દ્વારકા જિલ્લામાં લોકડાઉન દરમિયાન આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ બંધ

ખંભાળીયા તા. રપઃ કોરોના વાઈરસના પ્રસારને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકો માટે જીવનજરૃરિયાતની વસ્તુઓન્ું વેચાણ કરતી દુકાનો અને આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, કચેરીઓ બંધ રહેશે. તેમ, ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાહર્તાએ જણાવ્યું છે.

કોરોના વાયરસના અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સરકારી તંત્ર ખૂબ જ સક્રિય રીતે આ રોગને કાબુમાં લેવા કામ કરી રહ્યું છે. કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લામાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ દુકાનો, વાણિજયક સંસ્થાઓ, ફેકટરી, નાના અને મધ્યમ ઉદ્યોગો, વર્કશોપ, ગોડાઉન સદંતર બંધ રહશે. ફકત આવશ્યક સેવાઓ તમામ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન/ નગરપાલિકા તથા પંચાયત સેવાઓ, દુધ-શાકભાજી, ફળ-ફળાદી, કરીયાણુ, પ્રોવિઝન સ્ટોર, ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, પેસ્ટ કન્ટ્રોેલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, મેડિકલ સ્ટોર, દવાખાના/ હોસ્પિટલ, લેબોરેટરી, દવા/ મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા વગેરે ચાલુ રહેશે.

હાલ જિલ્લામાં લોક ડાઉન સાથે ૧૪૪ની કલમ લાગુ છે. ત્યારે આ દરમિયાન જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ માટે છુટ છાટ આપવામાં  છે. આ ઉપરાંત કોરોના સંદર્ભેની કોઇ અફવા ન ફેલાવવાની અપીલ સાથે તંત્રને સહયોગ આપવા પણ જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી હતી.. જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંગળવાર સુધીમાં કુલ ૨૦૩ વ્યક્તિઓ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ ૧૮૨ લોકો હાલ હોમ  કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. મહત્ત્વની બાબત તો એ છે કે આ ૧૮૨ પૈકી ૧૨૫ વ્યક્તિઓ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના જ વતની છે.

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મુસ્લિમ વાઘેર, ખારવા પરિવારના સદસ્યોનો મુખ્ય વ્યવસાય વિદેશમાં વહાણવટી તરીકેનો છે. તેઓ દર વર્ષે મહદ અંશે ઉનાળાની ઋતુમાં વિદેશથી પરત ફરે છે. હાલ કોરોના વયરસના રોગની પરિસ્થિતિ વચ્ચે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી તથા સ્ટાફને સાથે રાખી સલાયામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જુદા જુદા દેશોમાંથી  અહીં પરત ફરતાં આ તમામ લોકોને તેમના વાહનમાં જ કોરોન્ટાઈન કરવામાં આવશે.  આ વહાણને સલાયા નજીકના દરિયાઇ વિસ્તારમાં જ રાખી,  વાહનમાં આવેલા આ તમામ વ્યક્તિઓને તબીબી પરિક્ષણ ચૌદ દિવસ સુધી અહીં જ કરવામાં આવશે.  દરમ્યાન કોઈપણ જાતની મેડિકલ ઈમરજન્સીની જરૂર પડ્યે તેમને જમીન પર લઈ આવી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે.

આ બાબતે સલાયાના વહાણવટી એસોસિએશનના પ્રમુખ દ્વારા પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહાણમાં જ પાણી સહિતની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. સૌપ્રથમ વખત એવું બનશે કે વિદેશથી આવેલા લોકોને વહાણમાં જ કોરોન્ટાઈન કરવામાં આવશે..

કોરોના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારની સુચના મુજબ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ડિસ્ટ્રીકટ લેવલની બે હોસ્પિટલની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ૫૦ બેડ તથા વેન્ટિલેટર પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ સાકેત હોસ્પિટલમાં પણ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે અન્ય ખાનગી હોસ્પિટલમાંથી પણ વેન્ટિલેટર સહીતના જરૂરી સાધનો મેળવી આ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવનાર છે.

આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયાના  કુવાડિયા ગામ પાસેની આદર્શ નિવાસી શાળા માં ૨૦૦ બેડ નો કોરોન્ટાઈન રૂમ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોને દાખલ કરાયા હતા. હાલ માત્ર ભાણવડના એક જ મહિલા સારવાર હેઠળ છે. આ અંગેની માહિતી આરોગ્ય અધિકારી શ્રી પટેલે આપી હતી.

આ ઉપરાંત મહત્વના એવા સલાયા ગામમાં બહારના વિસ્તારમાંથી કે વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય, સધન કાર્યવાહી કરવામાં આવી છે. અહીં લોકોને હોમ  કોરોન્ટાઈનમાં રાખી, શંકાસ્પદ લોકોના હાથમાં સ્ટેમ્પ લગાવવા તથા તેઓના ઘરની બહાર માહિતી આપતા સ્ટીકર પણ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ખંભાળિયા પંથકમાં બહારગામથી આવેલા યાત્રાળુઓનું સ્ક્રીનીંગ કરી તમામને હોમ કોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત દરેક ઘરે સર્વે સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનું ઓન લાઈન  રિપોર્ટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહી આગામી ત્રણ દિવસના સંપન્ન થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના અંગે બહારના વિસ્તારમાંથી કે વિદેશમાંથી આવેલા લોકો અંગે તંત્રને માહિતગાર કરવા માટે આ લોકો, તેમના સંબંધીઓ અને અન્ય લોકો પણ આ બાબતે તંત્રને જાણ કરી રહ્યા છે.

આ ઉપરાંત સલાયામાં આ રોગચાળાના પ્રાથમિક લક્ષણો વધુ જોવા મળવાની આશંકા વચ્ચે અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારી તથા ચીફ ઓફિસરને આપી, આવા પરિવારજનોને ઘરમાં જ કરિયાણા, દૂધ, ફળ વગેરે પૂરું પાડવા માટેની સુવિધાઓ પ્રાપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. આગામી સમયમાં આ વિસ્તારમાં જ સંક્રમિતોની સંખ્યા વધુ દેખાય તેવી આશંકા વચ્ચે તંત્ર પણ સક્રિય બન્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાયરસ રોગ સામે લડત આપવા ઉચ્ચ કક્ષાએથી અહીંની રોગી કલ્યાણ સમિતિ ને રૂપિયા ૨૫ લાખ ફાળવવામાં આવી હોવાની માહિતી જિલ્લા કલેક્ટરે આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનાજ દૂધ વિગેરેના ખરીદી તથા વેચાણ અંગેની તંત્ર દ્વારા સંપૂર્ણ છૂટ છે. ત્યારે હાલમાં અમલી એવા ૧૪૪ની કલમ ના જાહેરનામાનો ભંગ ન થાય તે માટે ગ્રાહકોએ તેઓની ખરીદી માટેનું લીસ્ટ દુકાનદારોને આપી, આવી દુકાને બિન-જરૂરી ગિરદી ન કરવા તથા જાહેરનામાનો ભંગ ન થાય તે જોવાની અપીલ કરી હતી. આ જાહેરનામાનો ભંગ થાયે દુકાનદાર જ જવાબદાર થશે તેમ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ જણાવ્યું હતું. કોરોના સામે લોકો માસ્ક પહેરી રાખે તે બાબતને ઈચ્છનીય ગણાવાઈ રહી છે. પરંતુ માસ્ક અનિવાર્ય હોવા અંગે એ બાબતનું ખંડન કરતાં આરોગ્ય અધિકારી પટેલે જણાવ્યું હતું કે બે વ્યક્તિ બંને વચ્ચેનું અંતર રાખે તથા ઉધરસ અને છીંક સમયે ખાસ તકેદારી રાખે તો સામાન્ય રીતે માસ્કની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી. આમ સાવચેતી રાખી બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર જળવાય તથા સ્વચ્છતા સહિતના પગલે માસ્ક અનિવાર્ય હોવાનું અધિકારીએ ખંડન કર્યું હતું.

આ સાથે શહેરમાં માસ્ક તથા જીવન જરૂરી વસ્તુઓના કાળા બજાર થવા અંગે તંત્ર દ્વારા હાલ ચેકિંગ કાર્યવાહી કરી, આવા આસામીઓ સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

close
Nobat Subscription