Advertisement
Author: નોબત સમાચાર

તાંત્રિક વિદ્યાથી એકના ડબલ કરી આપવાની લાલચ બતાવી રૂ।.૪૯ લાખ ૮૫ હજારની રકમ પડાવી લેવાઈઃ ત્રણ સામે ગુન્હો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: દ્વારકાના ગઢેચી ગામના એક યુવાનને તાંત્રિક વિદ્યાથી રૂપિયાનો વરસાદ અને એકના ડબલ કરી આપવાની લાલચ બતાવી આરંભડાના બે શખ્સે મહેસાણાના કડીના એક શખ્સનો પરિચય કરાવ્યા પછી પાંચ વર્ષમાં રૂ।.૪૯,૮૫,૦૦૦ મેળવી લઈ વિશ્વાસઘાત આચરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે કલ્યાણપુરના પટેલકા ગામના એક વૃદ્ધને અજાણ્યા શખ્સે મોબાઈલ પર ફોન કરી બેંકનું એક્સેસ મેળવ્યા પછી રૂ।.૧,૪૧,૫૩૧ ઉપાડી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર આવેલા મૂળ આરંભડાના ગાયત્રી નગરવાળા અને હાલમાં ગઢેચી ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભાવસંગભા સાવજાભા માણેક (ઉ.વ.૪૬) નામના આસામીએ ઓખા મરીન પોલીસ સ્ટેશનના મહેસાણા જિલ્લાના કડીમાં હસનશા પીરની દરગાહમાં રહેતા અનવર અબુભાઈ ઠેબા તેમજ આરંભડાના આરીફ જાફર સીદી, અલી જાફર સીદી સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ પાંચેક વર્ષ પહેલાં આરીફ તથા અલી જાફરનો સંપર્ક થયો હતો. આ બંને શખ્સે ડ્રાઈવીંગનું કામ કરતા ભાવસંગભાને પોતાના પરિચિત કડીના અનવર ઠેબા સાથે મળી તાંત્રિક વિદ્યાથી રૂપિયાનો વરસાદ કરાવી દઈશંુ તેવી વાત કર્યા પછી એકના ડબલ કરી આપવાની લાલચ બતાવી હતી.

આ શખ્સોની વાતોમાં આવી ગયેલા ભાવસંગભાએ જુદા જુદા સમયે કુલ રૂ।.૪૯ લાખ ૮૫ હજાર આપ્યા હતા. તે રકમ આરીફ તથા અલી જાફરે લઈ લીધા પછી અનવર ઠેબાનો સંપર્ક કરી અનવરને તે રકમ આપી દીધી હતી. ત્યારપછી અવારનવાર તાંત્રિકવિધિ કરી પોતાની રકમ ડબલ કરી આપવાની ભાવસંગભાએ વાત કરી હોવા છતાં પાંચ વર્ષ સુધી બહાના બતાવી ત્રણેય શખ્સે ઠેંગો બતાવી દેતા છેતરાઈ ગયાનું જણાઈ આવતા આખરે ભાવસંગભાએ પોલીસમાં રાવ કરી છે. પોલીસે વિશ્વાસઘાત કરવા અંગે અનવર ઠેબા, આરીફ તથા અલી જાફર સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય એક કિસ્સામાં કલ્યાણપુરના પટેલકા ગામમાં વસવાટ કરતા ખેંગારભાઈ બેચરભાઈ ચાવડા (ઉ.વ.૬૭) નામના વૃદ્ધને ગઈ તા.૩૧ના દિને મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. આ શખ્સે ખેંગારભાઈને વાતોમાં ભોળવી તેમની પાસેથી મીઠાપુરના સુરજકરાડીમાં શાખા ધરાવતી એસબીઆઈના બેંક એકાઉન્ટનું એક્સેસ મેળવી લીધા પછી બે ટ્રાન્ઝેક્શનમાં રૂ।.૧,૪૧,૫૩૧ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ખેંગારભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh