ખંભાળીયા તા. ૨૩ઃ ખંભાળીયા નગરપાલિકા ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોવા છતાં શહેરમાં ક્યાંય રાજકીય ગરમાવો જોવા મળતો નથી અને લોકોમાં પણ ભારે નિરસ માહોલ જોવા મળે છે.
ખંભાળીયાના કેટલાંક વોર્ડમાં ઉત્સાહી ઉમેદવારો ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા છે. તો બાકીના વોર્ડમાં કોઈ ફરક્યું જ નથી! સતત કામ કરતા ઉમેદવારોને ''તમે ધક્કો નહીં ખાતા'' જેવી ખાતરી પણ મતદારો આપી રહ્યા છે.
વોર્ડ વ્યવસ્થા-ગોટાળાજનક
ખંભાળીયા પાલિકાની વોર્ડ રચના એવી છે કે ઉમેદવારોને કંઈ સમજાય જ નહીં. પોર ગેઈટ પાસે બુદ્ધભટ્ટી વકીલવાળો વિસ્તાર ૧ નંબરના વોર્ડમાં છે અને તેના ૨૦ ફૂટ સામેનો વાયા સોનીનો વિસ્તાર, સાત નંબરમાં છે તો ભૈરવો કોઠો સાતમાં અને સારસ્વત બ્રહ્મપુરી પાંચમાં આવા અનેક છબરડા જેવી સ્થિતિથી ઉમેદવારો દોડધામમાં મૂકાઈ ગયા છે.
ક્રોસવોટીંગ માટે દોડધામ
ખંભાળીયા પાલિકામાં કેટલાક વોર્ડમાં ક્રોસ વોટીંગ થવાથી અંદરખાને સમજુતિથી એક જ વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ બન્ને જીતતા હોય પેનલો આખી ન જીતતી હોય આવા વોર્ડમાં વધુ ચહલપહલ જોવા મળી રહી છે તો ખાનગી રાહે ક્રોસ વોટીંગની હિલચાલવાળાને રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોની ફરિયાદો પણ થયાનું જાણવા મળે છે.