જામનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકઃ લોકોની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા તંત્રને તાકીદ

જામનગર તા. ૧૭ઃ જામનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, જામનગરના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે દરેક અધિકારીઓને યોજનાકીય કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા તથા સરકારની જુદી જુદી કચેરીઓ હસ્તકના લેણા વસુલાતની કામગીરીને વેગવંતી બનાવવા જણાવ્યું હતું.

તેમણે લોકો તરફથી મળેલ અરજીઓની ઝડપી નિકાલ થાય, નાગરિક અધિકારપત્ર, કચેરી હસ્તકના અવેઈટ કેશ, પેન્શન કેસો, કચેરી હસ્તક બાકી રહેલા ખાતાકીય કેસો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ મળતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા અને ધારાસભ્યો તરફથી મળેલ પ્રશ્નોનો અંગે જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચાઓ કરીને પ્રશ્નોનો તાત્કાલીક સુખદ નિકાલ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય ચિરાગ કાલરીયા, નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવા, પ્રાંત અધિકારીઓ તથા જિલ્લાના સંલગ્ન કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

close
Nobat Subscription