જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણીમાં ગુજસીટોકના આરોપીએ કર્યું મતદાન

પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદથી લાવવામાં આવ્યો આરોપીઃ

જામનગર તા. ૧૩ઃ જામનગરની ડિસ્ટ્રીક્ટ બેંકની ચૂંટણી માટે જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત આજે છ બેઠકનું મતદાન ડી.કે.વી. કોલેજમાં યોજાયું હતું. જેમાં હાઈકોર્ટની મંજુરીથી ગુજસીટોક કાયદા હેઠળ ઝડપાયેલા આરોપી વશરામ આહિરે પોલીસ જાપ્તા હેઠળ મતદાન કર્યું હતું.

મતદાન માટે જામનગરની ડી.કે.વી. કોલેજમાં કાર્યવાહી થઈ રહી છે. તે મતદાનમાં ભાગ લેવા માટે ગુજસીટોક કાયદા હેઠળ જામનગરમાં સૌપ્રથમ વખત નોંધાયેલા ગુન્હાના એક આરોપી અને પૂર્વ પોલીસ કર્મચારી વશરામભાઈ ગોવિંદભાઈ મીયાત્રાએ મંજુરી માંગતી અરજી રાજ્યની વડી અદાલતમાં કરી હતી.

કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલની ગેન્ગના સાગરિતો સામે જામનગરના જિલ્લા પોલીસવડા દીપન ભદ્રને શરૃ કરેલા ઓપરેશન અંતર્ગત નોંધાયેલા ગુજસીટોકના ગુન્હામાં વશરામભાઈ મીયાત્રાની ધરપકડ થઈ હતી. તે પછી આરોપીને અમદાવાદની જેલમાં ખસેડવાનો ખાસ અદાલતે હુકમ કર્યા પછી આ આરોપી અમદાવાદ જેલમાં છે. ત્યાંથી તેઓને મતદાન કરવાની મંજુરી આપવા નગરના એડવોકેટ ગીરીશ ગોજીયા મારફત અરજી કરી હતી. તે અરજી મંજુર થતા આજે સવારે અમદાવાદથી પોલીસ કાફલો આરોપી વશરામભાઈને જાપ્તા હેઠળ જામનગર લાવ્યો હતો. તેમણે ડી.કે.વી. કોલેજમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત આપ્યા પછી ફરીથી તેઓને અમદાવાદ જેલમાં લઈ જવા માટે પોલીસ કાફલો રવાના થયો હતો.

close
Ank Bandh 29 March
close
PPE Kit