વચગાળાના જામીન પર છુટી ફરાર થઈ ગયેલા આરોપીની અટકાયત

જામનગર તા. ૧૪ઃ જામનગરમાં સાત વર્ષ પહેલાં થયેલા ડબલ મર્ડરના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલો એક કેદી વચગાળાના જામીન પર મુક્ત થઈ ફરાર થઈ ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોર્ડે પકડી પાડ્યો છે.

જામનગરના એરોડ્રામ રોડ પર આવેલી ખેતીવાડી નજીકના રાવળવાસમાં રહેતા ચંદ્રેશ મનસુખભાઈ ગોહિલ સામે વર્ષ-૨૦૧૨માં ડબલ મર્ડરનો એક ગુન્હો નોંધાયો હતો. તે કેસમાં અદાલતે આરોપી ચંદ્રેશને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારપછી આ શખ્સ પાકા કામના કેદી તરીકે રાજકોટની જિલ્લા જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યાંથી ચંદ્રેશ ગોહિલે ચાર દિવસની વચગાળાની રજા (જામીન) મેળવ્યા હતાં. જેની મુદ્દત ગઈ તા. ૨૭-૦૮-૨૦૧૯ના દિને પૂર્ણ થઈ હતી. પરંતુ ઉપરોક્ત કેદી જેલમાં હાજર થયો ન હતો. આ શખ્સને પકડી પાડવા માટે તજવીજ કરવામાં આવી હતી. તે દરમ્યાન ગઈકાલે જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડના રણજીતસિંહ પરમાર, મેહુલ ગઢવી, કાસમ બ્લોચ, ગજેન્દ્રસિંહને તેની બાતમી મળી હતી.

ઉપરોક્ત બાતમીના આધારે સ્કવોર્ડના પીએસઆઈ જે.આર. કરોતરાના વડપણ હેઠળ સ્કવોર્ડે એરફોર્સ રોડ પર વોચ ગોઠવી ચંદ્રેશ મનસુખભાઈ ગોહિલની અટકાયત કરી હતી. તે શખ્સનો કબજો રાજકોટ જિલ્લા જેલને સોંપી આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના એએસઆઈ વનરાજસિંહ, હંસરાજભાઈ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ સાથે રહ્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit