ધ્રોલ તથા ઉદ્યોગનગરમાં બે કાળમુખા ટ્રકે મહામુલી માનવ જિંદગીઓ છીનવી

સુવરડા પાસે બે મોટર-બાઈક અથડાઈ પડ્યા, ત્રણ અકસ્માતમાં ચાર ઘાયલઃ

જામનગર તા. ૨૯ઃ ધ્રોલમાં ગઈકાલે ખેતીનો સામાન લેવા આવેલા જોડીયાના જીરાગઢના એક પ્રૌઢને કાળમુખા ટ્રકે ચગદી નાખ્યા છે જ્યારે નગરના ઉદ્યોગનગરમાં કારખાનેદારને નાનકડા ટ્રકે હડફેટે લેતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તે ઉપરાંત સુવરડા, ગુલાબનગર નજીક અને વ્હોરાના હજીરા પાસે અન્ય ત્રણ અકસ્માતમાં ચાર ઘવાયા છે.

ધ્રોલ શહેરમાં આવેલા ત્રિકોણ બાગ પાસેથી ગઈકાલે બપોરે અગિયારેક વાગ્યે જોડીયા તાલુકાના જીરાગઢ ગામના સવજીભાઈ પ્રેમજીભાઈ કુંભાર (ઉ.વ. ૫૧) નામના પ્રૌઢ પોતાના મોટરસાયકલમાં પસાર થતા હતાં. જીરાગઢથી સવજીભાઈ ગઈકાલે ખેતીના માલ સામાનની ખરીદી કરવા માટે ધ્રોલ આવ્યા હતાં.

તેઓ જ્યારે ડો. ગોંડલીયાની હોસ્પિટલ-ગાંધીચોક નજીકથી જતા હતાં ત્યારે પાછળથી ધસી આવેલા જીજે-૧૦-ડબલ્યુ-૭૨૭૫ નંબરના એક કાળમુખા ટ્રકે સવજીભાઈને પોતાની ડાબી સાઈડથી ઠોકર મારતા સવજીભાઈ મોટરસાયકલ પરથી નમ્યા હતાં. કમનસીબે તેઓ જમણી તરફ પડતા જ તેમના પર આ ટ્રકનો પાછળનો જોટો મોત બનીને ફરી વળ્યો હતો. અકસ્માત સર્જાતા જ સ્થળ પર હાજર લોકો દોડ્યા હતાં. તે દરમ્યાન ટ્રક ડ્રાયવર ઉતરીને પોબારા ભણી ગયો હતો. પોલીસ પણ બનાવના સ્થળે ધસી આવી હતી. ટ્રક ડ્રાયવર સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. દિવસના સમયે શહેરમાંથી ભારે વાહનને પસાર થવા સામે મનાઈ હોવા છતાં ગઈકાલે ધ્રોલમાં ઉપરોક્ત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

જામનગરના શંકરટેકરી ઉદ્યોનગરમાં આવેલી સંદીપ સ્ટીલ નામની દુકાન પાસેથી શનિવારે બપોરે કિશોરભાઈ નામના કારખાનેદાર જીજે-૩-એએફ-૮૭૦૪ નંબરના બાઈકમાં પસાર થતા હતાં ત્યારે પાછળથી જીજે-૩-ડબલ્યુ-૭૪૧૭ નંબરનો નાનો ટ્રક આવ્યો હતો. તેના ચાલકે કિશોરભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા પામેલા કારખાનેદારને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ થયું છે. જયેશ કરમસીભાઈ જાદવે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર પાંચેક કિમી દૂર આવેલા ઠેબા નજીકના સુવરડા ગામ પાસેથી ગઈકાલે સાંજે જીજે-૧૦-ડીએ-૪૫૧ અને જીજે-૧૦-સીએન-૧૦૯૯ નંબરની આઈ-૧૦ મોટર અને એક બાઈક વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકને ઈજા થઈ હતી. અકસ્માતની જાણ થતાં ૧૦૮ દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

ગુલાબનગર નજીકના રિલાયન્સ પેટ્રોલપંપ પાસે ગઈ તા. ૬ના દિવસે મનિષ મુકેશભાઈ નામના યુવાનના સ્કૂટરને જીજે-૮-એફ-૯૮૬૯ નંબરની મોટરના ચાલકે ઠોકર મારી ફ્રેક્ચર કર્યું હતું અને વ્હોરાના હજીરા પાસે ગઈકાલે રાત્રે સ્કૂટર પર જતા સાહીલ ધીરુભાઈ કોળીને સામેથી સિલ્વર રંગના મોટરસાયકલ પર આવેલા મેહુલ જેન્તિભાઈ કોળીએ ઠોકર મારી પછાડતા સાહીલ તથા અન્ય એક વ્યક્તિને ઈજા થઈ છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit