મેયરના રાજીનામાની માંગણી સાથે પૂર્વ વિપક્ષી નેતાના જામનગર મનપામાં ધરણાં

જનરલ બોર્ડમાં નગરના પ્રાણપ્રશ્ને અને કોરોનાની ચર્ચા ન કરવા દેવાનો વિરોધ

જામનગર તા. ર૯ઃ નગરસીમ વિસ્તારના પ્રાણ પ્રશ્નો અંગે સામાન્ય સભામાં ચર્ચા-વિચારણા કરવા માટે વિપક્ષને મંજૂરી નહીં આપીને મેયરે હીટલરશાહીનો અનુભવ કરાવ્યો હતો. આથી મેયર રાજીનામું આપે તેવી માંગણી સાથે વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજી દ્વારા આજે નિયમનું પાલન કરીને મેયર કાર્યાલય પાસે ધરણાં કરવામાં આવ્યા હતાં.

રાજયમાં અને દેશમાં કોરોનાનો કહેર તૂટી પડ્યો છે. જામનગરમાં પણ કોરોનાના કેસો વધી રહ્યાં છે, જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો વહીવટમાં નિષ્ફળ ગયા છે. ચાર માસના લાંબા સમયગાળા પછી આયોજીત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કોરોના કેસ બાબતે વિપક્ષ દ્વારા ચર્ચા કરવા માંગણી કરવામાં આવી હતી. પરંતુ સત્તાપક્ષે અને ગૃહના અધ્યક્ષ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી.

શહેરના વોર્ડ નંબર બારમાં રોડ, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટના પ્રશ્ને લોકોની સહી ઝુંબેશ પણ કરવામાં આવી હતી, અને આ સહીઓ સાથે આવા ફોર્મ મેયરને સુપરત કરવામાં આવ્યાં હતાં. પરંતુ મેયર દ્વારા હીટલરશાહી અને સરમુખત્યારશાહી વલણ અપનાવી તેને પણ ન્યાય આપવામાં આવ્યો ન હતો. આથી મેયરે હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જોઈએ તેવી માંગણી સાથે આજે સ્થાનિક કોર્પોરેટર અને વિપક્ષના પૂર્વ નેતા અસ્લમ ખીલજીની આગેવાનીમાં મેયર કાર્યાલય પાસે સવારે ૧૧ થી ર સુધીના ધરણાંનો કાર્યક્રમ જાહેર થયો હતો. જેના અનુસંધાને સવારે ધરણાં શરૃ થયા હતાં. જરૃર પડ્યે લોક આંદોલન કરવાની પણ ચિમકી આપવામાં આવી હતી. સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન અને માસ્ક પહેરીને માત્ર ચાર લોકો જ આ ધરણાંમાં જોડાયા હતાં. જો કે, એકાદ કલાકમાં જ પોલીસ ટૂકડી ત્યાં આવી પહોંચી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit