સરકારી કાર્યક્રમો-મેળાવડાઓ ઉપર શા માટે પ્રતિબંધ નહીં?

સરકાર અને રાજકીય પક્ષોએ તો પ્રજાને પ્રેરણા મળે તેવી રીતે નિયમોનું પાલન કરવાની જરૃર છે

સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં પણ દેશના ધંધા-રોજગાર-જનજીવનને ધબકતું રાખવા અનલોકના તબક્કાઓમાં વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ભારત જેવા ૧૩૦ કરોડથી વધુ વસતિવાળા દેશમાં ગરીબો-કારીગરો, મજૂરો, નોકરિયાતો, નાના ધંધાર્થીઓની સંખ્યા એટલી મોટી છે કે આવી છૂટછાટ આપવી પણ અતિ જરૃરી છે.

તેમ છતાં કોરોના સામેની લડાઈમાં કોરોનાના સંક્રમણથી બચવા તેમજ કોરોનાના ફેલાવાને રોકવા માટે જે અતિ સામાન્ય નિયમોનું પાલન કરવાનું છે તેવા નિયમોની અમલવારી ચાલુ છે, પણ તે નિયમોનો ચૂસ્તપણે અમલ કરવામાં સામાન્ય જનતાની નિષ્ક્રિયાતાના કારણે જ કોરોના બેકાબૂ બની રહ્યો છે.

લગ્નપ્રસંગ, મરણ વગેરે માટે એકત્ર થનાર વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત જાહેર કરવામાં આવી છે. ધાર્મિક સ્થાનો પર પણ કોઈપણ જાતના મેળાવડા, ભજનમંડળો, સામૂહિક પૂજા, શોભાયાત્રા વગેરે પર કડક પ્રતિબંધ ચાલુ છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલ ગાઈડલાઈન્સમાં સામાજિક મેળાવડાઓ યોજવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ છતાં કોઈને કોઈ બહાને નાના-મોટા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

ખાસ તો સરકારી કાર્યક્રમોનો ઉલ્લેખ કરવો પડી રહ્યો છે. કોરોનાના કપરાં કાળમાં જેમ તમામ સ્તરેથી જનજીવન ધબકતું રહે તેવી જ રીતે સરકારના વિકાસકામો પણ અટકવા ન જોઈએ. તેથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ગ્રાન્ટ દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત, ઉદ્ઘાટન, લોકાર્પણ શરૃ થઈ ગયા છે.

આગામી મહિનાઓમાં જો કોરોના સંદર્ભની સ્થિતિ સામાન્ય થતી જણાશે તો સંભવિતરીતે ગુજરાત રાજ્યની વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. આ ઉપરાંત રાજ્યમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીનો સમય પણ થઈ ગયો હોવાથી સરકારના ખાતમુહૂર્ત-ઉદ્ઘાટન-લોકાર્પણના કાર્યક્રમોમાં પણ ગતિ આવી છે.

અગાઉ ઉલ્લેખ થયો તેમ વિકાસ પણ ચાલુ જ રહેવો જોઈએ... પણ સરકારે આવા કાર્યક્રમોના નામે થઈ રહેલા મેળાવડાઓ બંધ કરી ઓનલાઈન જ પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. એક તો સરકારનો કાર્યક્રમ હોવાથી સંબંધિત વિભાગ તેમજ અન્ય વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓને તેમના રાબેતા મુજબના કામમાંથી ત્યાં હાજર રહેવું પડે છે. તેમાં ય મોટાભાગના કર્મચારી-અધિકારીઓ કોરોના સંદર્ભની કામગીરીમાં પણ હોય શકે છે. તેમની ઓફિસમાં ગેરહાજરીના કારણે લોકોના રોજબરોજના કામોને પણ અસર થાય છે.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે આવા કાર્યક્રમોમાં સંખ્યાનું કોઈ માપ હોતું નથી. સરકારી ગાઈડ લાઈન્સમાં સામાજિક-ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધનો ઉલ્લેખ છે, પણ જાણીજોઈને સરકારી કે રાજકીય મેળાવડાઓનો ઉલ્લેખ નથી. તેથી ર૦૦-૪૦૦ લોકો એકત્ર થાય છે. તાજેતરમાં જ ટાઉનહોલમાં મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી દોઢસો કરોડના વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત, ઈ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચૂસ્તપણે પાલન થયું અને આઠસોની ક્ષમતાવાળા ટાઉનહોલમાં ખુરશીઓ ખાલી રાખીને રપ૦-૩૦૦ લોકો હાજર રહ્યા હતાં. તેમ છતાં આવા મેળાવડાથી કાર્યક્રમ શરૃ થયા પહેલા કે પછી નિયમોનું પાલન થતું નથી તે હકીકત છે.

