જામનગર તા. ૩ઃ જામનગરના સહકારી ક્ષેત્રના અગ્રણી હસમુખભાઈ વિરમગામી (ગામીસાહેબ) ના નિધન અંગે જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા, બેંકના તમામ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ તથા સર્વે કર્મચારીગણે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
સ્વ. ગામીસાહેબ દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સમાજની વિવિધ સમિતિઓમાં નિરંતર સેવા સાથે તેમનું યોગદાન આપી રહ્યા હતાં. તેઓ સને ર૦૦૧ માં શ્રી વર્ધમાન કો-ઓપરેટીવ બેંક લિ.ના સ્થાપક રહ્યા હતાં તેમજ પૂર્વ ચેરમેન હતાં અને સને ર૦૧૭ માં ધી જૂનાગઢ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ.-જૂનાગઢ સાથેના મર્જર વખતે માર્ગદર્શક બની રહી સભાસદો, થાપણદારો, ધિરાણદારો તથા ગ્રાહકોના હિતમાં મર્જરનો નિર્ણય લઈ સહકારી ક્ષેત્રમાં સિંહ ફાળો આપી જામનગર શહેરના સહકારી ક્ષેત્રે પણ અદકેરૃ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્વ. હસમુખભાઈ વિરમગામી જામનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશનના પૂર્વ ખજાનચી હતાં તેમજ રણજીત સ્પોર્ટસ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી હતાં. શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા વિદ્યોત્તેજક મંડળનું જોઈન્ટ સેક્રેટરી પદ શોભાવતા હતાં. ઉપરાંત જિલ્લામાં કુદરતી આપત્તિના સમયમાં એક જાગૃત સેવા તરીકે અનેક વખત પોતાની બહુમૂલ્ય સેવા પ્રદાન કરી સારી લોકચાહના પ્રાપ્ત કરી હતી.
હસમુખભાઈ વિરમગામીને શ્રદ્ધા સુમન આપતા પૂર્વ ચેરમેન તથા ડિરેક્ટર ડોલરભાઈ કોટેચાએ જણાવેલ કે તેઓ સમગ્ર જીવનપર્યંત સહકારી ક્ષેત્રે તેમજ જૈન જ્ઞાતિમાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતાં તેમજ બેંકની પ્રગતિમાં ઉત્તરોત્તર વિકાસમાં તેમનો સિંહ ફાળો હરહંમેશ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.