દિલ્હી: 'ભાજપને ન રામ કામ લાગ્યા, ન હનુમાન'

એક નાનું રાજ્ય, જે પૂર્ણ રાજ્ય પણ નથી એના ચૂંટણીજંગમાં ભાજપે એમના વડા પ્રધાન ઉતાર્યા, ગૃહમંત્રી ઉતાર્યા, કેન્દ્રીય મંત્રીઓ ઉતાર્યા અને રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ ઉતાર્યા. આમ છતાં, આ બધા મળીને પણ ભાજપની બેઠકો બે આંકડા સુધી ન પહોચાડી શક્યા.હા, મનોજ તિવારી જેવા ભાજપના પ્રદેશઅધ્યક્ષ એવું આશ્વાસન જરૃર અપાવી શકે કે મેં દિલ્હીમાં ભાજપની સીટો ડબલ કરી આપી, ૩ની ૮ થઈ ગઈ.બાય ધ વે, આ એ જ પ્રદેશ અધ્યક્ષ છે, જેમણે ભાજપ માટે ૪૮ અને પછી ૫૫ સીટોની ભવિષ્યવાણી ટ્વિટર પર કરીને પાછી સલાહ આપી હતી, કે આ ટ્વીટ સેવ કરી રાખજો.આ એ જ પ્રદેશઅધ્યક્ષ છે, જેમનો રાષ્ટ્રીય અધ્યક્ષ પરનો એક કથિત પત્ર વાઇરલ થયો હતો, જેમાં એમણે સલાહ આપી હતી કે દિલ્હીની પરિસ્થિતિ જોતાં, હવે વડા પ્રધાન અને ગૃહમંત્રી જેવા મોટા નેતાઓને ચૂંટણીથી દૂર રાખવા જોઈએ, જેથી હારની જવાબદારી માત્ર મારે માથે નાખી શકાય.સામે પક્ષે, દિલ્હી ચૂંટણી ૨૦૨૦ માત્રને માત્ર અરવિંદ કેજરીવાલનો સૉલો શો છે.

કેજરીવાલનું આ નવું વર્ઝન ૩.૦ છે. આ કેજરીવાલ અણ્ણાના આંદોલનવાળા ક્રાંતિકારી કેજરીવાલ નથી, કે ૨૦૧૫ના કેજરીવાલ પણ નથી. આ નવા કેજરીવાલ પાકા દિલ્હીછાપ રાજકારણી છે.આ કેજરીવાલને પોતાના પાછલાં પાંચ વર્ષનો હિસાબ ગાઈવગાડીને આપતા આવડે છે. મફત વીજળી, પાણી, મુસાફરી જેવી યોજનાઓ થકી વોટ માગતા આવડે છે.આમ તો કેજરીવાલ અને તેમની પાર્ટી સેક્યુલર છાપ ધરાવે છે, પણ હિંદુ વોટ માટે ટીવી પર હનુમાનચાલીસા એમને ગાતા આવડે છે અને ભાજપના નેતાઓને હનુમાનચાલીસા કે ગીતા નથી આવડતી એવું પણ તે કહી શકે છે.આ કેજરીવાલને શાહીનબાગ ગયા વગર મુસ્લિમ વોટ માટે શાહીનબાગને સપોર્ટ કરતા આવડે છે અને મતદાન અગાઉ અને પરિણામ પછી હનુમાનજીનાં દર્શન માટે મંદિર જવાનું પણ તેઓ ચૂકતા નથી.કેજરીવાલનો હનુમાનપ્રેમ એટલો મજબૂત છે કે ભાજપના નેતા રવીન્દ્ર રૈના ઑફિશિયલ રીઍક્શનમાં કહે છે કે કેજરીવાલે હનુમાનચાલીસા ગાઈ એટલે જ જીત્યા. હાસ્તો, બાકી અજેય નરેન્દ્ર મોદી-અમિત શાહને કોઈ કાળા માથાનો માનવી હરાવી શકે ખરો?ત્રીજો પક્ષ કૉંગ્રેસ. એણે સતત બીજી વાર ઝીરોનું સાતત્ય જાળવી રાખ્યું છે.એક ટીવી ડિબેટમાં કૉંગ્રેસનાં પ્રવક્તા બહેનનું કહેવું હતું કે, દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નાતે અમે કૉંગ્રેસે રણનીતિના ભાગરૃપે જ આ રીતે આપના સમર્થનમાં હારવાનું નક્કી કરેલું, જેથી ભાજપને સત્તામાં આવતો રોકી શકાય.ત્રણ વાર દિલ્હી વિધાનસભામાં સત્તામાં રહેલી ૧૩૫ વરસ જૂની આ પાર્ટીએ એની આ રણનીતિને કારણે કહો કે પછી જનતાએ આપેલા જાકારાને કારણે કહો, આ વખતે ૭૦માંથી ૬૩ સીટો પર ડિપૉઝિટ પણ ગુમાવી.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીઓમાં દિલ્હીએ ૭માંથી ૭ બેઠકો નરેન્દ્ર મોદીના ભાજપને આપી હતી અને તરત જ ૨૦૧૫માં આવેલી દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકોનું પરિણામ હતું - આપ ઃ ૬૭ અને ભાજપ ઃ ૩.ભારતનો પરિપકવ મતદાતા કોઈનો દોરવાયો દોરવાતો નથી કે નથી માત્ર પ્રચારથી કોઈની વાતોમાં આવી જતો.એ જ્યારે લોકસભા માટે વોટિંગ કરે છે ત્યારે એના મનમાં અલગ સમીકરણ હોય છે અને એ જ મતદાતા વિધાનસભા માટે વોટિંગ કરે ત્યારે એના મનમાં અલગ સમીકરણો હોય છે.જરૃરી નથી, કે મતદાતાએ લોકસભામાં જેને વોટ આપ્યો એ જ પાર્ટીને વિધાનસભામાં પણ આપે જ અને એ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે.બાકી વોટિંગનાં બે દિવસ પહેલાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત, કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હઠાવી દેવાના પ્રચારપડઘમ, નાગરિકતા સંશોધન કાયદાનો રાષ્ટ્રવ્યાપી વિવાદ અને શાહીનબાગ વિરોધપ્રદર્શન જેવા મુદ્દાઓથી કોમી ધ્રુવીકરણના પ્રયાસો ઓછા નથી થયા.એ તમામ મુદ્દાઓ છતાં ભાજપને સિંગલ ડિજિટમાં સમેટાઈ જવું પડે એનું કારણ માત્ર કેજરીવાલ કે એનું ડેવલપમૅન્ટ મૉડલ હોઈ શકે?આ ગંજાવર જીત અને કારમી હાર વચ્ચે જોકે બે બાબતોમાં ઇજ્જત બચી પણ ગઈ છે. એક, ટીવી ચેનલોના ઍક્ઝિટ પોલની અને બીજું ઇલેક્શન કમિશનના ઈવીએમની.દિલ્હીના ૨૦૨૦નાં આ પરિણામો પછી કમસે કમ હવે ઈવીએમના સેટિંગની શંકા-કુશંકાઓ અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી જવું જોઈએ.દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી બે પ્રશ્ન દરેકનાં મનમાં ઘોળતા હશે.

એક તો એ કે આમ આદમી પાર્ટી અને તેમના નેતા અરવિંદ કેજરીવાલ ૨૦૧૩-૧૪ના મૉડમાં પાછા જશે એટલે કે રાષ્ટ્રીય પક્ષ અને રાષ્ટ્રીય નેતા બનવાનો ફરી એક વાર પ્રયાસ કરશે ખરા?બીજો પ્રશ્ન એ કે ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદી હવે શું માર્ગ અપનાવશે? જે માર્ગ અત્યાર સુધી અપનાવતા આવ્યા છે તે જ માર્ગે હજુ વધુ આક્રમકતાથી જશે કે પછી થોડી પીછેહઠ કરશે?આ બંને પ્રશ્નો અત્યારે એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો વિજય સાધારણ વિજય નથી.ભાજપે પૂરી તાકાત દિલ્હીમાં લગાડી હતી. વડા પ્રધાને પોતે પ્રચાર કર્યો હતો.

અમિત શાહે પક્ષના અધ્યક્ષને બાજુએ મૂકીને પ્રચાર અને ચૂંટણી મૅનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું.હિંદુ-મુસ્લિમ અને પાકિસ્તાનના નામે ધ્રુવીકરણ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ભાજપે જે પ્રચાર કર્યો હતો એ નિમ્ન સ્તરનો હતો.ખુલ્લે આમ હિંસાને પ્રોત્સાહન આપનારો પ્રચાર આ પહેલાં કોઈ ચૂંટણીમાં કરવામાં આવ્યો નહોતો.આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને છોડીને દરેક નેતાઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા.રાજ્યોના મુખ્ય મંત્રીઓને પક્ષ માટે પ્રચાર કરવા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને ત્રણસો સંસદસભ્યોને ૭૦ વિધાનસભાક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યાં હતાં. ઘર દીઠ એક કાર્યકરને મૂકવામાં આવ્યો હતો.ભાજપ પાસે અઢળક પૈસા છે, પડ્યો બોલ ઝીલનાર પોલીસતંત્ર હતું, આંગળિયાત ચૂંટણીપંચ હતું અને ડરાવનારી, બદનામ કરનારી અને જૂઠાણાં ફેલાવનારી ટ્રૉલ્સની આર્મી છે અને છતાં દિલ્હીમાં ભાજપનું ધોવાણ થયું છે.આમ કેમ થયું? શું આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરેલાં કામો સામે હિંદુરાષ્ટ્રવાદનો પરાજય થયો છે કે પછી હિંદુરાષ્ટ્રવાદના અત્યંત વિકૃત ચહેરાને લોકોએ નકાર્યો છે?મને એમ લાગે છે કે બંને તત્ત્વોએ કામ કર્યું છે. ૮૫ ટકા હિંદુઓને સતત ૧૫ ટકા મુસલમાનોનો ભય બતાવતાં રહો, દરેક સમજદાર હિંદુને દેશદ્રોહી ઠરાવતાં રહો, આર્થિક સંકટ સામે આંખ આડા કાન કરતાં રહો, અમુક મીડિયા સતત પાકિસ્તાનનો અને દેશદ્રોહીઓનો ભય બતાવીને હિંદુઓને ઉશ્કેર્યા કરે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા કે ગાર્ગી કૉલેજમાં અભદ્ર પ્રદર્શન કરવામાં આવે, નવ વરસની બાળકી સામે દેશદ્રોહનો આરોપ કરીને તેમની ધરપકડ કરવામાં આવે, શાહીનબાગના આંદોલનકારીઓ બળાત્કાર કરવા તમારા ઘરમાં ઘૂસી જશે એવો ભય બતાવવો, કોઈ યુવક ઉશ્કેરાઈને હાથમાં પિસ્તોલ લઈને ગોળીબાર કરે અને તેની નોંધ પણ લેવામાં ન આવે એ જરા વધારે પડતું હતું.કોઈએ હિંદુરાષ્ટ્રના આવા ચહેરાની કલ્પના નહીં કરી હોય. શું હિંદુરાષ્ટ્ર આવું અભદ્ર, વિકૃત, માથાભારે અને ભયભીત છે? દિલ્હીના મતદારોને આવો પ્રશ્ન થયો હોય એ સ્વાભાવિક છે.રામમંદિર બાંધવા સરકારે ટ્રસ્ટની રચના કરી હોવા છતાં, નાગરિક ધારામાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં, નાગરિક નોંધણી જાહેર કરી હોવા છતાં દિલ્હીના મતદારોએ હિંદુ બનીને હિંદુત્વવાદી પક્ષને મત આપવાનું મુનાસીબ નથી માન્યું જે વાત રાજકીય પક્ષોને સમજ આવે તેવી જ આશા રાખી શકાય.

close
Ank Bandh
close
PPE Kit