નવાઈની વાત તો એ છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ વિકાસકામો અંગેનો કાર્યક્રમ ઓનલાઈન યોજાયો, મુખ્યમંત્રીના હસ્તે તે વિધિ પૂર્ણ થઈ, તેમ છતાં સત્તાધારી રાજકીય આગેવાનોના હસ્તે વિકાસકામોના ફરીથી રીબીન કાપીને ફિઝિકલ ઉદ્ઘાટન થયા! તો પછી સીએમના હસ્તે જે વિધિ થઈ તેનું ગૌરવ કેટલું જળવાયું?

સરકારે ખૂદે જ આવા મેળાવડાઓ, લોકો-નેતાઓ, તેમના સમર્થકો એકત્ર થાય તેવા કાર્યક્રમોના આયોજન પર બ્રેક લગાવવાની જરૃર છે. એક તરફ સરકાર આમજનતાને નિયમોનું પાલન કરવા, ભીડ નહીં કરવા, ઘરે જ રહેવા, ઘરમાં જ રહીને કામ કરવા, ઘરમાં જ રહીને પૂજા-પાઠ કરવા, ઘરમાં જ રહીને ધાર્મિક તહેવારો ઉજવવા અપીલ કરી રહી છે ત્યારે ખૂદ સરકારે તો લોકોમાં વધુ જાગૃતિ આવે, લોકોને પ્રેરણા મળે તેવું વલણ અખત્યાર કરવાની જરૃર છે.

સરકારી કાર્યક્રમોમાં ખૂબ મોટા પાયે ખર્ચ પણ થાય છે ત્યારે જો ભીડ એકત્ર ન થાય તેવી રીતે સાદાઈથી કાર્યક્રમો યોજાય તો ખર્ચાઓમાં પણ મોટી બચત થઈ શકે!

પણ... ગુજરાતમાં તો ભાજપના શાસનમાં દરેક કાર્યક્રમ, દરેક મેળાવડા ખૂબ જ ભપકાદાર રીતે કરવાની જાણે પ્રણાલી પ્રસ્થાપિત થઈ ગઈ હોય તેમ આવા ખર્ચાઓ ચાલુ જ છે... ખૂદ ભાજપના પક્ષના જ કાર્યક્રમો પણ ભીડ ન થાય તેવી રીતે યોજાવા જોઈએ.

વિકાસ કામો તો તેની પ્રક્રિયા પ્રમાણે ભલે થતાં રહે, પ્રજા વચ્ચે જવા માટે રાજકીય નેતાઓએ કે ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા લોકો માટે કદાચ આવા કાર્યક્રમોને મહત્ત્વ આપવામાં આવે છે... પણ ખરેખર તો અનેક સમસ્યાઓથી પીડિત પ્રજા વચ્ચે જઈને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવવાની જહેમત ઊઠાવવી જોઈએ. જામનગર શહેરના લોકો અનેક પ્રશ્નો સાથે સમસ્યાઓથી રીબાઈ રહ્યા છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઝાકમઝોળવાળા કાર્યક્રમોના બદલે લોકોના ઘરે ઘરે જાય, દરેક વિસ્તારમાં પરિભ્રમણ કરે અને પ્રશ્નોનો ઉકેલ લાવે તો તે સાચા વિકાસકામો થયા ગણાશે.

કાર્યક્રમોમાં સજીધજીને હાજરી આપી ફોટાઓ સાથે પ્રસિદ્ધ થાય તે લોકસંપર્ક નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit