જામનગર-ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસનો પ્રચંડ વિરોધ

સાયકલ, બળદગાડા, ઘોડાગાડી લઈને કે દોરડાથી કાર ખેંચીને અનોખા વિરોધ પ્રદર્શનો કરાયાઃ

નવી દિલ્હી/અમદાવાદ/જામનગર તા. ર૯ઃ આજે મોદી સરકાર સામે કોંગ્રેસે દેશભરમાં મોરચો માંડ્યો છે અને પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે જામનગર અને ગુજરાત સહિત દેશભરમાં અનોખી ઢબે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. કેટલાક સ્થળે કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે પોલીસનો સંઘર્ષ પણ થયો હતો. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી.

પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારા સામે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સમયે પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી.

ભારતીય ઓઈલ કંપનીઓ દ્વારા સતત ત્રણ અઠવાડિયાથી ભાવ વધારો કરવામાં આવી રહ્યો હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને પહોંચ્યા છે. આથી તેના વિરોધ માટે જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખવામાં આવેલ આવેદન પત્રનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વર્ષ ર૦૧૪ માં જ્યારે ભાજપ સત્તામાં આવ્યું ત્યારે પેટ્રોલ ઉપર રૃા. ૯.ર૦ અને ડિઝલમાં રૃા. ૪૬ ની એક્સાઈઝ ડ્યુટી વસૂલવામાં આવતી હતી. જેમાં ભાજપે અનુક્રમે રૃા. ર૩.૭૮ અને ર૮.૩૭ નો વધારો કર્યો હતો. એટલે કે ડીઝલમાં ૮ર૦ ટકાનો અને પેટ્રોલમાં રપ૮ ટકાનો વધારો કર્યો હતો. આમ મોદી સરકારે ૧૮ હજાર કરોડની કમાણી કરી લીધી છે. સતત ર૦ દિવસમાં પેટ્રોલમાં ૧૦.૮૦ અને ડીઝલમાં ૮.૯૭ રૃપિયાનો વધારો કર્યો છે.

તો સાડાત્રણ માસમાં પેટ્રોલમાં રૃા. ર૦.૪૮ અને ડીઝલમાં ર૧.પ૦ નો ભાવ વધારો પ્રજાનું શોષણ કર્યું છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો ઘટી રહ્યા છે. આમ મોદી સરકારની નફાખોરી અને પ્રજાને લૂંટવાની વૃત્તિ પૂરવાર થઈ રહી છે. આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી પણ આ પત્રમાં કરવામાં આવી છે.

આ મુદ્દે આજે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અલ્તાફ ખફીની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદનપત્ર આપવા જતા પોલીસે તમામની અટકાયત કરી હતી. આ સમયે મોટરકારને દોરડાથી ખેંચવામાં આવી હતી. ભાજપ હાય હાયના નારા લગાવાયા હતાં. આખરે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તેમને વાહનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં અલ્તાફ ખફી, જેનબબેન ખફી, યુસુફ ખફી, નિતાબેન પરમાર, રંજનબેન ગજેરા, દિગુભા જાડેજા, સહારાબેન મકવાણા, આનંદ રાઠોડ વગેરે જોડાયા હતાં.

અમદાવાદ

છેલ્લા કેટલાક દિવસથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા આજે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં અમદાવાદમાં સરદારબાગથી એલિસબ્રિજ ટાઉનહોલ સુધી પદયાત્રા કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે સરદારબાગ બહાર આવતા જ અમિત ચાવડા અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની પીઆઈ અને પોલીસે અટકાયત કરી લીધી હતી.

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે પદયાત્રા કરતા કોંગ્રેસના નેતાઓને સરદારબાગના દરવાજા બહાર નીકળતા જ અટકાયત કરવાનું પોલીસે શરૃ કરી દીધું હતું. જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર શાહનવાઝ શેખ સહિતના કાર્યકરોની અટકાયત કરી દેવાઈ હતી. પદયાત્રામાં શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ સહિતના નેતાઓ, કોર્પોરેટર જોડાયા હતાં. અટકાયત કરવાનું શરૃ થતાં યુથ કોંગ્રેસના નેતાઓએ પોલીસની ગાડીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ રસ્તા પર સૂઈ ગયા અને ગાડી ઉપર ચડી ગયા હતાં. પદયાત્રામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતાં.

આ પદયાત્રાના કાર્યક્રમની પોલીસે મંજુરી આપી નથી. સરદારબાગમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કાર્યક્રમની મંજુરી આપી ન હોવાથી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવાનું પહેલાથી નક્કી હતું. ધારાસભ્ય ગ્યાસુદિન શેખ, કોર્પોરેટર સહિત પ૦ થી વધુ કાર્યકરો હાલમાં સરદારબાગમાં ભેગા થયા હતાં.

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે વિરોધ પ્રદૃશન કરાશે. ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી 'બોલશે ગુજરાત'માં સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી પ્રજાની વેદનાને વાચા આપશે.

દેશભરમાં વિરોધ પ્રદર્શનો

દેશની રાજનધાની દિલ્હીમાં પણ જબ્બર વિરોધ પ્રદર્શનો થયા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કમિટીના અમુક સભ્યોની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ બેંગલુરુમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સીદ્ધારમૈયા સાઈકલ લઈને પ્રદર્શનમાં ભાગ લેવા માટે નીકળ્યા હતાં જ્યારે બિહારના પટાણામાં કોંગ્રેસના કાર્યકરો સાઈકલ, ઘોડાગાડી અને બળદગાડા લઈને રસ્તા પર નીકળ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit