રણજીતસાગર ડેમ પર પ્રતિબંધના નિયમનો સરેઆમ ભંગ

ડેમ સાઈટ પર પોલીસ બંદોબસ્ત ગાયબ...

હાલ કોરોના મહામારીના કારણે જિલ્લા વહીવટીતંત્રએ જિલ્લાના હરવા-ફરવાના ડેમો ઉપર જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને રણજીતસાગર ડેમ, સસોઈ ડેમ, ઓવરફલો થઈ રહ્યાં હોય, લોકો ત્યાં મોટી સંખ્યામાં જઈ રહ્યાં હોવાથી ડેમ સાઈટ પર થોડા દિવસો માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. ખાસ કરીને શુક્ર-શનિ-રવિની રજાના દિવસોમાં આ ડેમ સાઈટ પર કોઈ જઈ ન શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે ઓવરફલો થઈ રહેલા રણજીતસાગર ડેમ ઉપર સેકંડો લાપરવાહ લોકો પરિવાર સાથે ઉમટી પડ્યા હતાં અને કોઈપણ જાતના પોલીસ કે મનપાના બંદોબસ્ત વગર આ લાપરવાહ લોકોએ પાણીમાં ન્હાવા, સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવા, ટોળામાં માસ્કના નિયમનો ભંગ કરવા સહિતના જોખમી કરતૂતો કર્યા હતાં. જામનગર હવે સમગ્ર ગુજરાતમાં કોરોના દરદીઓની સંખ્યામાં પાંચમા સ્થાને આવી ગયું છે. દરરોજ એકસોથી વધુ નવા દરદીઓ ઉમેરાઈ રહ્યાં છે. દરરોજ ૧૦-૧પ-ર૦ કે તેથી વધુ દરદીઓના કોરોનાના કારણે મૃત્યુ થઈ રહ્યાં છે. આવી સ્ફોટક સ્થિતિ લોકલ સંક્રમણના ઝડપી ફેલાવાના કારણે જ સર્જાઈ છે, અને તેના માટે પોતાની જ પણ અન્ય લોકોની જિંદગીને પણ જોખમમાં નાંખતા તદ્દન લાપરવાહ લોકો જ જવાબદાર છે. જિલ્લા તંત્ર, પોલીસ વિભાગ તથા મનપા તંત્રએ ડેમ સાઈટ પર ચકલુય ન ફરકી શકે, લોકોના ટોળા એકત્ર ન થાય, તેમજ પ્રતિબંધનો કડકમાં કડક અમલ થાય તેવી જડબેસાક વ્યવસ્થા ગોઠવવી જ પડશે. નહીંતર આવા એક રવિવારની લાપરવાહ લોકોની ચાર-છ કલાકની મોજ અસંખ્ય લોકોને સંક્રમિત કરવામાં નિમિત્ત બનશે. ગંભીરતા કોણ સમજશે...!!

close
Ank Bandh
close
PPE Kit