હવે એનડીએમાં શરૃ થઈ ખેંચતાણઃ એલજેપી દ્વારા વિદ્રોહના દેખાતા એંધાણ

નવી દિલ્હી તા. ૧૪ઃ એનડીએમાં પણ હવે ખેંચતાણ શરૃ થઈ ગઈ છે. બિહારની ચૂંટણીઓ પહેલા જ લોક જનશક્તિ પાર્ટી દ્વારા ઉઠી રહેલા અસંતોષના સૂર વિદ્રોહ ભણી જઈ રહ્યાં હોય તેમ જણાય છે. એલજેપીએ - એનડીએ કે ભાજપના સંકલ્પપત્રના બદલે બિહારની ચૂંટણીમાં પોતાનો અલગ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત કરી દીધી છે. કેટલાંક મુદ્દે સંસદમાં પણ એલ.જે.પી. દ્વારા મોદી સરકાર વિરોધી વલણ લીધું હતું. દિલ્હીની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર પછી હવે જૂના સાથીદાર પક્ષો તૂટવા લાગતા હવે મોદી-શાહ દ્વારા નવા પ્રાદેશિક પક્ષોને એનડીએ માં સમાવવાની રણનીતિ અપનાવી હોય તેમ જણાય છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ઝડપથી તેની નવી રણનીતિ અમલી કરી દીધી છે. જેના ભાગરૃપે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રિય નેતૃત્વ દ્વારા હવે ક્ષેત્રીય પાર્ટીઓને એનડીએમાં લાવવા માટે પ્રયાસો શરૃ કરવામા ંઆવ્યા છે. પાર્ટીના સુત્રોએ કહ્યુ છે કે દિલ્હી ચૂંટણીના પરિણામ બાદ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં કેટલાક ક્ષેત્રીય પક્ષો ભાજપની સામે સંગઠિત થઇ શકે છે. આને ધ્યાનમાં લઇને આ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી સાથે આશરે દોઢ કલાક વાતચીત કરી હતી. આ પહેલા બે વખત તેઓ આવું કરવાનો ઇન્કાર કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશમાં રેડ્ડીની પાર્ટી અને તમિળનાડુમાં ડીએમકેની સાથે વાતચીત જારી રાખી છે. ક્ષેત્રીય દળોને એનડીએ સરકારમાં સામેલ થવાની લાલચ આપવામાં આવી રહી છે.

રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ જો એક સાથે આવે છે તો આના કારણે બે પાર્ટીને સીધો ફાયદો થઇ શકે છે. ભાજપને રાજ્યસભામાં મહત્ત્વપૂર્ણ બિલ પાસ કરાવી દેવામાં મદદ મળી શકે છે. બીજી બાજુ વાયએસઆર કોંગ્રેસને રાજ્યમાંથી વિધાન પરિષદને ખતમ કરવામાં કેન્દ્રની મદદની જરૃર છે. જેમાં તેની વિરોધી પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીની બહુમતિ રહેલી છે.

જગન મોહન રેડ્ડીએ હાલમાં જ આંધ્રપ્રદેશમાં ત્રણ પાટનગર બનાવવા માટે બિલ રજૂ કર્યું હતું. જો કે આને વિધાન પરિષદને ફગાવી દેતા કામ રોકાઇ ગયું હતું. રાજકીય પંડિતો માને છે કે આવનાર મહિનામાં વાયએસઆર કોંગ્રેસની રાજ્યસભામાં તાકાત વધનાર છે. સાથે સાથે ભાજપને તેના સહકારની જરૃર રહેશે. એક નેતાએ કહ્યું છે કે દિલ્હીમાં હાર બાદ ભારતીય જનતા પાર્ટીને ક્ષેત્રીય પક્ષો તરફ જોવાની ફરજ પડી રહી છે. પાર્ટી હાલમાં સાવધાન થઇ રહી છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit