| | |

દેશમાં કોરોનાના ૧.૧૮ લાખથી વધુ કેસ નોંધાયાઃ ૩પ૮પ લોકોના મૃત્યુઃ ૪૮ હજારથી વધુને રજા અપાઈ

નવી દિલ્હી તા. રરઃ દેશમાં કોરોનાના કેસોનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે, અને ૧.૧૮ લાખથી વધુ કેસો નોંધાયા છે. ૩પ૮પ ના મૃત્યુ થયા છે જ્યારે સાજા થયેલા ૪૮ હજારથી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧,૧૮,૪પર એ પહોંચ્યો છે અને સાથે કોરોનાથી ૩,પ૮પ લોકોના મોત થયા છે. આ ઉપરાંત દેશભરમાં ૪૮,પપ૩ લોકો સારવાર પછી સાજા થયા છે. દેશમાં સૌથી વધારે ૪૧,૬૪ર દર્દી મહારાષ્ટ્રમાં છે. અહિંયા કોરોનાના કારણે ૧,૪પ૪ લોકોના મોત થયા છે. તમિલનાડુ ૧૩,૯૬૭ સંક્રમિતો સાથે બીજા નંબરે છે.

મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર રાતે એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્યની પ્રાઈવેટ હોસ્પિટલના અને નર્સિંગ હોમમાં ૮૦ ટકાથી વધારે બેડ રિઝર્વ કર્યા છે. હવે સરકારને ૪૪૦૦ બેડની સુવિધા મળી ગઈ છે.

રાજસ્થાનના જયપુર એરપોર્ટથી એક કલાકમાં બે વિમાનની અવરજવર થશે. જયપુર એરપોર્ટ પર સેનેટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે જરૃરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન સરકાર વચ્ચે બસના ભાડા અંગે ઘર્ષણ ચાલી રહ્યું છે. એ વખતે યોગી સરકારે રાજસ્થાન સરકાર તરફથી મોકલવામાં આવેલા ૩૮ લાખ ૩૬ હજારના બીલની ચૂકવણી કરી દીધી છે. આ બીલ કોટાથી બાળકોને આગરા અને મથુરા પહોંચાડવા અંગે રાજસ્થાન રોડવેઝે યુપીએસઆરટીસીને મોકલ્યું હતું.

દેશભરમાં સંક્રમણ ર૬ રાજ્યો અને ૭ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું છે. જેમાંથી સૌથી વધારે પ્રભાવિત પ રાજ્યોમાં જ ૮૬ હજારથી વધુ એટલે કે ૭૩ ટકા દર્દી છે. પંજાબમાં મલેશિયાના કુલઆલાલમ્પુરથી ભારતીયોને લઈને અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યું છે. પશ્ચિમ દિલ્હીમાં પોલીસ કંટ્રોલ રૃમના ૭ કર્મચારી પોઝિટિવ મળ્યા ત્યારપછી કંટ્રોલ રૃમને પાંચ દિવસ માટે બંધ કરી દેવાયો હતો.

લોકડાઉન-૪ માં અનેક રાજ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કેન્દ્રની ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. આ માટે કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે લોકડાઉનના નિયમોનું કડક રીતે પાલન કરવા આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે નાઈટ કર્ફયુ ગાઈડલાઈનનો મહત્ત્વનો ભાગ છે. સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી દરેક પ્રકારની બિન-આવશ્યક પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને આવશ્યક પગલાં ભરવા કહ્યું છે.

દિલ્હીમાં સીઆરપીએફના ૯ જવાન કોરોના સંક્રમિત મળ્યા છે. કોરોનાથી એક સબ ઈન્સ્પેક્ટરનું મોત થયું છે. આ દળમાં ૩૩પ જવાન પોઝિટિવ મળ્યા છે. હાલ ૧ર૧ ની સારવાર ચાલી રહી છે. રાહતની વાત તો એ છે કે છેલ્લા ર૪ કલાકમાં આટીબીપી અને બીએસએફમાં કોઈ નવો કેસ સામે આવ્યો નથી. બીએસેફના ર૭૪ જવાન સાજા થયા છે. હાલ ૮૭ હોસ્પિટલમાં દાખલ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના ૪૧,૬૪ર, રાજસ્થાનમાં ૬રર૭ અને બિહારમાં ૧૯૬૭ કેસો નોંધાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit