દેશમાં ઠેર-ઠેર આંદોલનોઃ ભાગવતે મોદી-શાહને સમર્થન આપી પરિસ્થિતિ બગાડીઃ દિગ્વિજયસિંહ

નવી દિલ્હી તા. ૧૭ઃ ગૃહમંત્રી અમિત શાહને સીએએ મુદ્દે મળવા જવાની મંજુરી પોલીસે આપી નહીં હોવાના આક્ષેપો સાથે સરકાર પર તડાપીટ થઈ રહી છે, તો આર.એસ.એસના પ્રમુખ મોહન ભાગવતના તાજેતરના નિવેદનો અને તેનો કોંગી નેતા દિગ્વિજયસિંહે આપેલો પ્રત્યાઘાત પણ દેશભરમાં ચર્ચાસ્પદ બન્યા છે.

ગૃહમંત્રી અમિતભાઈ શાહે કોઈ ટેલિવિઝન ચેનલ પર સીએએ અંગે કોઈ પણ નાગરિક તેમને મળે તો તેઓ ચર્ચા કરવા તૈયાર છે, તેવું કોઈ નિવેદન કર્યા પછી શાહીનબાગની આંદોલનકારી મહિલાઓ તેઓને મળવા નીકળી હતી. પરંતુ પોલીસે તેમને જવા નહીં દેતા આંદોલનકારીઓએ અમિત શાહ પર વાદાખિલાફીનો આરોપ લગાવ્યો છે. તો તેની સામે એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે આ માટે ગૃહમંત્રીની જરૃરી એપોઈન્ટમેન્ટ પહેલેથી લેવામાં આવી નહોતી, તે ઉપરાંત મોટી સંખ્યામાં કોઈ ટોળાને ગૃહમંત્રીની મુલાકાત લેવાની મંજુરી આપી શકાય નહીં, આ મુદ્દે કેટલાક વિપક્ષના નેતાઓએ પણ ગૃહમંત્રી પર કટાક્ષો કર્યા હતા. જો શાહીનબાગના આંદોલનકારીઓ સાથે વાત જ કરવી ન હોય, તો ટી.વી. ચેનલોના માધ્યમથી આવી જાહેરાત શા માટે કરી, તેવો પ્રશ્ન ઉઠાવાઈ રહ્યો છે.

બીજી તરફ ગઈકાલે વારાણસીની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે દુનિયાભરના દબાણ છતાં સી.એ.એ.માં કોઈ ફેરફાર થવાનો નથી. વિપક્ષના કેટલાક નેતાઓ આ નિવેદનને લઈને પણ પ્રત્યાઘાતો વ્યક્ત કરી રહ્યા છે.

કોંગી નેતા દિગ્વિજયસિંહે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનો સંદર્ભ આપીને મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે. તેમણે કહ્યું કે સી.એ.એ પરત ખેંચીને એનઆરસી અને એનપીઆર લાગુ નહીં કરવાનો અમિત શાહ વાયદો કરીને તેનો અમલ કરે, અથવા ગૃહમંત્રી પદ છોડી દે, તે બે જ વિકલ્પ રહેલા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં મોહન ભાગવતે આપેલું નિવેદન જ મોદી સરકારની પોલ ખોલનારૃં છે. દિગ્વિજયસિંહે મોહનભાગવતના એ નિવેદનનો સંદર્ભ આપ્યો જેમાં ભાગવતે કહ્યું હતું કે, 'દેશમાં કોઈ ખુશ નથી. બધા આંદોલનો કરી રહ્યા છે મીલ માલિક પણ આંદોલનો કરે છે અને મજૂરો પણ ચળવળો કરી રહ્યા છે. અધિકારી-કર્મચારીઓ પણ આંદોલન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓ પણ આંદોલન કરી રહ્યા છે અને શિક્ષકો પણ આંદોલન કરી રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિ દુઃખ અને અસંતુષ્ટ છે.

દિગ્વિજય સિંહે ટવીટ કર્યું કે, 'ભાગવતજી.. સત્ય ક્યાં સુધી છુપાયેલું રહી શકે? આપની સંસ્થાએ મોદી-શાહને સમર્થન આપીને દેશની આ હાલત કરી નાંખી છે. જો આપ અને આપની સંસ્થા મોદી-શાહને સમર્થન આપવાનું બંધ કરી દેશે, તો તેઓના પગ નીચેથી જમીન ખસી જશે. ગુજરાતમાં ભાગવતજીએ જે નિવેદન કર્યું છે,  તે કાંઈક તો સંકેત આપે છે. મોદી-શાહ રાજધર્મ નિભાવી રહ્યા નથી.'

દિગ્વિજયસિંહના આ ટવીટ પછી મોહન ભાગવતનું ગુજરાતનું સંદર્ભિત નિવેદન રાજકીય ક્ષેત્રે વધુ ચર્ચાસ્પદ બન્યું છે.

તે પછી મોહન ભાગવતે એક નિવેદનમાં કહ્યું કે શિક્ષણ અને સાધન-સમૃદ્ધિની સાથે આવેલા ઘમંડના કારણે પરિવારો વિખેરાઈ રહ્યા છે, આજકાલ છુટાછેડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આ માટે સૌએ એક જુથ થવુ પડશે. પરિવારોના મુખ્ય સાત કર્તવ્યો રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઈ જાય છે. હવે જોવાનું એ રહે છે કે દિગ્ગીરાજાના આ નિવેદનનો જવાબ ભાજપ કેવી રીતે આપે છે, અને સીએએના મુદ્દે આંદોલનકારીઓ સાથે અમિત શાહની મુલાકાત ક્યારે થાય છે.

close
Nobat Subscription