દરેડના ચકચારી લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં ધરપકડ સામે સ્ટેનો હાઈકોર્ટનો હુકમ

જામનગર તા. ૩ઃ જામનગરના દરેડના ચકચારી લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં નાસતા ફરતા દર્શાવાયેલા મસીતીયાના પૂર્વ સરપંચે આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં કરેલી અરજી હાઈકોર્ટે મંજૂર રાખી તેઓની ધરપકડ સામે સ્ટેનો હુકમ કર્યો છે.

જામનગર નજીકના દરેડમાં રે.સ.નં.૧૩૧ તથા ૧૩૨માં આવેલી જમીનમાં ન્યુ દરેડ નોન ટ્રેડીંગ કોર્પોરેશન (સૂચિત)ના નામથી લે-આઉટનો પ્લાન નકશો બનાવી તે જમીનના ૧૭૯ સબ પ્લોટ પાડી સોસાયટી બનાવવામાં આવી હતી અને કેટલાંક આરોપીઓએ રૃા.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર અલગ અલગ કરાર કરી તેનું વેંચાણ કરી નાખ્યાની વિગત પ્રકાશમાં આવી હતી.

તે જગ્યામાં અનઅધિકૃત રીતે રહેણાંક, ઓફિસ,દુકાન બાંધી લેવામાં આવ્યા હતાં. તે આસામીઓ સામે તંત્રએ કાર્યવાહીનો પ્રારંભ કરી લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હા નોંધ્યા હતાં. પોલીસે વારાફરતી ૪૯ આરોપીની ધરપકડ કર્યા પછી ચાર્જશીટ કર્યું હતું. જેમાં ૬૨ આસામીને નાસતા ફરતા બતાવ્યા હતાં. તે પૈકીના મસીતીયા ગામના પૂર્વ સરપંચ ગફાર જુસબભાઈ ખફીને પણ નાસતા ફરતા જાહેર કર્યા હતાં. આ આસામી પ્લોટ નં. ૧૨૨ તથા ૧૨૩ના કબ્જેદાર છે. આ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. તે અરજી અન્વયે સરકારપક્ષ તરફથી થયેલી દલીલો સામે આરોપીપક્ષે દલીલ કરી હતી કે, વર્ષ ૨૦૧૬માં આ જગ્યા ખાલસા થઈ છે તે પહેલાં આ જમીન નવી શરતની હતી અને ટાઈટલમાં નોન ટ્રેડીંગમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. તેઓએ નવી શરતથી માંડી કબ્જા સુધીના તમામ દસ્તાવેજો જામીન અરજી સાથે રજુ કર્યા છે. અદાલતે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી પૂર્વ સરપંચ ગફાર ખફીની ધરપકડ સામે સ્ટે ફરમાવ્યો છે. તેમના તરફથી વકીલ રાજેશ ગોસાઈ, પ્રેમલ રાચ્છ, વી.વાય.જાની, હરદેવસિંહ ગોહિલ તથા રજનીકાંત નાખવા રોકાયા છે.

close
Ank Bandh 29 March
close
PPE Kit