હાઈકોર્ટની ગાઈડ લાઈન્સ અને આદેશ મુજબ સરકાર શાળા-કોલેજોની ફી અંગે કરે સ્પષ્ટ જાહેરાત

નરોવા-કુંજરોવા જેવી ગોળ-ગોળ વાતો છોડી રૃપાણી સરકાર શિક્ષણ રાહત સહાય પેકેજ જાહેર કરે

જામનગર તા. ર૯ઃ સમગ્ર ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય ક્યારથી શરૃ થશે તે અંગે હજી પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કોરોના મહામારી અને લોકડાઉન અને ત્યારપછી અનલોકમાં પણ શાળા-કોલેજો શરૃ થવાની શક્યતા નથી.

સમગ્ર બાબતમાં આખા રાજયમાંથી શાળા કોલેજોની કમસેકમ એક સત્રની ફી માફ કરવા પ્રબળ માંગણી ઉઠવા પામી છે. રાજય સરકારે બે-ત્રણ વખત "નરોવા-કુંજરોવા" જેવી ગોળ-ગોળ વાતો કરી હોવાથી શાળા-કોલેજોની ફી નો પ્રશ્ન અદ્ધરતાલ જ રહ્યો છે. અંતે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજીમાં અદાલતે રાજય સરકારને સૌનું હિત જળવાય તેવો નિર્ણય જાહેર કરવા આદેશ કર્યો છે.

હવે અદાલતના આ આદેશ પ્રમાણે રાજય સરકારે ખાનગી શાળા-કોલેજોના માલિકો, સંચાલકો અને વાલીઓ સાથે ચર્ચા-વિચારણા કરી સૌને સંતોષ થાય તેવો અને સૌનું હિત જળવાય રહે તેવો નિર્ણય તાકીદે કરવાની જરૃર છે.

ગુજરાતમાં શિક્ષણના ખાનગી કરણના કારણે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ મોટા રાજકીય નેતાઓ,  ઉદ્યોગકારોના સંચાલન હેઠળ છે. તેમાંય કહેવાની જરૃર નથી અનેક સંસ્થાઓમાં સત્તાધારી ભાજપના નેતાઓની ભાગીદારી પણ છે. આ સંજોગોમાં રાજય સરકારે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોના હિતને જ પ્રાધાન્ય આપ્યું હોવાનું સમજાય છે, અને તેથી જ આજે આ પ્રશ્ન હજી ગુંચવાયેલો અને વાલીઓ માટે ચિંતાજનક બની રહ્યો છે.

અગાઉ અહીં જ આલેખાયંુ છે કે, શાળા-કોલેજોના સંચાલક ટ્રસ્ટ, મંડળ કે માલિકોમાંથી મોટાભાગના અતિ સમૃદ્ધ છે. આ સમૃદ્ધ સંચાલકો કદાચ તેમની જ શાળા-કોલેજોના (પોતાના જ પરિવારના) વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રની ફી માફી કરવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. પણ શિક્ષણને વેપાર-ધંધો સમજનાર આવા 'વેપારીઓ' પાસેથી ફી માફીની આશા ફળીભૂત થઈ નથી. જો કે, જામનગર સહિત અન્ય શહેર - જિલ્લામાં કેટલાંક સમજુ અને દરિયાદિલ સંચાલકો, માલિકોએ પ્રથમ સત્રની તો ક્યાંક આખા વરસની ફી માફીની જાહેરાત કરી તેનું અનુકરણ કરવા અપીલ કરી છે. પણ તેમાં કોઈ વધુ જાહેરાતો થઈ નથી.

શાળા સંચાલકોએ શિક્ષકોના પગાર, ભાડાના મકાન, મેઈન્ટેનન્સ વિગેરે અનેક કારણો દર્શાવી ફી માફી કરી શકાય તેમ નથી તેવી રજૂઆતો કરી છે. આ કારણો કદાચ સાચા ગણીએ તો પછી હવે સરકારે જ તમામ ખર્ચ ઉઠાવી લેવાની જાહેરાત કરીને આ પ્રશ્નનો ઉકેલ લાવવો પડશે.

રાજય સરકારે ગરીબ વર્ગને ત્રણ-ત્રણ મહિના સુધી વિનામૂલ્યે અનાજ, ખાતામાં રોકડ રકમ જમા, અન્ય નાના વર્ગ માટે લોનની યોજના જાહેર કરી છે. તો ગરીબ, મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગના રાજયના અંદાજે ચાર કરોડ જેટલા લોકોને સ્પર્શતા આ પ્રશ્નને શિક્ષણ સહાય યોજનાનું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ.

કોરોના - લોકડાઉનના કારણે ગરીબ, મધ્યમ વર્ગની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી ગઈ છે. પેટ્રોલ-ડીઝલ તથા અન્ય તમામ ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યાં છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે રાજય સરકારે વ્હેલામાં વ્હેલી તકે સૌને રાહત થાય તેવો ઉકેલ લાવવા માટે રાહત પેકેજની જાહેરાત જ અંતિમ વિકલ્પ છે.

ઓનલાઈન શિક્ષણના લાભાલાભ અંગે અત્રે ચર્ચા નથી કરવી, પણ ઓનલાઈન શિક્ષણ આપી રહ્યાં હોવાથી શિક્ષણ ફી તો લેશું જ તેવા બહાનાને કોરાણે મૂકીને શિક્ષણ કાર્ય ચાલુ ન થાય ત્યાં સુધી અથવા પ્રથમ સત્રની ફી શાળા-કોલેજો ન લ્યે તેવો આદેશ કરવામાં આવે, શાળા-કોલેજોને જે કાંઈ આર્થિક નુકસાની થાય તે સરકાર ભરપાઈ કરી આપે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

ચૂંટણીઓ અંગે અને સરકારની સિદ્ધિઓ માટે બેઠકોના દોરમાં વ્યસ્ત સરકારે આ અતિ ગંભીર, મોટા જનસમૂહને સ્પર્શતા પ્રશ્ન અંગે સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને યોગ્ય નિર્ણય જાહેર કરવાની જરૃર છે. ફી હપ્તેથી ભરો, ફી નવેમ્બર સુધી ભરો, ફી વધારો નહીં કરાય તેવી જાહેરાતોનો હાલની સ્થિતિમાં કોઈ કરતા કોઈ મતલબ નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit