માછલીઓના બદલે મગરમચ્છો પર થશે વાર?

વહેલો શરૃ થઈ ગયો શ્રાવણિયો જુગાર?

જામનગર તા. ર૯ઃ જામનગર સહિત સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર સહિતના જિલ્લાઓમાં જુગારના દરોડાઓ પડી રહ્યા છે, અને તેમાં મહિલાઓ પણ પકડાઈ રહી છે. ગુજરાતમાં દારૃબંધી અને જુગારબંધી છે. આ કાયદાઓનો કડક અમલ થવો જરૃરી છે અને આવકાર્ય પણ છે, પરંતુ જો તેમાં 'સિલેક્ટીવ' એપ્રોચ રાખીને જો નાની માછલીઓને પકડવામાં આવે અને મોટા પાયે ધમધમતા રહેતા પ્રોફેશનલ જુગારધામોને 'અદૃશ્ય' રક્ષણ મળતું રહે તો તે કાયદાની આંખમાં ધૂળ નાંખવા જેવું જ ગણાય. ન્યાયની દેવીને આંખે પાટો બાંધેલો હોય છે, પરંતું ન્યાયની દેવી ગરીબ-તવંગરના ભેદભાવ રાખ્યા વગર કે અપરાધી કેવો છે, તે જોયા વગર ત્રાજવું લઈને સમાન ધોરણે ન્યાય તોલે છે, તેવી ભાવના ન્યાયની દેવીની હોય છે, તેથી તંત્રોએ તથા શાસકોએ પણ ન્યાયની દેવીની જેમ ગુનેગારોની સામે સમાન ધોરણો અને વલણો અપનાવવા જોઈએ, પણ કમભાગ્યે તેવું નથી.

તાજેતરમાં લોકડાઉન હતું અને હજુ પણ પ્રથમ અનલોકનો અંતિમ તબક્કો છે, અને મોટાભાગના ધંધા-રોજગાર ચાલુ થવા છતાં હજુ મનોરંજક પ્રવૃત્તિઓના સ્થળો પૂરેપૂરા ખૂલ્યા નથી, ત્યારે ઘણાં લોકો ટાઈમ પાસ કરવા ઘરબેઠા બાવન પત્તાની નિર્દોષ રમતો રમતા હોય છે, જ્યારે કેટલાક પરિવારના સભ્યો જ પોતાના ઘરમાં જ નાની રકમનો જુગાર રમતા હોય, તો તેને ગુન્હો ગણવો કે કેમ? તે એક એવો સવાલ છે, જેમાં માનવીય લાગણીઓથી વિચારવું જરૃરી હોય છે. સરાજાહેર ધમધમતા જુગારધામો ઘણી વખત પકડાતા હોય છે, જ્યારે ઘણી વખત બેરોકટોક ચાલતા હોવાની ફરિયાદો પણ ઊઠતી હોય છે. આ પ્રકારના મગરમચ્છોના બદલે લોકો પોતાના ઘરોમાં અને પરિવારના સભ્યો સાથે નિર્દોષભાવે થોડો-ઘણો જુગાર રમતા હોય, તેના પર ત્રાટકવું કેટલું યોગ્ય છે? તેવો સવાલ પણ ઊઠે છે. આ મુદ્દે કાનૂન અને નિયમો પણ કસોટીની એરણે ચડતા હોય છે અને આ પ્રકારના વિષયે વ્યવહારૃ અભિગમની અપેક્ષા પણ રાખવામાં આવતી હોય છે.

આપણા દેશમાં કાનૂન ઘણાં છે, તેમાંથી ઘણાં કાયદાઓ કડક પણ છે, પરંતુ મોટાભાગે 'સમરથ કો દોષ નાહીં ગુંસાઈ'ની ચોપાઈ મુજબ મોટા માથાઓ પર કોઈ કારણે 'રહેમ' રાખવામાં આવતો હોય છે અને બિચારા કેટલાક પરિવારો ઘરેલુ રમતો નિર્દોષ ભાવે રમતા હોય કે નાની રકમનો જુગાર રમીને મનોરંજન માણતા હોય, ત્યારે તેના પર ત્રાટકીને તેના વિરૃદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરવી એ કાનૂની રીતે તો યોગ્ય છે, પરંતુ માનવીય રીતે યોગ્ય નથી, તેવું ઘણા લોકો કહેતા હોય છે.

જુગાર અને દારૃ એ બન્ને એવા વિષય છે જે પરિવારોને બરબાદ કરી નાંખે છે. કોઈપણ જુગારથી હંમેશાં દૂર રહેવામાં જ શાણપણ છે. આ માટે ઘડાયેલા કાયદાઓ આપણા હિતમાં જ છે, અને આ કાયદાઓનો ભંગ થતો હોય, ત્યારે ગુન્હો નાનો કે મોટો જણાતો નથી, અને સમાન પ્રકારની જ કલમો લાગતી હોય છે, પરંતુ જ્યારે મગરમચ્છો મસ્ત બનીને મહાલતા હોય અને નાની માછલીઓને પકડીને તંત્રો મોટી ઉપલબ્ધિ ધરાવતા હોય તો તે પણ ખોટું છે. જો શ્રાવણિયો જુગાર વહેલો શરૃ થયો હોય તો પહેલા મોટા માથાઓ પર ત્રાટકવું જરૃરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit