યાત્રાધામ દ્વારકામાં કોરોનાનો પ્રભાવ ઓસરી રહ્યો છે
દ્વારકા તા. ૧૩ઃ સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં પણ જ્યારે કોરોનાનો પ્રભાવ ઘટી રહ્યો છે અને કોરોનાની રસીનો પ્રારંભ થયો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં કોરોના કાળના દશ માસના ગાળા બાદ હવે ભગવાન કાળીયા ઠાકોરના ચરણોમાં મસ્તક નમાવવા ઉપરાંત જુદા-જુદા મનોરથો તેમજ ધ્વજાજીના મનોરથની માંગ ફરી વધવા લાગી છે.
તાજેતરમાં જ નાતાલના વેકેશનમાં અને વર્તમાનમાં દ્વારકાધીશજીના સન્મુખ ૫ૂજારી પરિવાર દ્વારા યજમાનોના સહયોગથી સૂકામેવા, કુંડલા ભોગ, કુન્નવારા મનોરથ જેવા અનેક પ્રકારના અને ખાસ કરીને શિયાળાની સીઝનમાં ભગવાનને થતા વિવિધ વાનગીઓના ભોગનો પ્રવાહ વધ્યો છે. કોરોનાને પછડાટ આપીને સાજા થયેલા તથા કોરોનાથી બચી ગયેલા ભાવિકજનો તેમજ દ્વારકાધીશજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હજારો ભક્તજનો દ્વારકા આવી રહ્યા છે અને આવા મનોરથો કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
આજ રીતે શ્રદ્ધા, ભક્તિ, ભાવનાના બંધન સાથે જોડાયેલ ભાવિકો ધ્વજાજીનું આહોરણ જગત મંદિર ઉપર કરાવીને ધન્યતા અનુભવી રહ્યા છે અને ધ્વજાજી ચડાવવા માટે લાંબુ વેઈટીંગ ચાલવા લાગ્યું છે આમ છતાં પણ ગુગળી જ્ઞાતિ દ્વારા ધ્વજાજી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.