દિવસના રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવાની તપાસનીસ એએસપી નિતેશ પાંડેએ તજવીજ શરૃ કરી હતી. ગુજસીટોક કાયદાની ડેઝીગ્નેટેડ કોર્ટ રાજકોટમાં આવેલી હોય આરોપીઓને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાજકોટ લઈ જવાની તજવીજ કરવામાં આવી હતી જ્યાં આજે બપોરે તમામ આરોપીને રજુ કરવામાં આવ્યા છે. સાંજ સુધીમાં અદાલત આરોપીઓના રિમાન્ડ અંગે નિર્ણય કરશે.

close
Ank Bandh
close
PPE Kit