જામનગર તા. ૩ઃ ભાણવડ તાલુકાના રેટા કાલાવડમાં બે આસામી વચ્ચે પાણીના કાઢીયા બાબતે ચાલતા મનદુખ વચ્ચે અદાલતમાં દાવો કરવામાં આવ્યો હતો. તે દાવો હાઈકોર્ટમાં પેન્ડીંગ છે ત્યારે ગઈકાલે વિજય સરઘસ વેળાએ મામલો ઉગ્ર બન્યો હતો. ચાર શખ્સે ધોકા, ખપારી ધારણ કરી સામેવાળા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે હુમલાખોરો સામે ગુન્હો નોંધી ચારેયની અટકાયત કરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામમાં રહેતા રામશીભાઈ અરજણભાઈ કારાવદરા તથા રેટા કાલાવડના જ રામશીભાઈ ગોવાભાઈ મારૃ વચ્ચે અદાલતમાં કાનુની જંગ ચાલી રહ્યો છે. ખેતરમાં ધોવાણ અટકાવવા માટે બનાવવામાં આવેલા પાણીના કાઢી્યા બાબતે રામશીભાઈ કારાવદરાએ અદાલતનો આશરો લીધો હતો.
છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા આ કેસ અંગે રામશીભાઈ કારાવદરાએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. ત્યારથી બંન્ને રામશીભાઈ વચ્ચે મનદુખ ચાલતું હતું. તે દરમ્યાન ગઈકાલે સાંજે જાહેર થયેલા ચૂંટણીના પરિણામો પછી રેટા કાલાવડમાં વિજેતા ઉમેદવારનું સરઘસ નીકળ્યું હતું ત્યારે મનદુખ ઉગ્ર બની રોષ સ્વરૃપે ફાટી નીકળ્યું હતું.
ગામના પાદરમાંથી જઈ રહેલાં વિજય સરઘસ વેળાએ રામશીભાઈ ગોવાભાઈ મારૃ તથા દિનેશ રમેશભાઈ મારૃ, જીગર રમેશભાઈ અને દિલાભાઈ ભોજાભાઈ પાથર ધોકા, ખપારી સાથે ધસી આવ્યા હતાં. આ શખ્સોએ રામશીભાઈ કારાવદરા પર હલ્લો કર્યો હતો. આ વેળાએ ત્યાં હાજર પોલીસ સ્ટાફ અને અન્ય લોકોએ હુમલાખોરોને પકડીને દુર કર્યા હતાં. તેમ છતાં હુમલાખોરો આજે તો તને ઢાળી જ દેવો છે. તેમ કહી ધમકી આપતા હતાં. તેવી ફરિયાદ ભાણવડ પોલીસ સ્ટેશનમાં રામશીભાઈ કારાવદરાએ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૬(૨),૫૦૪,૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.