પાટડીના ખેરવા નજીક કાર-ડમ્પર અથડાતા લાગી આગઃ કારમાં ૭ લોકો જીવતા ભૂંજાયા

ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં

સૂરેન્દ્રનગર તા. ર૧ઃ સુરેન્દ્રનગરના પાટડી પાસેના ખેરવા ગામ નજીક વહેલી સવારે ડમ્પર અને કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ કુટુંબના ૭ લોકો જીવતા ભડથું થઈ ગયા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. દિવાળીના સમયગાળામાં થયેલા અલગ-અલગ અકસ્માતોમાં ૧૦ લોકોના મૃત્યુ થઈ ગયા છે, ત્યારે સુરેન્દ્રનગર નજીક આજે પણ ગોજારો અકસ્માત થયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તાલુકાના ખેરવા ગામ પાસે વહેલી સવારે ડમ્પર અને ઈક્કો કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. ત્યારપછી ઈક્કો કારમાં આગ લાગી જતા ચોટીલાથી દર્શન કરીને પરત આવી રહેલા એક જ કુટુંબના ૭ સભ્યો જીવતા ભડથું થઈ ગયા હતાં. જેમાં ૩ લોકો રાધનપુરના અને ૪ લોકો સાંતલપુરના વતની હતાં. અકસ્માત પછી ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વાહનની નંબર પ્લેટના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, ચોટીલાથી દર્શન કરીને સાતેય લોકો પરત ફરી રહ્યા હતાં ત્યારે સુરેન્દ્રનગર માર્ગ ઉપર પાટડીના ખેરવા ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો.

close
Ank Bandh
close
PPE Kit