| | |

એસ.સી./એસ.ટી. એક્ટ સુધારણા સામે સવર્ણોના આંદોલનથી ભાજપની મોટી વોટબેંક ખસકી જશે?

નવી દિલ્હી તા. ૧રઃ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે, ત્યારે જ મોદી સરકાર બરાબરની ઘેરાવા લાગી છે. એક તરફ એસ.સી./એસ.ટી. એક્ટમાં સુપ્રિમ કોર્ટના એક ચૂકાદાને નિરસ્ત કરવા મોદી સરકારે સંસદમાં એક કાયદો ઘડ્યો, તેથી સવર્ણો નારાજ થઈને સડક પર આવ્યા છે. તો બીજી તરફ જુદા જુદા રાજ્યોમાં વિવિધ માંગણીઓ અને અનામતની માંગણી સાથે આંદોલનો ચાલી રહ્યા છે. આ કારણે મોદી સરકારને એટલે કે એન.ડી.એ.ને વર્ષ ર૦૧૯ માં સત્તા જાળવી રાખવી લગભગ અશક્ય હોય, તેમ જણાય છે.

સવર્ણોના આંદોલનમાં ભાજપના જ કેટલાક નેતાઓ જોડાયા છે અને ઉત્તરપ્રદેશના એક ભાજપિયા ધારાસભ્યે તો ખુલ્લેઆમ એસ.સી.-એસ.ટી. એક્ટમાં એટ્રોસિટી હેઠળ ફરિયાદ થયા પછી તત્કાળ ધરપકડ કરવાની જોગવાઈને જ પડકારી છે. એક તરફ કેટલાક ધર્મગુરુઓ સહિત અનામતને નાબૂદ જ કરવાની વાત કરનારા અવાજો ઊઠવા લાગ્યા છે, તો બીજી તરફ મોદી સરકાર હવે એસ.સી.-એસ.ટી. એક્ટને છંછેડી શકે તેમ નથી. જો એમ કરવા જાય તો એસ.સી.-એસ.ટી.ના થોડા-ઘણાં મતો મળે, તો પણ ગુમાવવા પડે તેમ છે. આમ, ભાજપ માટે હવેલી લેવા જતાં ગુજરાત ખોવા જેવો ઘાટ સર્જાયો છે.

આવા સંજોગોમાં હવે ભાજપ કેવી રણનીતિ અપનાવશે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. બીજી તરફ વિવિધ રાજ્યોમાં પાટીદાર, મરાઠા, ગુર્જર વગેરે સમાજો દ્વારા અનામતની માંગણી ઊઠી રહી છે, તેને બંધારણીય મર્યાદામાં કેવી રીતે સંતોષી શકાય, તે અંગે નેતાઓ માથા ખંજવાળી રહ્યા છે, જો કે હજુ લોકસભાની ચૂંટણીને થોડો સમય બાકી છે, ત્યારે વિપક્ષો એકજૂથ થઈને મોદી સરકાર સામેના આ બધા અસંતોષને કેવી રીતે અંકે કરી શકે છે, તે જોવાનું રસપ્રદ રહેશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit