દિલ્હીમાં કિસાન કાયદાના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન ઝપાઝપીઃ ટિયર ગેસના સેલ છોડાયા

ગણતંત્ર દિવસે હજારો ટ્રેક્ટરો દેશની રાજધાનીની સરહદે પહોંચ્યાઃ

નવી દિલ્હી તા. ર૬ઃ કિસાન કાયદાઓના વિરોધમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી રાજધાની દિલ્હીની સરહદેથી કેટલાક સ્થળે બેરિકેટીંગ તોડીને દિલ્હીમાં ઘૂસી જતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઝપાઝપી થઈ હોવા ઉપરાંત ટિયરગેસના સેલ છોડી લાઠીચાર્જ કરાયો હોવાના અહેવાલો આવી રહ્યા છે.

નવા કૃષિ કાયદા વિરૃદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની ૩ બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૃ કરી છે. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડવાની શરૃઆત કરી દીધી છે. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતાં. ત્યાં તેમના પર ટીઅર ગેસ છોડવામાં આવ્યો હતો. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. ગાઝીપુરથી નીકળેલા ખેડૂતો બપોરે ઈન્ડિયા ગેટથી ૪ કિ.મી. દૂર હતાં, ત્યારે તેઓ અને પોલીસ આમને-સામને થઈ ગયા હતાં.ખેડૂતોએ ટીઅર ગેસના ગોળા ઉપાડીને પોલીસ તરફ ફેંક્યા હતાં. સિંધુ બોર્ડરથી સતત ટ્રેક્ટરો નીકળી રહ્યા હતાં. સિંધુ બોર્ડરથી નીકળેલી ટ્રેક્ટર પરેડના આગળ ઘોડા પર નિહંગ ફોજ ચાલી રહી હતી. સિંધુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતોનો જથ્થો પગપાળા ચાલી રહ્યો હતો. રસ્તામાં લોકો ટ્રેક્ટર પરેડનું સ્વાગત કરી રહ્યા હતાં. સ્વરૃપનગરમાં લોકોએ ખેડૂતો પર ફૂલ વરસાવ્યા હતાં. આ જગ્યા સિંધુ બોર્ડરથી ૧૪ કિ.મી. દૂર છે. નાંગલોઈમાં લોકો ઢોલ વગાડતા અને નાચતા દેખાયા હતાં. ગાઝીપુર બોર્ડર બેરિકેડ્સ તોડીને નીકળેલા ખેડૂતોને થોડા અંતરે જ પોલીસે રોકી દીધા હતાં. પોલીસે ખેડૂતોને અપીલ કરી હતી કે શાંતિ વ્યવસ્થા જાળવી રાખવામાં મદદ કરે. પોલીસનું કહેવું છે કે જ્યાં સુધી પાછળના ટ્રેક્ટર ન આવી જાય ત્યાં સુધી ખેડૂતો એક પોઈન્ટ પર રોકાઈ જાય. આ વિશે ખેડૂતો અને પોલીસ વચ્ચે થોડી ખેંચતાણ પણ થઈ હતી, તો કેટલાક સ્થળે લાઠીચાર્જ થયો હોવાના પણ અહેવાલો છે.

મોડી રાત સુધી સતત ટ્રેક્ટર સિંધુ બોર્ડર પર પહોંચી રહ્યા હતાં. અહીં ટ્રેક્ટરોની ૩પ થી ૪૦ કિ.મી. સુધીની લાંબી લાઈન લાગી ગઈ છે. સિંધુ બોર્ડર પર મોડી રાતથી જ નારેબાજી થવા લાગી હતી. યુવા કિસાન 'ટ્રેક્ટર દે નાલ ટ્રોલી જાઉ' અને 'રેલી કરેંગે રિંગ રોડ પર' જેવા નારા લગાવી રહ્યા હતાં. યુવા ખેડૂતોની નારેબાજી એટલી વધી ગઈ હતી કે ખેડૂત નેતા લકખા સડાનાએ સ્ટેજ પરથી કહેવું પડ્યું હતું કે, તમે ઈચ્છો છો એ જ થશે, જો કે સરકાર સાથે વાતચીતમાં સામેલ ખેડૂત નેતાઓનું કહેવું હતું કે પરેડ પોલીસે જે રૃટ આપયો છે એ જ રૃટ પર જ કાઢવામાં આવશે. સિંધુ બોર્ડર પર રાત્રે પોલીસ ફોર્સ ઓછી જોવા મળી હતી, પરંતુ સવારે સુરક્ષા વ્યવસ્થા વધી ગઈ હતી.

ટીકરી બોર્ડર પર ૬૦ હજાર ટ્રેક્ટર પહોંચવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. ટ્રેક્ટરો સિવાય ખેડૂતો અહીં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર લઈને પહોંચ્યા હતાં. ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક રાખવામાં આવી છે. આ સીમામાં આવતા મોટા ભાગના ટ્રેક્ટર પશ્ચિમ ઉત્તરપ્રદેશથી આવ્યા હતાં. અહીં ૧પ હજાર ટ્રેક્ટર પહોંચવાની શક્યતા જણાવાઈ હતી. યુપી અને દિલ્હી બન્ને બાજુ પોલીસની સાથે આરએએફ તહેનાત કરવામાં આવી છે.

પોલીસે સિંધુ બોર્ડરથી સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, ડીટીયુ, શાહાબાદ ડેરી, બરવાલા, પુથ ખુર્દ, કંઝાવાલા, ટી પોઈન્ટ, બવાના ટી પોઈન્ટ, કંઝાવાલા ચોક, કુતુષગઢ, ઔચંદી બોર્ડર, ખરખોદા ટોલ પ્લાઝા અને ટીકરી બોર્ડરથી નાંગલો, બપરોલા, નજફગઢ, ફિરની રોડ, ઝરોડા બોર્ડર, રોહતક બાયપાસ, અસોદા ટોલ પ્લાઝા, ગાઝીપુર બોર્ડરથી અપ્સરા બોર્ડર, હાપુડ રોડ, ભોપુર, આઈએમએસ કોલેડ, લાલકુઆ, ગાઝીપુર બોર્ડરમાં ટ્રેક્ટર રેલીની મંજુરી આપી હતી. દિલ્હીમાં થનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા ખેડૂતો શાહજ્હાંપુર ખેડા બોર્ડરથી સવારે દિલ્હી તરફ આગળ વધવા લાગ્યા છે, જો કે હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હીથી અંદાજે પ૦ કિ.મી. પહેલા સુધી માનેસર સુધી જ જવાની મંજુરી આપી હતી.

નોઈડાના ચિલ્લા બોર્ડર પર સ્ટંટ કરવા દરમિયાન એક ટ્રેક્ટર પલટી ગયું હતું. તેમાં બે લોકો ઘાયલ થઈ ગયા હતાં. બાદમાં લોકોએ મળીને તેને સીધું કર્યું. ટ્રેક્ટર પલટ્યા પછી ત્યાં થોડીકવાર માટે અફડાતફડી મચી ગઈ હતી. આની પહેલા ટ્રેક્ટર પરેડ નીકળી રહેલા ખેડૂતોની સવારે દિલ્હી પોલીસની સાથે ઝપાઝપી થઈ ગઈ હતી. તો બીજી બાજુ ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતાં ટિયર ગેસના સેલ છોડાયા હતાં. આની પહેલા પ્રદર્શનકારી ખેડૂતોને રોકવા માટે રાતોરાત અસ્થાયી દીવાલ બનાવી દીધી હતી.

close
Ank Bandh 26 January
close
PPE Kit