ખેડૂત સંગઠનો હવે પાંચ રાજ્યોમાં ભાજપને મત નહીં આપીને ફગાવી દેવા કરશે અપીલ

કેન્દ્રના ત્રણ મંત્રીઓને હરિયાણાના ગામોમાં પ્રવેશબંધીઃ

નવી દિલ્હી તા. ૩ઃ આંદોલનકારી ખેડૂત સંગઠનો હવે પાંચ રાજ્યોમાં ભાજપને મત નહીં આપવાની અપીલ કરવા જવાની રણનીતિ બનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

દેશમાં આવનારા દિવસોમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. બીજેપી આ રાજ્યોમાં મજબૂતીથી ચૂંટણી લડી રહી છે. કેરળ અને પોંડિચેરીમાં જ્યાં બીજેપી પગ જમાવવા ઈચ્છે છે, (આસામ અને પશ્ચિમ બંગાળ) માં ભગવા પાર્ટીએ વિરોધીઓની ઊંઘ ઊડાડી રાખી છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે તે પાંચેય રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને વોટ ના આપવાની અપીલ કરશે.

સ્વરાજ ઈન્ડિયાના સંસ્થાપક યોગેન્દ્ર યાદવે કહ્યું કે, ૧૦ ટ્રેડ સંગઠનોની સાથે અમારી મિટિંગ થઈ છે. સરકાર સાર્વજનિક ક્ષેત્રોનું જે ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં ૧પ માર્ચના આખા દેશના મજૂરો અને કર્મચારીઓ રસ્તાઓ પર ઉતરશે અને રેલવે સ્ટેશનોની બહાર ધરણા પ્રદર્શન કરશે. તેમણે કહ્યું કે, સરકાર તરફથી આ આંદોલનને સમાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારમાં હરિયાણાના જે ૩ કેન્દ્રિય મંત્રી છે એ ૩ કેન્દ્રિય મંત્રીઓના તેમના ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. સંયુક્ત કિસાન મોરચાની આજની બેઠકમાં અમે ૧પ માર્ચ સુધીના કાર્યક્રમોને અંતિમ રૃપ આપ્યું છે. ૬ માર્ચના જ્યારે વિરોધ પ્રદર્શનના ૧૦૦ દિવસ પૂર્ણ થશે તો ખેડૂતો સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યાની વચ્ચે કુંડલી-માનસર-પલવલ એક્સપ્રેસ વેને અલગ-અલગ સ્થાનો પર રોકશે.

કિસાન મોરચાએ આગળ કહ્યું કે, ૮ માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર તમામ પ્રદર્શન સ્થળો પર મહિલા પ્રદર્શનકારીઓને સામે લાવવામાં આવશે. માર્ચથી કર્ણાટકમાં 'એમએસપી અપાવો' આંદોલન શરૃ કરવામાં આવશે, જેમાં પીએમથી પાકો માટે એમએસપીની નક્કી કરવા કહેવામાં આવશે. ભારતીય કિસાન યુનિયનના બલબીર એસ. રાજેવાલે આગળ કહ્યું કે, અમે પશ્ચિમ બંગાળ અને કેરળમાં ચૂંટણી માટે અલગ-અલગ ટીમોને મોકલીશું. અમે કોઈપણ પાર્ટીનું સમર્થન નહીં કરીએ, પરંતુ લોકોને અપીલ કરીશું કે તેઓ એ ઉમેદવારોને વોટ આપે જે બીજેપીને હરાવી શકે છે. અમે લોકોને ખેડૂતો પ્રત્યે મોદી સરકારના વલણ વિશે જણાવીશું.

close
Ank Bandh 29 March
close
PPE Kit