જીઆઈડીસી ફેઝ-૩માં મોટા ઔદ્યોગિક એકમમાં વીજ ટુકડીનો દરોડોઃ વધારાનો લોડ ઝડપાયો

જામનગર તા. ૧૫ઃ જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં આવેલા એક મોટા ઔદ્યોગિક એકમમાં આજે પીજીવીસીએલની ટુકડીએ દરોડો પાડી ચકાસણી કરતા તે સ્થળેથી મંજુર થયેલા નિયત વીજલોડ કરતા વધુ વીજળીનો વપરાશ થતો હોવાનું પ્રાથમિક તબક્કે ખુલ્યું છે. ટુકડીના વડાએ લોડવધારાની ગણતરી શરૃ કરી છે. તેના પગલે ફેઝ-૩માં કેટલાક કારખાનેદારોમાં દોડધામ થઈ પડી છે.

જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં પ્લોટ નં. ૪૪૪૩માં આવેલા ભરતભાઈ ગોરધનભાઈ કોઠીયા નામના આસામીના કારખાનામાં મંજુર થયેલા વીજલોડ કરતા વધુ વીજળીનો વપરાશ થઈ રહ્યો હોવાની વિગત જામનગર પીજીવીસીએલ કચેરીના અધિક્ષક ઈજનેર એસ.આર. રાડાને મળ્યા પછી અત્યંત ખાનગીરાહે કરાયેલી તપાસના અંતે આજે જામનગર પીજીવીસીએલના સિટી-૨ ડિવિઝનના મહિલા કાર્યપાલક ઈજનેર મનિષાબેન વૈષ્ણવ તથા તેઓની ટુકડીએ તે કારખાનામાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.

ત્યાં આવેલા તમામ મશીનોની ચકાસણી કરાયા પછી તેમાં વપરાયેલી વીજળીનો લોડ ગણવામાં આવતા આ કારખાના માટે મંજુર થયેલો ૨૬ કિલો વોલ્ટનો લોડ કરતા વધુ લોડનો વપરાશ થતો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. અંદાજે ૩૫,૦૦૦ યુનિટથી વધુ યુનિટનો તેમાં વપરાશ થઈ ચૂક્યો હોવાનું જણાઈ આવ્યું છે.

આજે બપોરે તે સ્થળે શરૃ કરાયેલી લોડ વધારાની ગણતરી સાંજ સુધી ચાલશે તેમ માનવામાં આવી રહ્યું છે ત્યારે અંદાજે રૃપિયા છએક લાખનું પુરવણી બીલ આ યુનિટને આપવામાં આવશે તેમ જાણકાર સૂત્રોએ ઉમેર્યું છે. થોડા દિવસો પહેલાં પણ આવી જ રીતે ઉદ્યોગનગર વિસ્તારમાં હાથ ધરાયેલા ચેકીંગમાં કેટલીક ગેરરીતિ બહાર આવવા પામી હતી તે પછી આજે જીઆઈડીસી ફેઝ-૩માં વીજ કંપનીની ટુકડીએ ત્રાટકી લોડવધારો પકડી પાડતા દોડધામ મચી ગઈ છે.

close
Ank Bandh
close
PPE Kit