સરળ અને સુલભ દેશસેવા એટલે પોતાના ઘરમાં જ રહો...બહાર ન નીકળો...

દેશને આઝાદી અપાવવા બે સદી સુધી ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક લોકોએ પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું, તો કેટલાક પરિવારની બે-ત્રણ પેઢી આ આંદોલનમાં સહભાગી બની, સંખ્યાબંધ બલિદાનો અપાયા, ત્યારે ગુલામીમાંથી આઝાદી મળી.

સ્વાતંત્ર્ય ચળવળ સમયે દેશભક્તિ, દેશપ્રેમ અને દેશભાવનાના અનેક સ્વરૃપો હતાં. સત્યાગ્રહોમાં ઉપવાસ કરીને, ગાંધીજીની અહિંસક ચળવળોમાં ભાગ લઈને અને સ્વદેશી ચળવળમાં જોડાઈને વિદેશી ચીજવસ્તુઓનો બહિષ્કાર કરીને લોકોએ દેશ માટે સમર્પણ કર્યું હતું. દેશસેવા કરવા માટે ગાંધીજીએ ખાદીનું ઉત્પાદન કરવા માટે ચરખો ચલાવવા અને સ્વચ્છતા રાખવાની હિમાયત કરતા કહ્યું હતું કે એ પણ એક પ્રકારની દેશ સેવા જ છે. અત્યારે કોરોના સામે ભારતે જંગ માંડ્યો છે. કોરોના એવો ખતરનાક વાયરસ છે, જે ઝડપથી ફેલાય છે અને અનેક લોકોના જીવ લઈ રહ્યો છે. આ વાઈરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા તેની સાયકલ તોડવી જરૃરી છે. આ સંક્રમણ એક વ્યક્તિથી દસ વ્યક્તિ અને દસ વ્યક્તિથી ૧૦૦ વ્યક્તિમાં ફેલાઈને તે જ રીતે લાખો લોકો સુધી પહોંચી જાય છે. આ વાઈરસની કોઈ ચોક્કસ દવા જ શોધાઈ નથી, તેથી આ રોગ આપણે કે આપણા પરિવારને થાય જ નહીં, તેવા કદમ ઊઠાવવા સિવાય છૂટકો નથી. આ કામ મુશ્કેલ છે. લોકોથી તદ્ન અળગા રહીને ઘરમાં પૂરાઈ રહેવું કોઈને ગમે નહીં. ધંધો-રોજગાર બંધ રહે કે અગત્યના કામો અટકી પડે, તે કોઈને પોષાય પણ નહીં, પરંતુ ઘરની બહાર મોત પ્રતિક્ષા કરી રહ્યું હોય, ત્યારે નાછૂટકે ઘરમાં પૂરાઈ જવું પડતું હોય છે. સળંગ ઘણાં દિવસો સુધી ઘરમાં પૂરાઈને પણ જો આપણો અને આપણા પરિવારનો જીવ બચતો હોય, તો મન-કમને પણ આવું કરવું આપણા માટે હિતાવહ છે, અને એ પણ એક પ્રકારની દેશસેવા જ ગણાય.

વડાપ્રધાને ગઈકાલે રાત્રે ૮ વાગ્યે દેશભરમાં ર૧ દિવસના લોકડાઉનની જાહેરાત કરતા ગઈકાલે થયેલી વિવિધ અટકળોનો અંત આવ્યો હતો. કોરોના નાબૂદી માટે તો વડાપ્રધાને રૃપિયા ૧પ હજાર કરોડના પેકેજની જાહેરાત કરી, પરંતુ ઉદ્યોગો કે અન્ય સેક્ટરો માટે કોઈ હજુ પેકેજ જાહેર કર્યું નથી, પરંતુ નાણામંત્રી સીતારમણે કેટલીક છૂટછાટો જાહેર કરતી વખતે આર્થિક પેકેજ ટૂંક સમયમાં જાહેર થશે, તેમ જણાવ્યું હતું. લોકડાઉનના કારણે રોજેરોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવતા તેમજ અન્ય લોકોને ભૂખે મરવું ન પડે તેવી વ્યવસ્થાઓ માટે સેવાભાવી સંસ્થાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ આગળ આવશે, તેવી આશા સેવવામાં આવી છે.બીજી દૃષ્ટિએ ઘરમાં રહીને પણ લોકોને ઘણી તકલીફ પડવાની છે, પરંતુ આ તકલીફો સહન કરીને એક રીતે માનવસેવા અને દેશસેવા પણ થવાની છે. આ લોકડાઉન નોટબંધીની જેમ નિષ્ફળ નહીં જાય કારણ કે આ લડત આખો દેશ સાથે મળીને લડી રહ્યો છે.

close
Nobat Subscription