દરેડમાં બાઈક ચલાવવાના પ્રશ્ને વિદ્યાર્થી પર ત્રણ શખ્સનો હુમલો

જામનગર તા. ૨૩ઃ જામનગર નજીકના દરેડમાં ગઈકાલે એક વિદ્યાર્થી સાથે મોટરસાયકલ ચલાવવાના પ્રશ્ને એક શખ્સને બોલાચાલી થયા પછી વિદ્યાર્થીના ઘેર ધસી ગયેલા ત્રણ શખ્સે ધોકા, પાઈપ વડે હુમલો કરી બે યુવાનોને માર માર્યો હતો જેમાં  એક યુવાનનો હાથ ભાંગી ગયો હતો.

જામનગર નજીકના દરેડ ગામમાં આવેલા શ્રીહરી પાર્કમાં ભાડાના મકાનમાં રહેતા મુળ ઉત્તરપ્રદેશ રાજયના સિદ્ધાર્થનગર જિલ્લાના તીલોકપુર ગામના વતની રણજીતસીંગ જગદીશપ્રસાદ વર્મા નામના વિદ્યાર્થીને ગઈકાલે દરેડમાં રહેતાં દશરથસિંહ જાડેજા સાથે બાઈક ચલાવવાના પ્રશ્ને બોલાચાલી થઈ હતી.

ત્યારપછી ગઈકાલે સાંજે રણજીતસીંગના રહેણાંકે ધસી ગયેલા દશરથસિંહ તેમજ તેના ભાઈ જયેન્દ્રસિંહ જાડેજા અને દરેડ વિસ્તારમાં પાણી આપવા આવતા એક શખ્સે ગાળો ભાંડી, ધોકા તથા પાઈપ વડે હુમલો કર્યો હતો. આ વેળાએ વચ્ચે પડનાર રણજીતસીંગના ભાઈ ભગતસીંગને માર મારી હાથ ભાંગી નાખવામાં આવ્યો હતો. હુમલો કરી ત્રણેય શખ્સો નાશી ગયા હતાં.

સારવારમાં ખસેડાયેલા ઈજાગ્રસ્તો પૈકીના રણજીતસીંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૪૫૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, જીપીએકટની કલમ ૧૩૫(૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ શરૃ કરી છે.

close
Ank Bandh 26 January
close
PPE Kit