Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટ-ઓખા રેલખંડમાં આધુનિક આઈ.પી. આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું

રાજકોટ રેલવે ડિવિઝનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઃ

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૪: રાજકોટ રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન કરાયું છે. રાજકોટ-ઓખા રેલખંડના ૩૦ સ્ટેશનમાં નવી સંચાર પ્રણાલી સ્થાપિત થતા સિગ્નલ અને દૂરસંચાર વિભાગની આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ ગણી શકાય.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સંચાર વ્યવસ્થાના આધુનિકીકરણની દિશામાં એક મહાત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તારીખ ૩ નવેમ્બર, ૨૦૨૬ ના રાજકોટ-ઓખા રેલખંડમાં અગાઉ કાર્યરત સીસીઈઓ આધારિત ટ્રેન કંટ્રોલ કોમ્યુનિકેશન સિસ્ટમને સફળતાપૂર્વક આધુનિક મલ્ટિપ્રોટોકોલ લેબલ સ્વિચિંગ આધારિત વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ સિસ્ટમ પર સ્થળાંતરિત કરવામાં આવી છે. આ મહત્ત્વપૂર્ણ કાર્ય રાજકોટ ડિવિઝનના સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ સાથે રાજકોટઓખા રેલખંડમાં આધુનિક આઈપી આધારિત સંચાર નેટવર્ક સ્થાપિત થઈ ગયું છે. આ નેટવર્કના માધ્યમથી ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થાને વધુ અસરકારક, વિશ્વસનીય અને વધુ સારી રીતે નિરીક્ષણ યોગ્ય બનાવવામાં મદદ મળશે.

રાજકોટ-ઓખા મુખ્ય રેલખંડની લંબાઈ ૨૫૨ કિલોમીટર છે. આ ઉપરાંત કનાલુસ-સિક્કા શાખા રેલખંડ ૧૪.૫ કિલોમીટર, જામનગર-વાંસજાળિયા ૨ કિલોમીટર તથા માધાપર-મેસર્સ નાયરા એનર્જી લિમિટેડ, મોડપર ૧૨ કિલોમીટર લાંબો છે. આ રીતે મુખ્ય અને શાખા રેલખંડોમાં કુલ ૩૦ સ્ટેશનોને આધુનિક સંચાર નેટવર્ક સાથે જોડવામાં આવ્યા છે.

આધુનિક સંચાર નેટવર્કના કારણે ટ્રેન કંટ્રોલર્સ અને સ્ટેશન કર્મચારીઓ વચ્ચેના સંચારને વધુ અસરકારક અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે. આધુનિક આઈપી આધારિત નેટવર્ક દ્વારા સંચાર સેવાઓનું નિરીક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાશે. નેટવર્કના સંચાલન અને જાળવણીને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ મળશે. અન્ય દૂરસંચાર સેવાઓને તબક્કાવાર રીતે આ જ નેટવર્ક પર સ્થળાંતરિત કરવા માટે આધુનિક પાયો ઉપલબ્ધ થશે.

નવા સ્થાપિત નેટવર્કને સ્થિર કરી લેવામાં આવ્યું છે અને હાલમાં તેને એક મહિનાના મોનિટરિંગ સમયગાળા માટે કાર્યરત રાખવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન નેટવર્કની સ્થિરતા અને કાર્યપ્રણાલી પર નજર રાખવામાં આવશે. ત્યારબાદ અન્ય દૂરસંચાર સેવાઓને પણ તબક્કાવાર આ નેટવર્ક પર સ્થળાંતરિત કરવામાં આવશે.

આ સફળ માઈગ્રેશન સાથે રાજકોટ ડિવિઝનની સમગ્ર ટ્રેન નિયંત્રણ સંચાર વ્યવસ્થા હવે આધુનિક એમપીએલએસ-વીઓઆઈપી આધારિત નેટવર્ક પર સ્થાપિત થઈ ગઈ છે. આ સિદ્ધિ ડિવિઝનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક અને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આ ઉપલબ્ધિ પર રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજ કુમાર મીનાએ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, રાજકોટ ડિવિઝનમાં આધુનિક સંચાર તકનીકનું સફળ અમલીકરણ એ આપણા અધિકારીઓ અને કર્મચારીઓની ટેકનિકલ કુશળતા અને ટીમવર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ સિદ્ધિ રેલ સંચાલનની સંચાર વ્યવસ્થાને વધુ આધુનિક, વિશ્વસનીય અને સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh