જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોક ડાઉનમાં દુકાન ખોલનાર વેપારી સામે નોંધાયા ગુન્હા

જામનગર તા. ૨૫ઃ કાલાવડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે ચા-પાન, ફર્નિચર, સીટ કવર વિગેરેની દુકાનો ધરાવતા આસામીઓએ પોતાની દુકાનો ખોલતા પોલીસે તેઓની સામે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

કાલાવડ શહેરના શિતલા કોલોની રોડ પર બજરંગ પાન નામની દુકાન પાસે મેલડી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવતા ગોવિંદરામ સિંધીએ જાહેરનામુ અસ્તીત્વમાં હોવા છતાં પોતાની દુકાનમાંથી ઠંડા-પીણાનું વેચાણ યથાવત રાખતા ગઈકાલે કાલાવડ પોલીસે તેની સામે આઈપીસી ૧૮૭, ૧૮૮ તેમજ જીપી એક્ટની કલમ ૩૩ (૧) (ડબલ્યુ) હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ જિલ્લાના ઢેબર ગામમાં ચાની હોટલ ધરાવતા મામદ બાવાભાઈ હીંગોરાએ પોતાની ચા-પાનની દુકાન ખોલતા તેની સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે ઉપરાંત ત્રણ પાટીયા પાસે પાન મસાલાની દુકાન ધરાવતા વિવેક દયાળજીભાઈ નકુમ, સેવક દેવરીયામાં ચાની હોટલ ધરાવતા હારૃન જુસબ હાલેપોત્રા, ભાણવડમાં ચાની દુકાન ધરાવતા અરજણભાઈ મેરામણભાઈ આંબલીયા સામે પણ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. ઓખામંડળના ડાલ્ડા બંદર પર પાન-મસાલાની દુકાન ધરાવતા પપ્પુભાઈ જવુભાઈ ખુરેશી, કાનદાસ બાપુના આશ્રમ પાસે ચાની લારી ધરાવતા નાગજીભાઈ સવજીભાઈ ચોપડા, કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં અમુલભાઈ સવજીભાઈ રાઠોડ નામના વેપારીએ પોતાની એગ્રો માલ-સામાનની દુકાન ખોલતા કલ્યાણપુરમાં દિનેશભાઈ વસરામભાઈ કુંભારે પોતાની ફર્નિચરની દુકાન ખોલતા અને ખાખરડામાં નીકુંલસિંહ કેશુભા જાડેજાએ પોતાની પાનની દુકાન ચાલુ કરતા પોલીસે ગુન્હો નોંધી લીધો હતો. ખંભાળીયામાં પાંચ હાટડી ચોકમાં સંજય અમૃતલાલ જેઠવાએ પોતાની શિવમ સીટ કવરની દુકાન ખોલતા, પોરબંદર રોડ પર હિતેશ રણમલભાઈ લગારીયાએ પોતાની ડિલક્સ પાન નામની દુકાન ખોલતા પોલીસે જાહેરનામા ભંગનો ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription